For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બિહારમાં વીજળી પડતાં 12નાં મોત, દેશના 10 સ્થળોનું તાપમાન 40 ડિગ્રી

- દેશમાં વરસાદ અને આકરા તાપનું વિષમ વાતાવરણ

Updated: Jul 8th, 2020

Article Content Image

- આગામી ચાર દિવસ સુધી દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ જેવા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી 

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 8 જુલાઈ 2020, બુધવાર

બિહારમાં વીજળી પડવાનો હાહાકાર યથાવત રહ્યો હતો. છ જિલ્લામાં વીજળી પડવાના બનાવો બન્યા હતા અને એમાં ૧૨ લોકોનાં મોત થયા હતા. બીજી તરફ દેશમાં વિષમ વાતાવરણ જોવા મળ્યું હતું. ઘણાં રાજ્યોમાં વરસાદ પડયો હતો, તો ઘણાં સ્થળોનું તાપમાન ૪૦ ડિગ્રીની નજીક રહ્યું હતું.

બિહારમાં છ જિલ્લામાં વીજળી પડી હતી. સૌથી વધુ બેગુસરાય જિલ્લામાં વીજળી પડવાથી ૭નાં મોત થયા હતા. તે ઉપરાંત ભાગલપુર, મુંગેર, કૈમુર, જમુઈ અને ગયામાં વીજળી પડવાથી એક-એક વ્યક્તિનું મોત થયું હતું. બિહાર સરકારે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહીના પગલે લોકોને બહાર ન નીકળવાની સલાહ આપી હતી.

દેશમાં વરસાદ અને ગરમીનું વિષમ-વિચિત્ર વાતાવરણ જોવા મળ્યું હતું. બિહાર, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્વિમ બંગાળ જેવા રાજ્યોમાં વરસાદી વાતાવરણ રહ્યું હતું, તો દેશના ૧૦ કરતાં વધુ સ્થળો એવા પણ હતા, જ્યાં તાપમાન ૪૦ ડિગ્રીની નજીક રહ્યું હતું. રાજસ્થાનના બારમેર, બિકાનેર, ચુરુ, ફાલોડી જેવા સ્થળોનું તાપમાન ૪૦ ડિગ્રી જેટલું ઊંચું રહ્યું હતું. તમિલનાડુના તિરુચિરાપલી, મદુરાઈ, આંધ્રપ્રદેશના કવાલી જેવા શહેરોમાં પણ ૩૯થી ૪૦ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયું હતું.

બીજી તરફ દેશના ઘણાં રાજ્યોમાં વરસાદ પડયો હતો.ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં નોંધપાત્ર વરસાદ પડયો હતો. પાટનગર દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહ્યુ હતું અને ઝરમર વરસાદ પણ પડયો હતો. હિમાચલ પ્રદેશના શિમલા, ચામ્બા, કૂફરી જેવા સ્થળોએ બેથી ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. ઉત્તર પ્રદેશના ઘણાં સ્થળોમાં વરસાદી ઝાપટા પડયા હતા.

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, હરિયાણા, પંજાબ વગેરે રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર દિવસ સુધી આ રાજ્યોમાં પવન સાથે વરસાદ આવે એવી શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં તો અતિ ભારે વરસાદની શક્યતાના પગલે યેલો એલર્ટ પણ જારી કરાયો છે.

કાશ્મીરના રાજૌરીમાં ૪.૩નો ભૂકંપ

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ૪.૩ રિક્ટર સ્કેલનો ધરતીકંપ ત્રાટક્યો હતો. સદ્ભાગ્યે  ધરતીકંપથી કોઈ જ નુકસાન  નોંધાયું ન હતું. ધરતીકંપ રાજોરી ઉપરાંતના ઘણાં સ્થળોએ અનુભવાયો હતો. રાજૌરીની નજીકની પહાડીઓમાં ધરતીના પેટાળમાં આ ધરતી કંપનું એપી સેન્ટર નોંધાયું હતું. છેલ્લાં ઘણાં દિવસથી જમ્મુ-કાશ્મીરના અલગ અલગ જિલ્લામાં સતત ધરા ધુ્રજી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં ધરતીકંપ થયો તેની આગલી રાતે જ અરૂણાચલ પ્રદેશમાં પણ ધરતી ધુ્રજી હતી. ઉત્તર ભારતના ઘણાં સ્થળોમાં ભૂકંપ સતત અનુભવાતો હોવાથી દહેશત ફેલાઈ છે. આ વિસ્તારો સિસ્મિક ઝોન-૫માં આવતા હોવાથી ગમે ત્યારે મોટો ધરતીકંપ આવે એવી પણ શક્યતા ભૂસ્તર શાસ્ત્રીઓ વ્યક્ત કરતા રહે છે.

Gujarat