For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભરૂચમાં 100 હિન્દુઓને લાલચ આપી ઇસ્લામ અંગીકાર કરાવાયો

Updated: Nov 15th, 2021


આમોદ તાલુકાના કાકરીયા ગામની ચાંેકાવનારી ઘટના, લંડનથી પૈસા આવતા હતા

યુકેના ફેફડાવાલા અને મૌલવી સહિત 9 સામે ફરિયાદ : ભરૂચ પોલીસે જિલ્લામાં ધર્માતરણના નેટવર્કનો પર્દાફાશ કર્યો

ભરૂચ, આમોદ : ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોના 100 લોકોને લાલચ આપી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગરીબ હિન્દુઓને આથક લાલચ આપી ઈસ્લામ ધર્મમાં સમાવેશ કરાવવાનું વ્યવસ્થિત નેટવર્ક ચાલતુ હોવાની આશંકાના આધારે મૌલવી સહિત 9 શખ્સો સામે ભરૂચ જિલ્લાની આમોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં ઘણા સમયથી ધર્મના નામે ગેરકાયદે ધર્માંતરણ થઈ રહ્યુ હતું. કેટલાંક કટ્ટરવાદી લોકો વિદેશમાંથી ફંડ ભેગુ કરી ધર્માંતરણની પ્રવૃતિ કરતા હતાં.

હિન્દુ લોકોને રોકડ રૂપિયા તેમજ અન્ય સહાયની લાલચ આપી તેઓની આથક સ્થિતિ તથા તેમની અજ્ઞાાનતાનો લાભ લઈ છળકપટ કરાતી હતી તેમ જણાવી ભરૂચના ડીએસપીએ જણાવ્યું હતું કે કાંકરિયા ગામના હિન્દુ લોકોના 37 પરિવારોના 100 થી વધારે લોકોને લોભ-લાલચ આપી મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરાવાયા હતાં.

આ સમગ્ર પ્રકરણમાં મૂળ નબીપુરનાં અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલની સંડોવણી સામે આવી છે. અગાઉ ઉત્તરપ્રદેશ તેમજ વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં તેની સંડોવણી બહાર આવી છે.

આ પ્રવૃતિ અંગે કાંકરિયા ગામના જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ આપતા સમગ્ર નેટવર્ક સામે આવ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન કરાવવા માટે સરકારના નિયમો જોતા તેનુ પાલન થયું ન હોવાથી હિન્દુ લોકોને મુસ્લિમ બનાવનાર તેમજ સહાય કરતા ઈસમો વિરૂધ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરાઈ છે.

મૌલવી સહિત નવ આરોપીના નામ

* શબ્બીરભાઇ બેકરીવાલા (રહે.આમોદ)

* સમજભાઇ બેકરીવાલા (રહે.આમોદ)

* અબ્દુલ અઝીઝ પટેલ (રહે. કાંકરીયા)

* યુસુફ જીવણ પટેલ (રહે. કાંકરીયા)

* ઐયુબ બરકત પટેલ (રહે.કાંકરીયા)

* ઇબ્રાહીમ પુના પટેલ (રહે.કાંકરીયા)

* ફેફડાવાલા હાજી અબ્દ્દુલ્લા (રહે. હાલ લંડન)

* હશન ટીસલી (રહે.આછોદ)

* ઇસ્માઇલ આછોદવાલા ઉર્ફે ડેલાવાલા (મૌલવી) (રહે.આછોદ)

ધર્માતરણની તપાસ ડીવાયએસપીને સોંપાઇ

અમારી ઓળખાણ કાશ્મીરથી પાકિસ્તાન સુધી : ફરિયાદ કરીશ તો મારી નાંખીશું

આમોદ તાલુકાના કાંકરિયા ગામે હિન્દુઓને લાલચ બાદ ધમકી આપી 100થી વધુ લોકોને મુસ્લિમ બનાવતાં આમોદ પોલીસ મથકે દાખલ થયેલી ફરિયાદની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપીને સોંપાઇ છે. કાંકરિયા ગામના પ્રવીણ વસંત વસાવા તથા તેની સાથેના અન્ય લોકોને હિન્દુ ધર્મ નહીં પાળવા ધમકી અપાતી હતી તેવો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે આ ઉપરાંત  ધર્મપરિવર્તનની ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ કેટલાક લોકોએ જણાવ્યું હતું કે અમારી ઓળખાણ કાશ્મીરથી પાકિસ્તાન સુધી છે તેવી ધમકી પણ આપી હતી.

યુપીના ચકચારી ધર્માન્તર કેસની તપાસ દરમિયાન

દુબઇના 60 કરોડના હવાલા કાંડમાં યુકેના ફેફડાવાલાનું નામ ખૂલ્યું હતું

યુકેના મજલિસ-એ-અલફલાહ ટ્રસ્ટના સંચાલક અબ્દુલ્લા ફેફડાવાલાને સમન્સ પણ મોકલવામાં આવ્યો હતો

યુપીના ચકચારી ધર્માન્તર કેસની તપાસ દરમિયાન બહાર આવેલા હવાલા કાંડમાં યુકેના અબ્દુલ્લા ફેફડાવાલાનું નામ બહાર આવતાં તેને સમન્સ મોકલવામાં આવ્યો હતો.

આમોદનકાંકરિયા ખાતે 37 આદિવાસી પરિવારના 100 જેટલા સભ્યોનું ધર્માન્તર કરવાના કેસમાં યુકેના ફેફડાવાલા હાજી અબ્દુલ્લા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

યુપીના ચકચારી ધર્માન્તર કેસમાં ઉમર ગૌતમ અને ફંડિંગ કરનાર વડોદરાના આફમી ટ્રસ્ટના સલાઉદ્દીન સામે વડોદરામાં ગુનો નોંધાતા આફમી ટ્રસ્ટને દુબઇથી 60 કરોડ  હવાલા મારફતે તેમજ 19 કરોડ ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ હેઠળ મળ્યા હોવાની વિગતો બહાર આવી હતી. આ પૈકી નબીપુરના વતની અને યુકે માં મજલિસ-એ-અલફલાહ ટ્રસ્ટ ચલાવતા અબ્દુલ્લા ફેફડાવાલાએ ડોનેશન ઉઘરાવીને મોકલ્યું હોવાની વિગતો ખૂલતાં તેને સમન્સ મોકલાયું હતું.પરંતુ તે હાજર થયા નહતા.

Gujarat