Get The App

ઘાટકોપરના શબગૃહમાં એક સાથે આટલા મૃતદેહ પહેલીવાર જોયા

Updated: May 14th, 2024

GS TEAM


Google News
Google News
ઘાટકોપરના શબગૃહમાં એક સાથે આટલા મૃતદેહ પહેલીવાર જોયા 1 - image


હેલ્મેટ પહેરનારા ટુ વ્હીલર ચાલકો ઈજા સાથે બચી ગયા

સ્વજનોના મૃતદેહ લેવા આવેલા સગાવ્હાલાની પ્રચંડ ભીડને કાબુમાં રાખવા પોલીસ ગોઠવવી પડી  

કાર ડ્રાઈવરની પત્ની અને 2 બાળકો નિરાધારઃ દવાની ડિલિવરી કરતો  ભરત રાઠોડ ઘરનો એકમાત્ર કમાનારો વ્યક્તિ હતો

મુંબઇ  :  ઘાટકોપરમાં પેટ્રોલ પમ્પ પાસેનું તોતીંગ હોર્ડિંગ જોરદાર હવાની થપાટને લીધે તૂટી પડતો ૧૪થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૃતકોના  મૃતદેહોને રાજાવાડી હોસ્પિટલ પાસેના શબગૃહમાં લાવવામાં આવ્યા હતા. સ્વજનોના મૃતદેહોને લેવા માટે ભેગા થયેલા સગાવ્હાલાની ભીડને નિયંત્રણમાં રાખવા માટે પોલીસ ગોઠવવામાં આવ્યા હતા.

સોમવારે રાતથી આજે સવાર સુધી ફરજ બજાવતા શબગૃહના એક  કર્મચારીએ જમાવ્યું હતું કે મે એક જ દિવસમાં અને એક જ અકસ્માતમાં માર્યા ગયેલાના આટલા બધાના મૃતદેહો શબગૃહમાં પહેલી જ વાર જોયા. મોટા ભાગના લોકોને માથામાં થયેલી ઇજા મોતનું કારણ બની છે. જોકે હેલ્મેટ પહેરીને  બાઇકમાં પેટ્રોલ ભરાવવા આવેલા એમાંના કેટલાંક હેલ્મેટને લીધે બચી ગયા, છતાં શરીરના બીજા ભાગમાં ઇજા થઇ છે.

ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પાસેના આ પેટ્રોલ પમ્પમાં કાર ડ્રાઇવર પી.બી. જાધવ સીએનજી ભરાવવા આવ્યો હતો. વાહનની લાઇનમાં  ઉભો હતો ત્યારે જ હોર્ડિંગ પડતા એ દબાઇ ગયો હતો અને તેનું તત્કાળ મોત થયું હતું.

જાધવના ભાઇએ ગળગળા સાદે કહ્યું હતું કે મારો ભાઇ જો બે ફૂટ પાછળ ઉભો હોત તો આજે અમારે તેનો મૃતદેહ લેવા આવવું ન પડત. જાધવ ઘરમાં  એકનો એક કમાનાર વ્યક્તિ હતો. હવે તેની પત્ની અને બે નાના બાળકો નિરાધાર થઇ ગયા.

શબગૃહની બહાર લોકો ત્રણ-ત્રણ  ચાર-ચાર કલાકથી પોતાના સગાવ્હાલાના ડેડ-બોડી લેવા ઉભા હતા. પોસ્ટ-મોર્ટમ પૂરૃં થાય તેના નામની હાંક પોલીસ  કોન્સ્ટેબલ પાડે એટલે તેના સગાવ્હાલા આવીને શબનો કબજો લઇ શબવાહિનીમાં લઇ જતા હતા.રાજાવાડી હોસ્પિટલના રોડ ઉપર એટલી એમ્બ્યુલન્સો અને શબવાહિનીઓ ઉભી હતી કે રીતસર વારંવાર ટ્રાફિક જામ થઇ જતો હતો.

ભરત રાઠોડ નામનો ઘાટકોપરના ૨૪ વર્ષનો યુવાન દવાની ડિલિવરીનું કામ કરે છે. ભરત બાઇકમાં પેટ્રોલ ભરાવવા ઉભો રહ્યો ત્યારે જ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો તેના એક સંબંધીએ જણાવ્યું હતું કે ઘરમાં કમાનાર તે એકલોજ હતો. કોરોનામાં માતાનું મૃત્યુ થયું હતું. જ્યારે પિતા સખત બીમાર હોવાથી સારવાર હેઠળ છે. આ ગોઝારી દુર્ઘટનાએ આશાસ્પદ યુવાનનો ભોગ લેતા ઘરની સ્થિતિ વિકટ થઇ ગઇ છે.


Tags :