ફાઇનાન્સ કંપનીના નામે વરલીમાં સેક્સ રેકેટ ચલાવતા આધેડની ધરપકડ
મુંબઇ, તા. ૪ ડિસેમ્બર 2018,મંગળવાર
ફાઇનાન્સ કંપનીના નામે વરલીથી સેક્સ રેકેટ ચલાવતા એક આધેડની સમાજસેવા શાખાએ ધરપકડ કરી હતી. પોલીસને મળેલી 'ટીપ' બાદ પોલીસે દરોડો પાડી સગીરા સહિત ત્રણ યુવતીને બચાવી હતી.
વરલીની એક સોસાયટીમાં છેલ્લા ત્રણ મહિનાથી આ વૃદ્ધે એક ફાઇનાન્સ કંપનીના નામે ઓફિસ ખોલી હતી. આ કંપનીના નામ હેઠળ તે સેક્સ રેકેટ ચલાવતો હતો. આ બાબતની જાણ પોલીસની સમાજસેવા શાખાને થઇ હતી. તે મુજબ રવિવારે એક બનાવટી ગ્રાહક મોકલી ખાત્રી કરી હતી. આ બાદ પોલીસે દરોડો પાડતા અહીં ત્રણ સ્વતંત્ર રુમો બનાવી હોવાનું બહાર આવ્યું હતું પોલીસે અહીંથીત્રણ યુવતીને પણ તાબામાં લીધી હતી.
આ વૃદ્ધની દાદર વિસ્તારમાં ઓફિસ છે અને તે છેલ્લા ત્રણ મહિનાથી સેક્સ રેકેટ ચલાવતો હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. તેની કડકાઇ પૂર્વક પૂછપરછ કરતા ફાઇનાન્સ કંપનીમાં લોકો કામસર આવતા હશે તેવું સ્થાનિકોને લાગતા કોઇને શંકા ગઇ નહોતી. આ રેકેટમાં અન્ય કોઇ સંકળાયેલા છે કે નહી તેની પોલીસ તપાસ ચલાવી રહી છે.