કોલ્હાપુરી ચંપલ કેમ બને છે એ જોવા પ્રાડાના પ્રતિનિધિ કોલ્હાપુર આવશે
'મેડ ઈન ઈન્ડિયા- કોલ્હાપુરી' બ્રાન્ડ બહાર પાડશે
મહારાષ્ટ્રની હસ્તકલા ક્ષેત્ર સાથે ભાગીદારી કરવાનો ઈન્ટરનેશનલ ફેશન બ્રાન્ડનો ઈરાદો
મુંબઈ - 'પ્રાડા' ઈન્ટરનેશનલ ફેશન બ્રાન્ડ તરફથી કોલ્હાપુરી ચંપલ પ્રદર્શનમાં મૂકી પોતાની બ્રાન્ડમાં ખપાવવાનો પ્રયાસ કર્યા બાદ મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સે કાન આમળતા 'પ્રાડા'એ ભૂલ સ્વીકારી હતી. હવે પારંપારિક ઢબે કોલ્હાપુરી ચંપલ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે એ કારીગરી જોવા માટે પ્રાડાના પ્રતિનિધિઓ કોલ્હાપુરની મુલાકાત લેશે.
મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચરના અધ્યક્ષ લલિત ગાંધીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રાડાએ મહારાષ્ટ્રની પારંપારિક હસ્તકલા ક્ષેત્ર સાથે ભાગીદારી કરવાની તૈયારી દર્શાવી છે. શુક્રવારે 'પ્રાડા'ના અધિકારીઓ સાથે ઓનલાઈન મીટિંગમાં કોલ્હાપુરી ચંપલ ઉપરાંત મહારાષ્ટ્રની વિવિધ હસ્તકલા બાબત ચર્ચા થઈ હતી.
પ્રાડાની એક ટીમ આવતા અઠવાડિયે કોલ્હાપુરની મુલાકાત લેશે એવું મીટિંગમાં જણાવાયું હતું. કોલ્હાપુરના સ્થાનિક કારીગરોની મદદથી 'મેડ ઈન ઈન્ડિયા- કોલ્હાપુરી' બ્રાન્ડ બહાર પાડવાનો ઈરાદો વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કોલ્હાપુરી ચંપલને જી.આઈ. (જ્યોગ્રોફિકલ ઈન્ડિકેશન) ટેગ મળેલો છે. અનેક દાયકાઓથી કોલ્હાપુરના કારીગરો એકદમ પારંપારિક ઢબે ચંપલ બનાવે છે. કોલ્હાપુરની આગવી ઓળખ બની ગયેલા આ ચંપલની વિદેશમાં પણ નિકાસ થાય છે.