For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાઈંદરના ઝવેરીની રત્નાગીરીમાં ઝવેરી દ્વારા દુકાનમાં જ હત્યા

Updated: Sep 23rd, 2022

Article Content Image

હત્યા કરી ઠંડા કલેજે ઘરે જઈ જમ્યો ને પછી લાશ નદીમાં પધરાવી

સીસીટીવી ફૂટેજમાં કીર્તિ કોઠારી દુકાનમાં પ્રવેશતા દેખાયા તેના પરથી કેસ ઉકેલાયો : આર્થિક વ્યવહારમાં હત્યાની શંકા

મુંબઈ :  ભાઈંદરનાં ઝવેરી કીર્તીકુમાર કોઠારીની રત્નાગિરીમાં હત્યા કરવાનો કેસ પોલીસે ઉકેલી લીધો છે. આ મામલામાં રત્નાગિરીના ઝવેરી અને તેના બે સાથીદારની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઝવેરીની દુકાનમાં જ કોઠારીની ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. પછી આરોપીએ રાતે ઘરે જમ્યા બાદ લાશ ગુણીમાં ભરીને નદીમાં ફેંકી પુરાવાનો નાશ કર્યો હતો. આર્થિક વ્યવહારના વિવાદને લીધે આ હત્યા થઈ હોવાનું કહેવાય છે. પરંતુ પોલીસ અન્ય શક્યતાને ધ્યાનમાં રાખીને પણ કેસની વધુ તપાસ રી રહી છે.

પોલીસે ઝવેરી ભૂષણ ખેડીકર, રિક્ષા ડ્રાઈવર મહેશ ચૌગુલે (ઉ.વ.૩૯) તથા ફરીદ હોડેકર (ઉ.વ.૩૬)ને પકડીને વધુ તપાસ આદરી છે. કોર્ટે તેમને સાત દિવસની પોલીસ કસ્ટડી આપી હતી.

ભાઈંદરના ઝવેરી કીર્તીકુમાર કોઠારી (ઉ.વ.૫૫) ઘણા સમયથી રત્નાગિરીમાં ઝવેરીને સોનું વેચવા જતા હતા. તેમણે ગત રવિવારે આઠવડા બજાર વિસ્તારમાં એક લોજમાં રોકાયા હતા. પરંતુ સોમવાર રાત બાદ તેઓ ગાયબ થઈ ગયા હતા. પુત્ર કરણ કોઠારી મંગળવારે પિતાનો સંપર્ક ન થઈ શકતા રત્નાગિરી આવ્યો હતો. તેણે પિતાના ગુમ થવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોીલસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફુટેજની તપાસણી કરી હતી. એમાં સોમવારે રાતે ૮.૨૪ વાગ્યે કીર્તીકુમાર કન્યા શાળા સામે ત્રિમૂર્તિ જ્વેલર્સ દુકાનમાં જોવા મળ્યા હતા. પણ પછી તેઓ દુકાનની બહાર આવ્યા નહોતા.

આથી પોલીસે શંકાના આધારે દુકાનના માલિક ભૂષણ અને ગુનામાં મદદ કરનાર તેના બે સાથીદારની પૂછપરછ કરી હતી. દરમિયાન આરોપીએ દુકાનમાં જ કોઠારીની ગળુ દબાવીને હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું.

મર્ડર બાદ લાશને ગુણીમાં ભરી દુકાનમાં રાખી હતી. બાદમાં આરોપી રાતે ઘરે જમવા ગયા હતા. ત્યાર પછી ફરી દુકાનમાં આવી લાશ રિક્ષામાં મજગાવ રોડથી આબલોલી લઈ ગયા હતા. ત્યા નદીના બ્રિજ નીચે લાશ ફેંકી  દીધી હતી. આર્થિક કારણસર આ હત્યા થઈ હોવાનું કહેવાય છે. પરંતુ કીર્તિકુમાર રત્નાગિરી આવ્યા ત્યારે તેમની પાસે ૧૦ લાખના દાગીના હતા. પોલીસ આ દાગીનાની શોધખોળ કરી રહી છે.


Gujarat