શાકના ભાવોમાં ભડકોઃ વટાણા 240 , ગુવાર 200 રુપિયે કિલો
ભારે વરસાદની માઠી અસર
લસણ 300 રૃપિયો કિલો, હજુ પણ ભાવ વધવાની એપીએમસીના વેપારીઓની ધારણા
મુંબઈ - મહારાષ્ટ્રના અનેક વિસ્તારોને ધમરોળી રહેલા વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં શાકભાજી ધોવાઈ જવાને કારણે માર્કેટોમાં આવક સાવ ઘટતા ભાવ આસમાને જવા માંડયા છે. વટાણા ૨૪૦ રૃપિયે તેમજ ગુવાર અને ફણસી ૨૦૦ રૃપિયો કિલો વેંચાય છે. જ્યારે રિટેલમાં લસણના ભાવ ૩૦૦ રૃપિયાને આંબી ગયા છે. થોડા દિવસ પહેલા લીલા વટાણા ૧૬૦ રૃપિયે કિલો મળતા હતા. જે આજે ૨૪૦ રૃપિયાની આસપાસ વેંચાય છે. શાકના ભાવ હજી વધશે એવી શક્યતા નવી મુંબઈની એપીએમસી માર્કેટના વેપારીઓએ વ્યક્ત કરી હતી. સતત ચાલુ રહેલા મુશળધાર વરસાદને લીધે ખેતરો અને વડીલોમાં પાણી ભારાઈ જવાને લીધે શાકભાજી સડી ગયા હતા અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આને લીધે જથ્થાબંધ ભાજીવાલા માર્કેટમાં શાકભાજીની આવક ખૂબ ઘટી ગઈ છે. આની સામે માગણી વધતી જતી હોવાથી ભાવ ઉંંચે ચડવા માંડયા છે. બીજુ દૂર દૂરના વિસ્તારોમાંથી શાકભાજી નવી મુંબઈ માર્કેટ સુધી પહોંચે ત્યાં સુધીમાં ભીનાશ પકડી હોવાથી બગડી જાય છે. એટલે ફેંકી દેવા પડે છે. અત્યારે એ.પી.એમ.સી. પાસે ફેંકી દેવામાં આવતા સડેલા શાકભાજીના ઢગલા થાય છે.
છેલ્લા થોડા મહિનાથી લસણનો ભાવ ૧૫૦થી ૨૦૦ રૃપિયાની આસપાસ જળવાયો હતો. ભારે વરસાદનો ફટકો લસણને પણ પડતા ભાવ ઊંચકાયા છે.
દેશી લસણ ૫૦૦ રૃપિયે કિલો
લસણના ભાવ ઝડપથી વધવા લાગ્યા છે. જુદા જુદા પ્રકારના લસણનું આ ભાવે વેંચાણ થાય છે. દેશી લસણ ૫૦૦ રૃપિયે કિલો, છોલેલું લસણ ૪૦૦ રૃપિયે કિલો, સાદુ લસણ ૨૦૦ રૃપિયે કિલો વેંચાય છે.
શાકના ભાવ કેટલા વધ્યા
શાક પહેલા અત્યારે
વટાણા ૧૬૦ ૨૪૦
ભિંડા ૧૨૦ ૧૬૦
કોબી ૮૦ ૧૨૦
ગુવાર ૧૨૦ ૨૦૦
ટમેટા ૬૦ ૮૦
રિંગણા ૮૦ ૧૨૦
ફણસી ૧૬૦ ૨૦૦
કારેલા ૧૨૦ ૧૬૦