Updated: Dec 31st, 2022
માળિયા તાલુકાના સરવડ ગામે તસ્કરો ત્રાટક્યા : અન્ય 5 મકાનોના પણ તાળાં તોડી હાથફેરો
મોરબી, : માળીયા તાલુકાના સરવડ ગામે પ્રૌઢ દંપતી પોતાના પુત્રને મળવા મોરબી આવ્યા હતા અને પાછળથી તસ્કરોએ તેમના બંધ ઘરને ટાર્ગેટ કરીને રૂપિયા 1.47 લાખના મતાની ચોરી કરી હતી. આ મામલે માળીયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોધાઇ છે. તેમની સાથે અન્ય પાંચ મકાનમાં પણ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે.
બનાવની મળતી વિગત મુજબ માળિયાના સરવડ ગામે રહેતા અમ્તલાલ છગનલાલ લોદરીયાએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ સરવડ ગામમા રામજી મંદીર પાસે રહે છે. અને તેમનો દીકરો દીકરો મોરબી રવાપર ધુનડા રોડ ઉપર આવેલ લોટ્સ સોસાયટીમા તેના પત્નિ સાથે રહે છે. જેથી અમૃતલાલ તથા તેમના પત્નિ વિદ્યાબેન તેમના મકાને તાળુ મારી છેલ્લા ચાર દીવસથી દીકરાના ઘરે હતા. ગઈકાલે તેમના પાડોશી ભરતભાઇ મોહનભાઇ વીલપરાએ તેમને જણાવ્યુ કે, તમારા મકાનના દરવાજાનું તાળુ તુટેલ છે. અને અંદરનો સામાન વેર વીખરેલ પડેલ છે' તેમ વાત કરતા અમૃતલાલ મોરબીથી સરવડ ખાતે આવ્યા હતા. અને તેમના ઘરે પહોચતા મકાનના મેઇન દરવાજાનુ તાળુ તુટેલ હતુ. અને ઓસરીમા લગાવેલ લોખંડની ગ્રીલંનુ પણ તાળુ તુટેલ હતુ. રૂમમા સામાન વેર વીખેર પડેલ હતો અને લાકડાના કબાટમાં રાખેલ વસ્તુઓ બધી બહાર પડેલ હતી અને કબાટમા રાખેલ સોનાના દાગીનાના ખાલી બોક્સ બહાર પડેલા હતા અને કબાટમા રાખેલ રૂપીયા ૨૭,૦૦૦ જે રૂપીયા તેમની ખેતીની ઉપજના હતા તેમજ કબાટમા રાખેલ સોનાના દાગીના મળી કુલ રૂપિયા 1,47,000ની ચોરી થઈ હતી.
વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, તેમના મકાનની સાથે સરવડ ગામમા રહેતા જયંતીભાઇ ઉર્ફે ભીખાભાઇ ચતુરભાઇ કાવર તથા પાછળની શેરીમા રહેતા વસંતભાઇ લાલજીભાઇ સરડવા તથા રણછોડભાઇ રામજી ભાઇ ચીખલીયા તથા ઘનશ્યામભાઇ ગોવીંદભાઇ વીલપરા તથા જયસુખભાઇ સવજીભાઇ લોદરીયા તથા ભુદરભાઇ છગન લોદરીયાનાઓના મકાનમા પણ ચોરી થઈ હતી. જે મામલે માળિયા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે