Updated: Feb 8th, 2023
મોરબીમાં 135 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા તે લોકરોષના પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આરોપી રજૂ કરાયો, પોલીસે વધુ રિમાન્ડ ન માંગી, અન્ય 9 આરોપીઓ હાલ છે જેલમાં : નામી આરોપીને અલગ બેરેક અપાઈ, કાચા કામનો કેદી હોવાથી ઘરેથી ભોજન, ગાદલા,કપડાંની સુવિધાઓ
રાજકોટ, : મોરબીની મચ્છુ નદી ઉપરનો ઝૂલતો પૂલ ધસી પડવાની દેશભરમાં હાહાકાર મચાવનાર હૃદયદ્રાવક દુર્ઘટનાના મુખ્ય આરોપી ગણાતા મોરબીની અજંતા મેન્યુફેક્ચરીંગ પ્રા.લિ. (ઓરેવા ગ્રૂપ)ના એમ.ડી. જયસુખ પટેલના પોલીસ રિમાન્ડ પૂરા થતા આજે તેને મોરબી કોર્ટમાં રજૂ કરાતા અદાલતે તેને જેલહવાલે મોકલી આપેલ છે.
ઝૂલતા પૂલની મરમ્મત, જાળવણી, સંચાલનનો કોન્ટ્રાક્ટ શંકાસ્પદ શરતો અને પ્રક્રિયા સાથે, મોરબી સુધરાઈના જન.બોર્ડની પૂર્વ મંજુરી વગર મેળવીને જયસુખ પટેલે તેની બરાબર મરમ્મત કરાવ્યા વગર, સેફ્ટી રિપોર્ટ મેળવ્યા વગર તા. 26-10-2022 ના પોતે જ પૂલ લોકો માટે ખુલ્લો મુકી દીધો હતો અને ખુલ્લો મુક્યા પછી તેની સેફ્ટી ચકાસાઈ નથી તે જાણવા છતાં પૂલ પર સેંકડો માણસોને જવા દેતા 30-10-2022ના આ ઐતહાસિક પૂલ ધસી પડયો હતો. જેમાં માસુમ બાળકો સહિત 135 લોકોના અત્યંત દર્દનાક મોત નીપજ્યા હતા અને આશરે 200 લોકોને ઈજા થઈ હતી.
આ અંગે ઘટના દિવસે જ આઈ.પી.સી.ક. 304 સાપરાધ મનુષ્યવધ સહિતના ગુના માટે મોરબી પોલીસે ફરિયાદ નોંધીને 9 આરોપીઓની ધરપકડ કરી હતી પરંતુ, મુખ્ય કંપનીના જવાબદાર જયસુખ પટેલની ધરપકડ ટાળવામાં આવી હતી. અંતે પોલીસ તપાસ તથા સિટના રિપોર્ટ વગેરેથી જયસુખ પટેલની જવાબદારી હોવાના સજ્જડ પૂરાવા મળતા તેનું કોર્ટમાંથી ક. 70 મૂજબ વોરંટ જારી થયું હતું અને અંતે તેણે કોર્ટમાં હાજર થવું પડયું હતું. આજે પોલીસ રિમાન્ડ પૂરી થતા તેને અન્ય કેદીઓ સાથે મોરબી સબ જેલમાં મોકલી આપવામાં આવેલ છે. પોલીસે તેની ફેક્ટરી સહિતના સ્થળોએ તપાસ કરી છે પરંતુ, તપાસમાં શુ મળ્યું તે વિગતો જાહેર કરી નથી.
આ દુર્ઘટનામાં અગાઉ 9 આરોપીઓ જેલમાં છે અને આજે મુખ્ય ૧૦મો આરોપી જેલહવાલે થયેલ છે. પોલીસે આ ઉપરાંતના અન્ય કોઈ આરોપીઓ તેમાં સંડોવાયાનો ઈન્કાર કર્યો છે.
આજે કોર્ટમાં જયસુખ પટેલને રજૂ કરાતા ત્યારે ઝુલતા પૂલના દોષિતો સામે વ્યાપક જનાક્રોશના પગલે પોલીસે ચૂસ્ત બંદોબસ્ત રાખ્યો હતો. મોરબીથી વિશેષ માહિતી અનુસાર જયસુખ પટેલ નામાંકિત હોય કે અન્ય કારણથી પણ તેને જેલમાં અલગ બેરેકમાં રાખવામાં આવશે જ્યાં કાચા કામના કેદીને નિયમોનુસાર મળતી સુવિધાઓ, જેમ કે ઘરેથી જમવાનું, ઘરના વસ્ત્રો, ગાદલા, ઓશિકા, ટી.વી., ન્યુઝપેપર-પૂસ્તકો વગેરે મળશે અને નિયમોને આધીન પરિવાર સાથે ટેલીફોનથી વાતચીત પણ કરી શકશે. જેલમાં હાલ દરેક બેરેકમાં 20 લેખે આશરે 300 કેદીઓ હોવાનું જાણવા મળે છે. ઝુલતાપૂલ દુર્ઘટનાના અન્ય 9 આરોપીઓ પણ હાલ આ જ જેલમાં છે.