સ્વજનનાં યુએસ સિટિઝન બાળકને દત્તક લેવાનો ભારતીયોને મૂળભત અધિકાર નથી
સંબંધીના પુત્રને દત્તક લેવા માટે દંપતીએ કરેલી અરજી નકારાઈ
બાળકને સારસંભાળની જરુર હોય કે કાયદાના સંઘર્ષમાં હોય તેવું નથીઃ અમેરિકાના કાયદા પ્રમામે દત્તક લેવા સૂચન
મુંબઈ - કોઈ સ્વજનનું હોય તો પણ અમેરિકાનું નાગરિકત્વ ધરાવતું બાળક ખાસ કરીને કોઈ સાર સંભાળ, રક્ષણની આવશ્યકતા ન ધરાવતું હોય કે કાયદા સાથે સંઘર્ષમાં નહોય ત્યારે તેને દત્તક લેવાનો ભારતીયોને મૂળભૂત અધિકાર નથી એમ બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું.
જન્મથી અમેરિકન નાગરિકત્વ ધરાવતા સંબંધીના પુત્રને દત્તક લેવાની ભારતીય દંપતીની અરજીને જસ્ટીસ રેવતી મોહન દેરે અને જસ્ટીસ નીલા ગોખલેની એક ડિવિઝન બેન્ચે ફગાવી દીધી હતી.
આ અરજી જે બાળકને લગતી છે તે જ્યુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ અને એડોપ્શન રેગ્યુલેશન્સની જોગવાઈ અનુસાર સારસંભાળની આવશ્યકતા કે પછી કાયદાના સંઘર્ષમાં આવતાં બાળકની વ્યાખ્યામાં આવતું નથી તેમ કોર્ટે જણાવ્યુું હતું.
અસામાન્ય અધિકારક્ષેત્ર વાપરીને દત્તકને મંજૂરી અપાવાનો પણ કોર્ટે ઈનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે અમેરિકાનું બાળક દત્તક લેવાનો અરજદારોને મૂળભૂત અધિકાર નથી.
દંપતીએ અમેરિકાના કાયદા મુજબ બાળકને દત્તક લેવં પડશે અને ત્યાર બાદ તેઓ ભારતમાં વિદેશી બાળકને દત્તક તરીકે લાવવાની જોગવાઈ સંબંધિત આનુષંગિક કાયદાકીય પ્રક્રિયા કરી શકે છે.
દત્તક સંબંધી કાયદામાં અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા બાળકને દત્તક લેવાની જોગવાઈ નહોવાથી દંપતીને પ્રસ્તાવિક પાલક તરીકે નોંધણી કરવાની સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ એજન્સી (કારા)એ ઈનકાર કર્યો હતો.
બાળક ૨૦૧૯માં અમેરિકામાં જન્મ્યું હતું પણ અરજદાર દંપતી તેને થોડા મહિનાનું હતું ત્યારે ભારત લઈ આવ્યું હતું. ત્યારથી તેમની સાથે રહેતું હોવાથી દંપતીએ તેને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
અમેરિકાના દત્તક કાયદા અનુસાર દત્તક લીધા વિના દત્તકની મંજૂરી આપી શકાય નહીં એમ કારાએ કોર્ટને જણાવ્યું હતું. કોર્ટે દંપતીની અરજી ફગાવીને જણાવ્યું હતું કે કોર્ટ આની મંજૂરી આપશે નહીં.