ઠંડા પવનો તથા વરસાદી વાદળોને લીધે મુંબઈમાં હિલ સ્ટેશન જેવો માહોલ


નીચલી સપાટીએ વાદળો સ્થિર થતાં સૂર્યકિરણો અવરોધાયાં

રાજ્યમાં 4 દિવસ હળવી વર્ષા ચાલુ રહેવાની આગાહી 

મુંબઇ :  આછેરો  વરસાદી માહોલ અને  પવનની દિશાના પરિવર્તનને કારણે છેલ્લા બે દિવસથી મુંબઇમાં વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે.

હવામાન ખાતાએ એવો વરતારો આપ્યો છે કે આવતા ચાર દિવસ(૨૩થી૨૬-સપ્ટેમ્બર) દરમિયાન કોંકણ(મુંબઇ,થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ)માં હળવી વર્ષા થવાની સંભાવના છે. સાથોસાથ મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભમાં પણ અમુક સ્થળોએ  ગાજવીજ સાથે હળવાં વરસાદી ઝાપટાં  પડવાની સંભાવના છે.

આવાં  પરિબળોની ઘેરી અસરથી  મેઘરાજા મુંબઇ   સહિત મહારાષ્ટ્રમાંથી મોડી  વિદાય  લે  તેવી સંભાવના છે.    હવામાન ખાતાએ  હજી સુધી  કોઇ  અંદાજ  પણ  નથી આપ્યો.  સામાન્ય  રીતે મુંબઇમાંથી  નૈઋત્યનું   ચોમાસુ ૮-૧૦ ઓક્ટોબરે  વિદાય લે છે. 

હાલ   મુંબઇ અને નજીકના આકાશમાં વાદળો  બહુ ઓછી ઉંચાઇએ છે. સાથોસાથ આ વાદળો ગગનના અમુક  ચોક્કસ હિસ્સામાં સ્થિર   પણ થયાં   છે. પરિણામે સૂર્યનાં તેજસ્વી કિરણો છેક પૃથ્વીના વાતાવરણ  સુધી નથી આવી શકતાં. એટલે મુંબઇના વાતાવરણમાં ટાઢા પવનો  સાથે  આછેરી ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે.  સાથોસાથ   લઘુત્તમ  તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો  છે.

આજે  કોલાબામાં મહત્તમ તાપમાન ૨૬.૬ અને લઘુત્તમ તાપમાન ૨૪.૦ જ્યારે સાંતાક્રૂઝમાં  મહત્તમ તાપમાન ૨૫.૧ અને લઘુત્તમ તાપમાન ૨૩.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આમ મુંબઇના મહત્તમ  અને લઘુત્તમ  તાપમાનમાં  સરેરાશ  તાપમાન કરતાં ઘટાડો નોંધાયો  છે.  

વાતાવરણમાં હજુ ભેજ છેઃ ચોમાસાંની વિદાય મોડી થશે 

સમગ્ર ભારતમાંથી નૈઋત્યનાં ચોમાસાંની વિદાયમાં હજુ વિલંબ સર્જાઈ શકે છે. 

હાલ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ પર  હવાના હળવા દબાણનું કેન્દ્ર(લો પ્રેશર) સર્જાયું છે. સાથોસાથ આકાશમાં ૫.૮ કિલોમીટરના અંતરે સાયક્લોનિક  સર્ક્યુલેશનની પણ અસર છે. ઉપરાંત, બંગાળના ઉપસાગરથી ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સુધી હવાના હળવા દબાણનો પટ્ટો પણ સર્જાયો છે. 

આવાં બદલાયેલાં    કુદરતી પરિબળોની વ્યાપક અસરથી આખા ઉત્તર-પશ્ચિમ(રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર) ભારતના વાતાવરણમાં હજી ઘણો  ભેજ  છે.સાથોસાથ વરસાદ પણ વરસી રહ્યો છે.   આવા ભીના   ભીના માહોલને કારણે  આ સમગ્ર વિસ્તારમાં  નૈઋત્યના ચોમાસાની  શરૃ થયેલી વિદાયની પ્રક્રિયામાં વિલંબ થાય તેવી  શક્યતા   છે.


City News

Sports

RECENT NEWS