For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરામાં ધક્કામુક્કીથી મોતના કેસમાં શાહરુખને સુપ્રીમની રાહતે

Updated: Sep 26th, 2022

Article Content Image

2017માં 'રઈસ'ના પ્રમોશન વખતે ધક્કામુક્કી થઈ હતી

 ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી ફગાવતાં સુપ્રીમે કહ્યું, સેલિબ્રિટીઓને પણ સામાન્ય માણસ જેવા અધિકાર

મુંબઈ : વડોદરામાં ૨૦૧૭માં 'રઈસ' ફિલ્મનાં પ્રમોશન વખતે થયેલી ધક્કામુક્કીમાં એક વ્યક્તિનાં મોત માટે શાહરુખને જવાબદાર ગણી પુનઃ કેસ ચલાવવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અગાઉ, ગુજરાત હાઈકોર્ટે શાહરુખ સામેનો કેસ રદ કરી દીધો હતો. તેને પડકારતી અરજી સુપ્રીમમાં કરવામાં આવી હતી. પરંતુ, સુપ્રીમે ગુજરાત હાઈકોર્ટના ચુકાદામાં ફેરફાર કરવાનો ઈનકાર કર્યો છે. 

સુપ્રીમે આ ચુકાદો આપતી વખતે જણાવ્યું હતું કે સેલિબ્રિટીઓને પણ સામાન્ય માણસ જેવા જ એકસમાન હક્ક મળે છે. કોઈ એક વ્યક્તિનાં કૃત્ય માટે અન્ય વ્યક્તિને જવાબદાર ના ઠેરવી શકાય અને તે જ વાત સેલિબ્રિટી માટે પણ લાગુ પડે છે. 

ગુજરાત હાઈકોર્ટે ગત એપ્રિલ માસમાં શાહરુખ સામે ફોજદારી કાર્યવાહી રદબાતલ ઠેરવી હતી.  તેને પડકારતી અરજી કોંગ્રેસના એક નેતા જિતેન્દ્ર સોલંકીએ કરી હતી. આ અરજી ફગાવતાં જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ સી.ટી. રવિકુમારની બેન્ચે પૂછ્યું હતું કે શાહરુખ ખાનનો દોષ શું છે ? એ એક સેલિબ્રિટી છે તેનો મતલબ એ નથી કે તેને સામાન્ય માણસ જેવા અધિકારો ન મળે. 

અદાલતે કહ્યું હતું કે શાહરુખ ખાન ટ્રેન દ્વારા પ્રવાસ કરતી વખતે દરેક વ્યક્તિની સલામતીની જવાબદારી લઈ સશકે નહીં કે કોઈની સલામતી માટે વ્યક્તિગત ખાતરી આપી શકે નહીં. જો કોઈ ટ્રેન દ્વારા પ્રવાસ કરતું હોય તો તે અન્ય માટે વ્યક્તિગત ગેરન્ટી ન આપી શકે. આ દેશમાં સેલિબ્રિટીને પણ સામાન્ય માણસની સમાન જ અધિકારો મળે છે એમ બ ેન્ચે ભારપૂર્વક કહ્યું હતું. 

બેન્ચે કહ્યું હતું કે એ સેલિબ્રિટી છે તેનો મતલબ એવો નથી કે તે બાકીની તમામ બાબતો પર અંકુશ ધરાવે છે. આપણે બીજા મહત્વના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરીએ સારું રહેશે. 

શાહરુખ ૨૦૧૩ની ૨૩મી જાન્યુઆરીએ 'રઈસ' મૂવીનું પ્રમોશન કરવા માટે ઓગસ્ટ ક્રાન્તિ એકસપ્રેસ દ્વારા પ્રવાસ કરી રહ્યો હતો. તે વખતે વડોદરા સ્ટેશને તેને જોવા માટે ભીડ ઉમટી હતી. આ ધક્કામુક્કીમાં ફરહીદ ખાન પઠાણ નામના એક રાજકીય કાર્યકરનું ભીડ વચ્ચે હાર્ટએટેકને કારણે અવસાન થયું હતું. શાહરુખે ભીડ તરફ તાકીને સ્માઈલી બોલ અને ટી શર્ટ ફેંક્યાં હતાં તે લેવા જતાં પડાપડીમાં કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી. બાદમાં સ્થાનિક કોંગ્રેસી નેતા જિતેન્દ્ર સોલંકીએ અરજી કરતાં વડોદરાની મેટ્રોપોલિટન કોર્ટે શાહરુખને સમન્સ ઈશ્યૂ કર્યા હતા. સ્થાનિક કોર્ટે જણાવ્યું હતું કે શાહરુખ સામે આઈપીસી ૩૩૫,૩૩૭ અને ૩૩૮ મુજબ અન્ય વ્યક્તિની જિંદગી જોખમમાં મુકે તેવું કૃત્ય કરવા બદલ કેસ ચલાવવા માટે પૂરતાં કારણો છે. જોકે, આ વર્ષના એપ્રિલ માસમાં ગુજરાત હાઈકોર્ટે શાહરુખ સામેની કાનૂની કાર્યવાહીને રદબાતલ ઠેરવી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે શાહરુખનાં જ કૃત્યને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોય તેમ કહી શકાય નહીં આથી તેની સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે નહીં.


Gujarat