આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલર નવીન ચિચકરના પિતાની જાતે ગોળી મારી આત્હત્યા
પુત્રના કારનામાં, પોલીસ તપાસથી બિલ્ડર પિતા ત્રાસ્યા હતા
નવી મુંબઈના નિવાસસ્થાને પોતાને રિવોલ્વરમાંથી ગોળી મારીઃ ભારતનો મોસ્ટ વોન્ટેડ ડ્રગ તસ્કર આંતરરાષ્ટ્રીય રેકેટનો સૂત્રધાર
મુંબઈ - ભારતના મોસ્ટ વોન્ટેડ ડ્રગ તસ્કર અને આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના સૂત્રધાર નવીન ચિચકરના બિલ્ડર પિતાએ પુત્રના કારનમાંઓથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. બિલ્ડર ગુરુ ચિચકરે નવી મુંબઈમાં પોતાના નિવાસસ્થાને પોતાને ગોળી મારી દીધી હતી. તેમની પાસેથી મળેલી સ્યુસાઈડ નોટમાં પોતે પુત્રની ડ્રગ તસ્કરીમાં સંડોવણીના કારણે આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળે છે. નવીન ચિચકર વિદેશમાં ભણેલો અતિ ઉચ્ચ શિક્ષિત ગુનેગાર છે.
નવી મુંબઇના કિલ્લા ગાવઠાણમાં બિલ્ડર ગુરુ ચિંચકરે આજે વહેલી સવારે નિવાસસ્થાને પોતાની લાઇસન્સ ધરાવતી પિસ્તોલમાંથી માથામાં ગોળી મારી હતી. બાદમાં તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે ચિચકરને મૃત ઘોષિત કર્યો હતો. તેમણે જે રૃમમાં પોતાને ગોળી મારી હતી ત્યાંથી એક સ્યુસાઇડ નોટ મળી છે. એના આધારે વધુ તપાસ થઇ રહી છે. મૃતક દ્વારા ઉપયોગમાં લેવાયેલ પિસ્તોલ અને એક પર્સનલ કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસ મૃતકના પરિવાર, સંબંધી અને અન્યની પૂછપરછ કરવામાં આવી રહી છે.
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા અનેક દેશોમાં કાર્યરત એક વિશાળ ડ્રગ સિન્ડિકેટમાં નવીન ચિચકરની શોધખોળ કરવામાં આવી રહી છે. તે વિદેશમાં છુપાયેલો હોવાનું માનવામાં આવે છે.
એનસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ ફરાર નવીન દેશની બહારથી પોતાના ડ્રગ્સનો ધંધો ચલાવી રહ્યો છે. એનસીબીએ તેની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જારી કરી છે. આ ગુનામાં નવીનના પિતાને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. તેઓ પુત્ર સામેના ડ્રગ કેસથી હતાશ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પોલીસ તપાસથી પણ માનસિક રીતે પડી ભાંગ્યા હોવાનુ ંકહેવાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ચિચકરે સ્યુસાઇડ નોટ એનસીબી અને એન્ટી નાર્કોટિક્સ સેલની તપાસ સંબંધિત બાબતનો ઉલ્લેખ કર્યો હોવાનું કહેવાય છે. થોડા દિવસ પહેલા નવી મુંબઇ પોલીસે ગુરુ ચિચકરના બીજા પુત્ર સામે પણ ડ્રગ્સ મામલે કેસ નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે.
બે વર્ષમાં ૧૧૦૦ કરોડનું ડ્રગ વેચ્યું
નવીન લંડનમાં ક્રિમિનલ સાયકોલોજીનો સ્નાતક
ફિલ્મ અને ટીવી પ્રોડશનનો પણ કોર્સ કર્યો છેઃ અમેરિકાથી એર કાર્ગોથી ડ્રગ મોકલતો હતો
મુંબઇ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા અગાઉ ભારતના મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કરાયો હતો એજન્સીએ આ મામલામાં છ આરોપીની ધરપકડ કરી હતી. છેલ્લા બે વર્ષમાં દેશભરમાં રૃા. ૧૧૦૦ કરોડથી વધુના ડ્રગ્સનું વેચાણ કર્યું હતું.
આ ડ્રગ કાર્ટેલનો મુખ્ય સૂત્રધાર નવીન ચિચકર હતો. નવી મુંબઇનો રહેવાસી અને વિદેશમાં રહેતો ચિચકર તેના સાથીદારો દ્વારા આ રેકેટ ચલાવી રહ્યો હતો. કથિત ડ્રગ કિંગપિને લંડનમાં ક્રિમિનલ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. તેમજ ફિલ્મ અને ટેલિવિઝનનો કોર્સ કર્યો છે. આ કેસમાં પકડાયેલા અન્ય ત્રણ આરોપીએ પણ વિદેશમાં અભ્યાસ કર્યો છે. ચિચકર ફરાર છે.
તેઓ કોકેન અને ગાંજો વેચતા હતા અમેરિકાથી એર કાર્ગો જ્વારા ડ્રગની મુંબઇમાં દાણચોરી કરતી હતી પછી દેશભરમાં પહોંચાડવામાં આવતું હતું. નશીલો પદાર્થ ઓસ્ટ્રેલિયામાં પણ વેચવામાં આવ્યો હતો. ઉચ્ચ શિક્ષિત ગેંગ દ્વારા ઓપરેટ કરાતા ડ્રગ કાર્ટેલનો નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની મુંબઇ ઝોનલ યુનિટે પર્દાફાશ કર્યો હતો.
નવી મુંબઇની ૩૦ વર્ષીય હવાલા ઓપરેટર એચ. પટેલ અને વેપારી એચ માનેની ધરપકડ કરાઇ હતી.