મુંબઈના મહાલક્ષ્મી મંદિર પરિસરની સુરક્ષા વધારાઈ


નવરાત્રી નજીક આવતાં તૈયારીઓ શરુ

સિટી પોલીસ-ટ્રાફિક પોલીસ, એમ્બ્યુલન્સ, સીસીટીવી કેમેરા સમગ્ર પરિસર પર નજર રાખશે

મુંબઈ :  દેશ-વિદેશના અસંખ્ય ભાવિકોના શ્રદ્ધાસ્થાન સમા મુંબઈના મહાલક્ષ્મી મંદિરમાં નવરાત્રીની તૈયારીઓ જોરદાર શરુ થઈ ગઈ છે. નવરાત્રીમાં દરરોજ સરેરાશ લાખેક ભાવિકોના આગમનની ધારણા રખાઈ છે. જોકે આઠમ અને રજાના દિવસોમાં નવરાત્રીમાં મહાલક્ષ્મી મંદિરમાં આવતાં દર્શનાર્થીઓની સંખ્યા ત્રણ લાખ સુધી પણ જતી હોય છે. આથી મંદિરમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરાઈ છે.  

સોમવારથી નવરાત્રી શરુ થઈ રહી છે, ત્યારે વરિષ્ઠ નાગરિકો, સગર્ભાઓ માટે વિશેષ લાઈનની વ્યવસ્થા છે. તેમજ વીઆઈપી પાસ હૉલ્ડર સહિત તમામ નાગરિકોએ સુરક્ષા ગેટમાંથી પસાર થવું પડશે. દર્શનાર્થીઓની સુરક્ષાની દ્રષ્ટિએ તમામ પ્રકારની તૈયારી મંદિર મેનેજમેન્ટ તેમજ પોલીસ પ્રશાસને કરી છે. તેમજ મંદિર પરિસરમાં પોલીસની ટીમ  પણ તૈનાત રહેશે.

નવરાત્રી દરમ્યાન મંદિર સવારે પાંચ વાગ્યે ખુલશે અને રાત્રે ૧૦ વાગ્યે બંધ થશે. મંદિરના પરિસરમાં તેમજ રસ્તા પર હાજીઅલી સુધીના પરિસરમાં ૬૨ સીસીટીવી કેમેરા બેસાડવામાં આવ્યા છે. ગાંવદેવી પોલીસ સ્ટેશનની ટીમ પણ આ વિસ્તારમાં સતત બંદોબસ્ત માટે તૈનાત રહેશે. મંદિરમાં એક એમ્બ્યુલન્સ અને સવાર-સાંજ ૧૨ ડૉક્ટર્સની ટીમ પણ તૈનાત કરવામાં આવી હોવાની માહિતી મળી છે. ટ્રાન્સપોર્ટ સુવિધાની સરળતા માટે તાડદેવ ટ્રાફિક પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીના માર્ગદર્શન હેઠળ ૩૦ પોલીસનો કાફલો પણ રસ્તે ઊતરી ટ્રાફિક હળવો કરશે.


City News

Sports

RECENT NEWS