મુંબઈમાં માઝા મુકતા શાકભાજીના ભાવ, વટાણાના કિલોએ 200 રુપિયા


ફ્લાવર અને ફણસી જેવા શાકના ભાવ કિગ્રાદીઠ 100થી વધુ

સતત ચાલુ વરસાદ અને શ્રાદ્ધપક્ષમાં વધેલી માગણીને લીધે ભાવમાં તીવ્ર ઉછાળોઃ કેટલાંય શાક સામાન્ય માણસની પહોંચની બહાર

મુંબઇ :  મહારાષ્ટ્રમાં ઠેર ઠેર ચાલુ રહેલા મુશળધાર વરસાદને કારણે શાકની આવક ઘટવાથી અને શ્રાદ્ધપક્ષમાં માગણી વધવાથી શડકની કિંમત રોકેટની ઝડપે વધી છે. વટાણાના ભાવ ૨૦૦ રૃપિયે કિલો થઇ ગયા છે અને બીજા કેટલાય શાકના ભાવમાં સેન્ચુરી થઇ છે.

નવી મુંબઇની એપીએમસીની જથ્થાબંધ ભાજીપાલા માર્કેટમાં ગણેશોત્સવ પહેલાં દરરોજ ૩ હજાર ટન શાકભાજીની આવક થતી હતી. પરંતુ સતત ચાલુ રહેલા વરસાદને લીધે આવકમાં ઘટાડો થયો છે. એટલું જ નહીં મોટા પ્રમાણમાં લીલા શાક-ભાજી ભીંજાઇને કોહવાઇ જવાથી ફેંકી દેવા પડયા છે. મંગળવારે લગભગ ૨૬૦૦ ટન શાક આવ્યું હતું. જેમાંથી લગભગ પાંચ લાખ જૂડી જુદા જુદા પ્રકારની ભાજીનો સમાવેશ થતો હતો.

હોલસેલ માર્કેટમાં કોથમીરની જૂડીની કિંમત ૩૦ થી ૬૦ રૃપિયા છે જ્યારે છૂટક માર્કેટમાં ૮૦ થી ૧૦૦ રૃપિયા છે. ટીંડોરા ૮૦ થી ૧૦૦ રૃપિયા  કિલો છે. વટાણા ૧૮૦ થી ૨૦૦ રૃપિયા કિલો, ફણસી ૧૨૦ થી ૧૪૦ રૃપિયા, ફલાવર ૧૦૦ થી ૧૨૦ રૃપિયા થઇ ગયા છે. આમ સપ્ટેમ્બર મહિનાની શરૃઆતમાં  આ બધા શાકના ભાવ સાવ ઓછા હતા એમાં ત્રણ ગણો વધારો થઇ ગયો છે.

ભીનું શાક કોહવાઈ જાય છે, રસ્તા પરના ખાડા પણ મોંઘવારીમાં વિલન

નવી મુંબઇની વાશીની એપીએમસી માર્કેટમાં સામાન્ય દિવસોમાં દરરોજ લગભગ ૬૦૦ ટ્રક ભરીને શાક આવતું હતું. પરંતુ છેલ્લા દસ દિવસ દરમ્યાન ૩૫૦ થી ૪૧૦ વાહનો આવે છે. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પડેલા ખાડામાંથી ટ્રકમાં શાક ભરીને લાવવામાં બહુ મુશ્કેલી પડે છે. એટલે મોટે ભાગે નાના ટેમ્પોમાં જ શાક આવે છે. ગયા અઠવાડિયે ટ્રાન્સ્પોર્ટેશનમાં પાંચ ટન કાંદા ભીંડાઇને બગડી ગયા હતા. આવી જ રીતે પાંદડાવાળી ભાજી (પાતળ ભાજી) વરસાદમાં ભીંજાય તો જલદી બગડી જાય છે. આમ મેથીની જૂડીના ભાવ ૫૦ રૃપિયા થઇ ગયા છે. આમાં શાકભાજીની સપ્લાયમાં ૩૦ થી ૪૦ ટકા ઘટાડો થતા કિંમત વધી જાય છે.


City News

Sports

RECENT NEWS