કરબોજના વિરોધમાં મુંબઈ સહિત રાજ્યના 19 હજાર બાર- પરમિટ રૃમ બંધ રહ્યાં
સરકાર સુધારાત્મક પગલાં નહિ લે તો વધુ ઉગ્ર આંદોલન
મુંબઈ ઉપરાંત મીરા ભાયંદર, વસઈ વિરારમાં પણ તમામ બાર સજજ્ડ બંધ ઃવાઈન શોપ પર ધસારો
મુંબઈ - મહારાષ્ટ્ર સરકાર તરફથી લાદવામાં આવેલા કમરતોડ કરબોજના વિરોધમાં આજે મુંબઈ, મીરા ભાયંદર, વસઈ વિરાર સહિત રાજ્યભરના ૧૯ હજારથી વધુ વાર અને પરમિટ રૃમ બંધ રાખવામાં આવ્યાં હતાં.
ઈન્ડિયન એસોસિયેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરાં (આહાર) તરફથી જણાવાયું હતું કે લિકર ઉપરનો વેલ્યુ એડેડટેક્સ (વેટ)માં પાંચ ટકાથી વધારી ૧૦ ટકા કરવામાં આવ્યો છે, દારૃ પરની એકસાઈઝ ડયુટી વધારીને ૬૦ ટકા કરવામાં આવી છે. એટલું જ નહીં વાર્ષિક લાયસન્સ ફી વધારીને ૧૫ ટકા કરવામાં આવી છે. આમ સરકાર તરફથી નાખવામાં આવેલા આ ત્રેવડા બોજાના વિરોધમાં બંધ પાળવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર સરકાર બાર- પરમિટ રૃમના માલિકોની કરબોજ ઘટાડવાની માગણી કાને નહીં ધરતા 'બંધ'નો સહારો લેવામાં આવ્યો હતો, આ બંધને પગલે સરકાર અમારી વાત સાંભળશે એવી અપેક્ષા છે એમ આહારના હોદ્દેદારે જણાવ્યું હતું. દરમ્યાન બાર- પરમિટ રૃમ બંધ રહેતા વાઈન- શોપ અને દેશી દારૃની દુકાનો ઉપર ભારે ભીડ જોવા મળી હતી.
દરમિયાન વસઈ તાલુકા હોટલ એસોસિએશન પણ આ હડતાલમાં જોડાતાં વસઈ વિરારના ૩૧૨ હોટેલ, બાર અને પરમિટ રૃમ આજે બંધ રહ્યાં હતાં. મીરા ભાયંદરના પણ તમામ બાર આજે બંધ રહ્યાં હતાં.
સરકારે એક વર્ષમાં દારૃ પરનો મૂલ્યવધત કર (વેટ) ૫ ટકાથી વધારીને ૧૦ ટકા કર્યો છે. આ પછી, લાઇસન્સ ફીમાં ૧૫ ટકાનો વધારો કરવામાં આવ્યો અને એક્સાઇઝ ડયુટીમાં ૬૦ ટકાનો જંગી વધારો કરવામાં આવ્યો છે. આનાથી બાર અને પરમિટ રૃમ સંચાલકો પર મોટો નાણાકીય બોજ પડી રહ્યો છે. તે જ સમયે, આ વ્યવસાય પર હજુ પણ ઘણા બ્રિટિશ યુગના કાયદા લાગુ પડે છે અને તેમને અપડેટ કરવાની જરૃર છે, તેવી માગણી વસઈ તાલુકા હોટેલ એસોસિએશનના પ્રમુખ પ્રીતમ સિંહ ગોહોનિયાએ કરી હતી. જો સરકાર આનો ઉકેલ નહીં લાવે તો અમારે અનિશ્ચિતકાળની હડતાળ પર જવું પડશે, એમ તેમણે ચેતવણી પણ આપી હતી.
સરકારના સતત કરવેરા વધારવાને કારણે, પરમિટ રૃમ અને બારમાં દારૃનું વેચાણ મોંઘુ થઈ ગયું છે. તેથી, શહેરમાં ગેરકાયદેસર બાર કે દારૃની દુકાનો તરફ નાગરિકો વધુ જવા લાગ્યા છે. સરકારે લાઇસન્સ ફીમાં આ ગેરવાજબી વધારો ઘટાડવો જોઈએ, એમ વસઈ તાલુકા હોટેલ એસોસિએશનના ઉપપ્રમુખ ભરત શેટ્ટીએ માંગ કરી હતી.
મીરા ભાયંદરના હોટલ ઉદ્યોગના આગેવાન સંતોષ પુત્રણે જણાવ્યું હતું કે વેરા ઘટાડાની માગણીના ટેકામાં આજે મીરા ભાયંદરના તમામ બાર અને પરમિટ રુમ બંધ રહ્યાં હતાં. સરકારે મોટાપાયે રોજગાર સર્જતા આ વ્યવસાય માટે પોઝિટવ નીતિ અપનાવવી જોઈએ એમ તેમણે કહ્યું હતું.
બેરોજગારીનું સંકટ..
સરકાર દ્વારા વધેલી લાઇસન્સ ફી, એક્સાઇઝ ડયુટી અને મૂલ્યવધત કરને કારણે બાર અને પરમિટ રૃમ સંચાલકોને તેમના વ્યવસાયો બંધ કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે કામગારોમાં બેરોજગારી પણ વધી શકે છે. તેથી, બાર અને પરમિટ રૃમના કર્મચારીઓ તથા કામદારોના હિતમાં પણ આ કરવેરાનો બોજ ઘટાડવા માગણી કરાઈ છે.