પાલખીયાત્રાના રૃટ પર ચોરી, ધક્કામુક્કી ટાળવા ડ્રોન સર્વેલન્સ
પંઢરપુર ભણી પાલખીયાત્રીઓનું પૂર
પોલીસ બંદોબસ્તમાં એઆઈ ટેકનોલોજી પણ અજમાવશેઃ સાત હજાર જવાનો ગોઠવાયા
મુંબઈ - શ્રદ્ધા અને ભક્તિની આહલેક જગાવતા અને ભજન-કિર્તનની રમઝટ બોલાવતા હજારો પાલખીયાત્રીઓએ પુણેથી પંઢરપુરની દિશામાં પ્રયાણ કર્યું છે. સંત તુકારામ અને સંત જ્ઞાાનોબાની ચરણપાદુકા પાલખીમાં લઈને નીકળેલા પાલખીયાત્રીઓની સલામતી માટે પોલીસે પહેલી વાર એઆઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેક્નોલોજી અને ડ્રોન કેમેરા ઉપયોગમાં લેવાની શરૃઆત કરી દીધી છે.
ગામેગામથી પાલખીઓ હજારો ભક્તજનો સાથે પંઢરપુરની દિશામાં છેલ્લા બે દિવસથી આગળ વધવા માંડી છે. વધતા જતા ધસારાને ધ્યાનમાં લઈ ભીડ પર નિયંત્રણ માટે તેમ જ ભક્તોની સંખ્યા જાણવા માટે એઆઇની મદદ લેવામાં આવી રહી છે. ભીડમાં ધક્કામુક્કી ન થાય અને ભીડનો લાભ લઈ ચોરીની ઘટના ન બને એટલા માટે પાલખીયાત્રાના રૃટ પર કેમેરા સાથેના ડ્રોન ઉડાડવામાં આવી રહ્યા છે. ઉપરાંત પુણે-પંઢરપુર રૃટ પર લગભગ સાત હજાર પોલીસોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, એમ કોલ્હાપુર રેન્જના સ્પે. ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સુનીલ ફુલારીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે પાલખીનો રાત્રે ઉતારો હોય એ સ્થળે વિશેષ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ઉપરાંત બોમ્બ સ્ક્વોડ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની પણ જોગવાઈ કરવામાં આવી છે.
સંત તુકારામ મહારાજની આ ૩૪૦મી અષાઢી વારી (અષાઢી યાત્રા) છે. બુધવારે પાલખીયાત્રા નીકળ્યા પછી છઠ્ઠી જુલાઈ અષાઢી એકાદશીએ પંઢરપુર પહોંચશે અને યાત્રાનું સમાપન થશે, મુંબઈ સહિત અનેક ગામો અને શહેરોમાંથી યાત્રાઓ નીકળી છે. પગપાળા, ટુ-વ્હીલર પર કે સાઇકલ પર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પંઢરપુર ભણી આગળ વધી રહ્યા છે.