રાજ્યમાં હવેથી રક્તદાન શિબિરોમાં રક્તનો 500 યુનિટ્સ જથ્થો જ જમા કરી શકાશે
રક્તના જથ્થાનો ગેરઉપયોગ, વધુ જમા ન થાય માટે સરકારનો નિર્ણય
રક્તદાન શિબિરના આયોજન માટે આગોતરી ઓનલાઇન મંજુરી લેવી પડશે
મુંબઈ - મહારાષ્ટ્ર સરકારે રક્તદાન શિબિરોમાં ૫૦૦ યુનિટ્સની મર્યાદા નિશ્ચિત કરી છે. રક્તદાનની કોઇ એક શિબિરમાં રક્તનો ફક્ત ૫૦૦ યુનિટ્સ જેટલો જથ્થો એકઠો કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. રક્તના જથ્થાનો ગેરઉપયોગ ન થાય અને ઘણો વધુ જથ્થો પણ ન જમા થાય તેવા હેતુસર આ નિર્ણય લેવાયો છે.
આ મહત્વનો નિર્ણય મહારાષ્ટ્ર સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ(એસ.બી.ટી.સી.)ની રિવ્યુ મિટિંગ દરમિયાન લેવામાં આવ્યો છે. બેઠકમાં રાજ્યના જાહેર આરોગ્ય અને કુટુંબ કલ્યાણ ખાતાના પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. કાઉન્સિલે આ નિર્ણય સંબંધિત પરિપત્ર પણ જારી કર્યો છે.
પરિપત્રમાં એસ.બી.ટી.સી.ના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડો.પુરુષોત્તમ પુરીએ એવો ઉલ્લેખ કર્યો છે કે પ્રત્યેક રક્તદાન શિબિરમાં રક્તનો ફક્ત ૫૦૦ યુનિટ્સ જથ્થો એકઠો કરવાની મર્યાદાનું પાલન કરવું. વળી, રક્તદાન શિબિરના આયોજન માટે સંબંધિત ડિસ્ટ્રીક્ટ બ્લડ ટ્રાન્સફ્યુઝન ઓફિસરની આગોતરી ઓનલાઇન મંજુરી પણ મેળવવી ફરજિયાત છે. ત્રણ દિવસમાં કોઇપણ જાતનો પ્રતિસાદ ન મળે તો રક્તદાન શિબિરના આયોજનની મંજુરી ગણાશે.
ઉપરાંત, કાઉન્સિલે રક્તદાતાઓને હેડફોન્સ, સ્માર્ટવોચ વગેરે જેવી કિમતી ભેટ આપવાની રીતભાત કે આકર્ષણ વિશે પણ ચિંતા વ્યક્ત કરી છે. ખરેખર તો આ પ્રકારની પરંપરા શરૃ કરવાથી ડ્રગ્ઝ એન્ડ કોસ્મોટિક રૃલ્સ(૧૯૪૫)નો ભંગ થાય છે. હાલ તો આ પ્રકારની પરંપરા પર કડક પ્રતિબંધ છે.
સાથોસાથ રાજ્યમાંનાં કાઉન્સિલનાં તમામ કેન્દ્રોને પણ તેમની ઓફિસમાં ફરિયાદ અને સૂચનો માટેનાં બોક્સ ગોઠવવા પણ સૂચના આપવામાં આવી છે. સાથોસાથ તમામ કેન્દ્રોના ઓફિસરોને પણ દર ૧૫ દિવસે એસ.બી.ટી.સી. ને ખાસ રિપોર્ટ મોકલવાની સૂચના આપવામાં આવી છે.
અગાઉ ૨૦૨૫ના જૂનમાં મુંબઇમાંંની બ્લડ બેન્કોમાં રક્તના પુરવઠાની તીવ્ર અછત વરતાઇ હતી.મુંબઇને દરરોજ રક્તના ૧,૦૦૦ થી ૧,૪૦૦ યુનિટ્સ જેટલા જથ્થાની જરૃર રહે છે. જોકે આખા મહારાષ્ટ્રમાંની બ્લડ બેન્કોમાં ૫,૩૦૦ યુનિટ્સનો સંગ્રહ હોય છે.