For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 114 ના મોત, નવા 3307 કેસ નોંધાતા સાથે કોરોનાગ્રસ્તોની સંખ્યા 116752

- મહાવિકાસ આઘાડી સરકાર અવઢવમાં

- સૌથી વધુ મુંબઈમાં 77 દરદીના મોત, નવા 1359 કેસ નોંધાતા કોરોનાના દરદીની સંખ્યા 61587

Updated: Jun 18th, 2020

Article Content Image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ તા. 17 જુન, 2020, બુધવાર

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસ રોગાચાળાએ કાળો કહેર મચાવ્યો છે. દિનપ્રતિદિન કોરોનાના દરદીની સંખ્યા વધી રહી છે. તેમ જ ટપોટપ દરદીનો મરણાંક પણ વધી રહ્યો છે. કોરોનાને નિયંત્રણમાં લાવવા મહારાષ્ટ્ર સરકાર તમામ પ્રકારના પ્રયાસ કરી રહી છે. છતાં સફળતા ન મળતા અવઢવમાં મુકાઈ છે. આજે ચોવીસ કલાકમાં મહારાષ્ટ્રમાં ૧૧૪ કોરોનાના દરદીએ જીવ ગુમાવ્યો હતો અને નવા ૩૩૦૭ દરદી નોંધાતા અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૧,૧૬,૭૫૨ થી છે. જ્યારે મૃત્યુઆંક વધીને ૫૬૫૧ થયો છે.

જ્યારે દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈમાં કિલર કોરોનાએ માજા મૂકી છે. આજે ૭૭ દરદીના મોત થયા હતા અને કોરોનાના નવા ૧૩૫૯ કેસ નોંધાતા મુંબઈમાં કોરોનાના દરદીની સંખ્યા વધીને ૬૧,૫૮૭ થઈ અને મૃત્યુઆંક વધીને ૩૨૪૪ થયો છે.

આ સિવાય થાણેમાં ૨૦,૧૬૭ અને પુણેમાં ૧૩,૨૫૦ કોરોનાના દરદી નોંધાયા છે. આથી ત્યાં પણ સ્થાનિક મહાનગરપાલિકા ચિંતામાં પડી ગઈ છે. લોકડાઉનમાં છૂટછાટ આપવાથી લોકો બહાર નીકળતાં કોરોનાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું.

જોકે આજે દિવસભર મહારાષ્ટ્રમાં ૧૩૧૫  દરદી સ્વસ્થ થયા હતા. તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ અપાયા છે. આથી અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ૫૯ હજાર ૧૬૬ દરદી સાજા થયા છે. એટલે કે કોરોનામુક્ત થયા છે, એવો દાવો આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કર્યો હતો.

આજે મહારાષ્ટ્રમાં ૧૧૪ દરદીએ જીવ ગુમાવ્યો છે. એમાં ૮૮ પુરુષ અને ૨૬ મહિલાનો સમાવેશ થાય છે. મૃતકોમાં ૬૦ વર્ષથી ઉપરના ૭૬ દરદી અને ૪૦ વર્ષથી નીચેના આઠ દરદીઓ કોરોનાના શિકાર થયા છે. આ મૃતકોમાં ૩૯ ટકા ડાયાબીટીસ, હાઇ બ્લડ પ્રેશર, હૃદયરોગ જેવા અતિજોખમીથી મૃત્યુ પામેલા છે. 

મહારાષ્ટ્રમાં ૫૫ શાસકીય અને ૪૩ ખાનગી એમ કુલ મળીને ૯૮ પ્રયોગશાળા કાર્યરત છે. રાજ્યમાં ૫,૮૨,૬૯૯ હોમ ક્વોરન્ટીન છે. મહારાષ્ટ્રમાં સંસ્થાત્મક ક્વોરન્ટીનની સુવિધામાં ૮૦ હજાર ૫૪૫ ખાટલા ઉપલબ્ધ છે. એમાંથી ૨૭ હજાર ૫૮ લોકો સંસ્થાત્મક ક્વોરન્ટીન છે. 

મુંબઈમાં કોરોનાની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. આથી મુંબઈ મહાનગરપાલિકા સરકારી, ખાનગી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત મેદાન, ક્લબ, પાર્કિંગમાં કોરોના સેન્ટર ઊભા કરી રહી છે. હવે હાઉસિંગહ સોસાયટીઓને પોતાની ઇમારતમાં કોરોના સેન્ટર ઊભા કરવાની પરવાનગી પાલિકા આપે છે. આ માટે કેટલીક શરતો મૂકી છે. જેમાં સોસાયટીના ક્લબ હાઉસ, જીમનેશિયમમાં કોરોના સેન્ટર ઊભા કરી શકે છે. બોરીવલી, દહિસર, કાંદિવલીની સોસાયટીમાં કોરોના સેન્ટર ઊભા કર્યા છે.

મુંબઈમાં અંધેરી (પૂર્વ), જોગેશ્વરી, મલાડ, દહિસર, કાંદિવલી, ઘાટકોપર, મુલુંડ, ધારાવી, ભાંડુપ, દેવનાર, ચેમ્બુર, ભાયખલા, મલબાર હિલ, વરલી, સહિત અન્ય વિસ્તારમાં કોરોનાએ માજા મૂકી છે. મુંબઈમાં ૭૬૦ જેટલા કન્ટેન્મેન્ટ ઝોન છે. તેમાં અત્યાવશ્યક સેવા સિવાય તમામ પ્રતિબંધ મૂકાયા છે. 

Gujarat