For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સોમવારથી શરુ થતાં નવરાત્રી તહેવારની મુંબઈમાં જોરદાર તૈયારીઓ ચાલું

- રંગબેરંગી ગરબા, ચણિયાચોળી અને લાઈટિંગ્સથી બજારોમાં છવાયો નવરંગ

Updated: Sep 24th, 2022

Article Content Image- મંદિરો, પારંપારિક ગરબી મંડળો માતાની ભક્તિ માટે સજ્જ, ખેલૈયાઓ આ વર્ષે ગરબે ઘૂમવાનો જબરો ઉત્સાહ

મુંબઈ


સોમવારથી માતાના નવલાં નોરતાં શરુ થઈ રહ્યાં છે, ત્યારે તમામ માઈભક્તો પોતપોતાની રીતે માતાજીને રીઝવવા તૈયાર થઈ ગયાં છે. કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે ફરી કોઈ પ્રતિબંધ વિના મોટા પાયે નવરાત્રીનું આયોજન થઈ રહ્યું હોવાથી કમર્શિઅલની સાથોસાથી પારંપારિક નવરાત્રી મંડળો અને ખેલૈયાઓમાં પણ આ વર્ષે જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં પણ ગરબા, ચણિયાચોળી અને લાઈટની રોશનાઈથી નવો રંગ જોવા મળી રહ્યો છે.

મુંબઈમાં ખાસ કરી બોરીવલી, મલાડ, ગોરેગાંવ, અંધેરી, ધારાવી, ઘાટકોપર, મુલુન્ડ, થાણે, ડોંબિવલી જેવા ગુજરાતી વિસ્તારોમાં નવરાત્રીનું ખાસ આકર્ષણ જોવા મળે છે. અહીં મોટાપાયે કમર્શિયલ નવરાત્રીનું આયોજન પણ થતું હોય છે. જેમાં હજારોની મેદની એકસાથે ગરબે રમવા ઊમટી પડે છે. એટલું જ નહીં તો અનેક પારંપારિક નવરાત્રી મંડળોમાં પણ આ વર્ષે અનેરો ઉત્સાહ છે કારણ ફરી બે વર્ષ બાદ પારંપારિક વાદ્યો અને માતાના ગરબાની સંગે નવરાત્રીમાં ગરબે ધૂમવા મળશે. છેલ્લાં અઠવાડિયા દરમ્યાન અને  આગામી દિવસોમાં વરસાદના વિધ્નને ધ્યાનમાં લઈ અનેક નવરાત્રી આયોજકોએ આ વર્ષે પણ લાકડાના ફ્લોર બનાવ્યા છે. જેના પર વરસાદમાં પણ ખેલૈયાઓ મનમૂકીને ગરબા-રાસ રમી શકે.

મુંબઈની તમામ માર્કેટમાં પણ અત્યારે અનેરો નવરંગ જોવા મળ્યો છે. બજારોમાં વિવિધ રંગી નાના-મોટા આકારના ગરબાઓ, ચણિયાચોળી-કેડિયા અને વિવિધ રંગી લાઈટિંગ્સ તેમજ ફૂલોને કારણે મુંબઈની બજારો પણ રંગીન બની ગઈ છે. જેને કારણે વેપારીઓ અને ખરીદદારો બંનેમાં આગવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ મંદિરો, સોસાયટીઓમાં વિવિધ પૂજાઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેને કારણે આ વર્ષે નવરાત્રીનો અનોખો રંગ જોવા મળશે. માત્ર તમામ ખેલાડીની એક માગણી કાયમ છે કે રાત્રે બાર વાગ્યા સુધી રમવાની પરવાનગી મળવી જોઈએ.

Gujarat