એકતા કપૂર સામે તપાસ અહેવાલ ન અપાતાં પોલીસને કોર્ટની નોટિસ
પોલીસને નવમી મેની ડેડલાઈન અપાઈ હતી
એક વેબ સીરિઝમાં ભારતીય સૈનિકોનાં અપમાનજનક ચિત્રણ માટે ફરિયાદ થઈ હતી
મુંબઈ - એક વેબ સિરીઝમાં કથિત પણે ભારતીય સૈનિકોનું અપમાન કરવા બદલ ફિલ્મ અને ટેલિવિઝન નિર્માત્રી એકતા કપૂર સામે કરાયેલી ફરિયાદમાં તપાસ અહેવાલ રજૂ નહીં કરવા બદલ કોર્ટે પોલીસને કારણદર્શક નોટિસ ફટકારી છે. અહેવાલ નવ મેના રોજ સુપરત કરવાનો હતો જે પોલીસ કરી શકી નહોતી.
બાંદરા મેજિસ્ટ્રેટ કોર્ટે ફેબુ્રઆરીમાં ખાર પોલીસને કપૂર અને અન્યો સામેની ફરિયાદની તપાસ કરવા આદેશ આપ્યો હતો. નવ મે સુધીમાં અહેવાલ મગાવ્યો હતો પણ પોલીસે હજી અહેવાલ આપ્યો નહોવાથી આ નોટિસ અપાઈ છે.
યુટયુબર વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉએ કરેલી ફરિયાદમાં એકતા ઉપરાંત ઓટીટી પ્લેટફોર્મ અલ્ટ બાલાજી અને તેના માતાપિતા શોભા અને જીતેન્દ્ર કપૂરને પણ પ્રતિવાદી બનાવ્યા છે.
અલ્ટ બાલાજી પર દર્શાવેલી વેબ સિરીઝમાં લશ્કરી અધિકારીને એક એપિસોડમાં ગેરકાયદે જાતીય કૃત્યમાં સંકળાયેલો દર્શાવ્યો હતો.પાઠકને મે ૨૦૨૦માં આ વાતની જાણ થતાં ફરિયાદ કરી હતી.
રાષ્ટ્રીય ચિન્હવાળું લશ્કરનું યુનિફોર્મ પહેરીને ભારતીય જવાનના પાત્રને ગેરકાયદે જાતીય કૃત્યમાં રાચતો દર્શાવીને દેશની પ્રતિમાને નીચલી પાયરીએ જઈને બેશરમીથી લક્ષ્ય બનાવ્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું.