For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બોલીવૂડ એકટ્રેસ જેક્લિનને 215 કરોડના ખંડણી કેસની સહ આરોપી દર્શાવતી ઈડીની ચાર્જશીટ

Updated: Aug 17th, 2022

Article Content Image

સુકેશ દ્વારા એકત્ર કરાયેલી રકમના મની લોન્ડરિંગમાં મદદગારીનો આરોપ

તા. 31મીએ દિલ્હીની કોર્ટ ચાર્જશીટનું સંજ્ઞાન લે ત્યાં સુધી ધરપકડની શક્યતા નહીં  જોકે, જેક્લિન હવે વિદેશ નહીં જઈ શકે

મુંબઈ :  અભિનેત્રી જેક્વેલિન ફર્નાન્ડિસની મુસિબત વધી શકે છે. મહાઠગ  સુકેશ ચંદ્રશેખરને સંડોવતા મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હીની કોર્ટમાં દાખલ કરેલા આરોપનામામાં તેને આરોપી દર્શાવી છે. કથિત રીતે સુકેશ ગુનેગાર હોવાની જેક્વેલિનને પહેલેથી જાણ હતી. સુકેશ ખંડણીખોર છે એ પણ જાણ હતી. આથી ઈડીએ જક્વેલિન પર આરોપો મૂક્યા છે. જોકે, હજુ તત્કાળ જેક્લિનની ધરપકડ થવાની શક્યતા નથી. કોર્ટ આગામી તા. ૩૧મીએ આ ચાર્જશીટનું સંજ્ઞાાન લેવાની છે. પરંતુ, ત્યાં સુધી જેક્લિનનેે દેશની બહાર  જવાની પરવનાગી અપાશે નહીં.

સુકેશ ચંદ્રશેખર પર રૃ. ૨૧૫ કરોડની ખંડણીનો કેસ છે. આ પ્રકરણની તપાસમાં  સુકેશે જેક્વેલિનને મોંઘી ભેંટ સોગાદો આપ્યાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ ઈડીે તેના પર કાર્યવાહી કરીને સાત કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ચંદ્રશેખરની આસિસ્ટંટ પિંકી ઈરાનીએ  બંનેનો મેળાપ કરાવ્યોહોવાનું પણ આરોપનામાં જણાવાયું છે. પિંકીની મદદથી જેક્વેલિનને  રૃ. ૫.૭ ૧ કરોડ જેટલી મોંઘી ભેંટ અને રોકડ આપ્યા હતા.

ઈડીની આ પુરક  ચાર્જશીટ છે. અગાઉ પણ તે આ કેસમાં ચાર્જશીટ ફાઈલ કરી ચુકી છે. આ કેસમાં જેક્લિનની એકથી વધુ વખત પૂછપરછ થઈ છે. આ ઉપરાંત તેની સાત કરોડથી વધુની મિલ્કતો પણ જપ્ત થઈ ચુકી છે.  ઈડીએ જેક્લિની જપ્ત સંપત્તિ તથા ૧૫ લાખની રોકડ સુકેશ દ્વારા આચરવામાં આવેલા ગુનાની ઊપજ હોવાનું ગણાવ્યું હતું.  ઈડીએ ત્યારે જણાવ્યું હતું કે સુકેશે ગુનો કરીને મેળવેલા પૈસામાંથી જ જેક્લિનને કરોડો રુપિયાની ભેટસોગાદો આપી હતી.  સુકેશે આ ભેટસોગાદો ઉપરાંત જેક્લિનના પરિવારજનોને ૧.૭૨ લાખ ડોલર પણ ાપ્યા હતા. આ રકમ જેક્લિનને હવાલા ઓપરેટર અવતાર સિંઘ કોચર દ્વારા આપવામાં આવી હતી.  સુકેશે જેક્લિન માટે ઈડી સિરીઝ લખવા એક લેખકને જેક્લિન વતી ૧૫ લાખ રુપિયા પણ મોકલાવ્યા હતા. આ કેસમાં સંડોવણીને પગલે જ જેક્લિનને વિદેશ જતાં પણ અટકાવવામાં આવી હતી. 

ઈડીની ચાર્જશીટમાં એમ પણ બહાર આવ્યું હતું કે સુકેશે ડિસેમ્બર ૨૦૨૦થી જાન્યુઆરી ૨૦૨૧ દરમ્યાન જેક્વેલિન સાથે સંપર્ક  સાધવાનો પ્રયાસ કર્યો હતો પણ તેણે કોલને પ્રતિસાદ આપ્યો નહોતો. જેક્વેલિને આરોપ કર્યો હતો કે સરકારી કચેરીના કોઈકે તેનો સંપર્ક સાધ્યો અને શેખર રત્નવેલા તરીકે ઓળખ આપનારે સુકેશ સાથે સંપર્ક કરવા જણાવ્યું હતું.

જેક્વેલિને આરોપ કર્યો હતો ક ે જ્યારે સુકેશ સાથે સંપર્ક કર્યો ત્યારે તેણે પોતાની ઓળખ સન ટીવીના માલિક તરીકે આપી હતી. જયલલિતાના રાજકીય પરિવારના હોવાનું અને ચેન્નાઈનો હોવાનું જણાવ્યું હતું. પોતાનો બહુ મોટો પ્રશંસક હોવાનું જણાવ્યું હતું. સન ટીવીના અનેક પ્રોજેક્ટ્સ તેની પાસે હોવાથી તે દક્ષિણની ફિલ્મોમાં કામ કરે એવી તેણે ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારથી બંને સંપર્કમાં હતા.

જેક્લિનનું જાતને આશ્વાસનઃ  ડિયર મી, બધું ઓકે થઈ જશે

ઈડી  દ્વારા ચાર્જશીટમાં સહ આરોપી તરીકે ઉલ્લેખ થયાના સમાચાર બાદ જેક્લિને એક સોશિયલ મીડિયા પોસ્ટ મુકી હતી. તેમાં તેણે પોતાની જાતને ડિયર મી એવું સંબોધન કર્યું હતું. જેક્લિને પોતાની જાતને સંબોધીને લખ્યું છે કે હું બધું જ સારું પ્રાપ્ત કરવાને લાયક છું. હું બહુ તાકતવર છું. હું મારી જાતમાં માનું છું, આ બધું જ ઓકે થઈ જશે. હું મારી જિંદગીના ધ્યેયો પ્રાપ્ત કરીને જ રહીશ.

સુકેશે ઘોડા-બિલાડી સહિતની કરોડોની ભેટ આપીઃ અગાઉ સંપત્તિ જપ્ત 

સુકેશ કેસમાં ઈડી દ્વારા જેક્લિનની સાત કરોડ રુપિયાની સંપત્તિ અગાઉ જપ્ત થઈ ચુકી છે. ઈડીના આરોપ અનુસાર સુકેશે જેક્લિનને બાવન લાખ રુપિયાનો ઘોડો, ત્રણ પર્શિયન કેટ, ડાયમંડના એરિંગ્સ, બ્રેસલેટ, વિદેશી બ્રાન્ડનાં બેહદ કિંમતી પર્સ તથા અન્ય જવેલરી સહિતની કરોડો રુપિયાની ભેટસોગાદો આપી છે. તેણે જેક્લિનને એક મિનિ કૂપર પણ આપી હતી. પરંતુ જેક્લિને તે પાછી વાળી દીધી હતી. 

નોરા સાથે પણ ચેટ વાયરલ થઈ હતી

સુકેશ અને જેક્લિન વચ્ચેના ઈન્ટીમેટ ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા. તેના પરથી જેક્લિનની આ કેસમાં સંડોવણીનો પર્દાફાશ થયો હતો. અગાઉ સુકેશે બોલીવૂડની બીજી હિરોઈનોને પણ પોતાની જાળમાં ફસાવાનો પ્રયાસ કર્યો હતો.તેની અને નોરા ફતેહીની ચેટ પણ વાયરલ થઈ હતી જેમાં કેટલીક ભેટની લેતીદેતીનો ઉલ્લેખ હતો. સુકેશે  ભૂમિ પેડનેકર તથા જ્હાન્વી કપૂરને પણ ફસાવાવ પ્રયાસ કર્યો હતો. 

અક્ષયની રામસેતુ પર અસર થઈ શકે 

જેક્લિનની તત્કાળ ધરપકડની કોઈ શક્યતા નથી. પરંતુ, જો નજીકના ભવિષ્યમાં તેની સામે કોઈ કડક કાર્યવાહી થાય તો અક્ષય કુમાર સાથેની તેની ફિલ્મ રામ સેતુ પર અસર થઈ શકે છે. રામ સેતુ સામે એક પ્રકારે નેગેટિવ પબ્લિસિટી શરુ થશે. આ ઉપરાતં જેક્લિન તેના પ્રમોશનમાં પણ ભાગ નહીં લઈ શકે. આ ઉપરાંત રોહિત શેટ્ટીની ફિલ્મ સરક્સ પર પણ અસર પડી શકે છે. જેક્લિન હવે અનિશ્ચિત મુદ્દત માટે વિદેશ નહીં જઈ શકે. આથી તે વિદેશ શૂટિંગ કે અન્ય  ઈવેન્ટમાં પણ ભાગ નહીં લઈ શકે.


Gujarat