પ્લાસ્ટિકના કચરામાંથી પર્યાવરણપૂરક ઘર


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

ઘરમાં પ્લાસ્ટિકની ખાલી બોટલો કે કચરો  પડયો હોય તો તેનો  કેમ નિકાલ કરવો એ  મૂંઝવણ બધાને  થાય છે.  પણ પ્લાસ્ટિકની  ખાલી બોટલો અને કચરામાંથી  જ ઘર બનાવ્યું  હોય તો ? ઔરંગાબાદમાં  ફાઈન આર્ટનું  શિક્ષણ લેતી  બે વિદ્યાર્થિનીઓ નમિતા કપાળે  અને કલ્યાણી ભારંબેના મગજમાં   આવો ઝબકારો   થયો. 

વેસ્ટમાંથી  બેસ્ટ ઘર દેશ અને  દુનિયામાં  ક્યાં કયાં  બનાવવામાં  આવ્યા છે તેની  જાણકારી  સોશ્યલ મિડીયામાંથી મેળવી.એમાં  આસામના  ગુવાહાટીની સ્કુલના  વિદ્યાર્થીઓ  પ્લાસ્ટિકની  ખાલી બોટલ અને એમાં કચરો ભરી  બોટલ્સ-બ્રિકસ તૈયાર કરે છે એની  જાણકારી મળી.  બસ પછી તો  બન્ને  તરૂણી  કામે લાગી ગઈ.  ૧૬ હજાર પ્લાસ્ટિકની ખાલી  બોટલ, ગાયનું છાણ, ૭ ટ્રેકટર  ભરી માટી  સહિત  ઈકો-ફ્રેન્ડલીસામગ્રી  ભેગી કરી. ચાર મહિનાની  આકરી  મહેનતને  અંતે  આ બધી  સામગ્રીમાંથી દૌલતાબાદ-શરણાપુર ફાટા રોડ પર પાંચ સુંદર  ઘરો બાંધીને  તૈયાર કરી દીધા.  વરસાદ, ટાઢ અને તડકામાં આ ઘરો ટકી શકે છે કે નહીં  તેની ચકાસણી કરી. આમ પ્લાસ્ટિકની  બોટલો  અને કચરામાંથી  પર્યાવરણપૂરક  ઘરો બાંધી  આ તરૂણીઓએ સહુને  આશ્ચર્યચકિત   કરી દીધા.  હવેે તેમણે પ્લાસ્ટિકની  ખાલી બોટલો  અને કચરામાંથી  ગાર્ડનના બાંકડા  બનાવવાની તૈયારી કરી   છે.  આ વિદ્યાર્થિનીઓએ  કચરામાંથી   કરેલી કમાલ  જોઈને કહેવું પડે કેઃ

સહુને ચિંતા છે કે

પ્લાસ્ટિકનો કેમ કરવો નાશ?

જ્યારેતરૂણીઓએપ્લાસ્ટિકમાંથી

જ બાંધી દીધા આવાસ.

મહિલા સરપંચ 

કરે મજૂરી

નારી કભી ના હારી....

નારી શક્તિ કા પ્રતિક હૈ...

મહિલા-દિન  વખતે આવાં  પોકારસૂત્રો  (સ્લોગન) કાને પડે છે. જુદા જુદા  ક્ષેત્રમાં  મહિલાઓએ  સિદ્ધિ મેળવી  હોય તેના  છાપામાં  ફોટા છપાય છે અને  ટી.વી.માં  ઈન્ટરવ્યુ જોવા મળે છે. પરંતુ એક મહિલા  સરપંચ  એવી છે કે  પોતાના ગામડાનું   ભલું કરવા  અને વિકાસ કરવા  ગાંઠના પૈસા ખર્ચી  નાખ્યા અને  સરકારે એ ખર્ચની રકમ  ફાળવવાની  દરકાર ન કરતા તેને મજૂરી કરવાનો વખત  આવ્યો છે. 

તેલંગણાના હનુમકાંડા  જિલ્લાના  ભીમદેવરાપલ્લી   ગામડાની ૩૨ વર્ષની  મહિલા સરપંચ  વેલ્લેપુ અનિતાની આ કથની  સાંભળી સરકારની બેદરકારી  પર ફિટકાર  વરસાવ્યા  વિના ન રહેવાય. સરપંચ  બન્યા પછી  જુદી જુદી  સરકારી યોજનાઓ  અમલમાં મૂકવા   તેણે કમર કસી. રસ્તા બનાવ્યા,  ઉદ્યાન વિક્સાવ્યો, વીજળીની  થાંભલા ઊભા કર્યા   અને સ્મશાન પણ બાંધ્યું.  પોતાના ગામડાનો   વિકાસ થાય માટે  તેણે લગભગ આઠેક લાખ  રૂપિયાની  લોન લીધી અને  બધા કામ  પાર પાડયા.  એને  એવી આશા હતી કે  ગામના  વિકાસ પાછળ તેણે જે ખર્ચ  કર્યો છે એ સરકાર ચૂકવી દેશે.  

પરંતુ ૨૦૧૮થી  લઈને આજ  સુધી  સરકારે રાતી પાઈ પણ  ન ચૂકવતા માથે  વધતું જતું  દેવું ચૂકવવા વી. અનિતા  મજૂરી કરવા માંડી. રોજ માથા પર તગારામાં  પથ્થર કે  માટી ઉપાડી બાંધકામની જગ્યાએ ઠાલવે. આખો  દિવસ કાળી મજૂરી   કરે ત્યારે  માંડ દોઢસો-બસો રૂપિયા મજૂરી  મળે. એમાંથી  થોડા પૈસા ઘરખર્ચ  માટે રાખી બાકીના પૈસામાંથી  દેવું ચૂકવે.  વિચાર કરો જેણે  આખા ગામનું ભલું કરવા માટે  સરપંચ  તરીકે પૈસા  ખર્ચ કર્યા હોય  એણે દેવું ચૂકવવા મજૂરી  કરવી પડે? આવા સેવાભાવી   સરપંંચની  દરકાર ન કરે એ  કેવી સરકાર?  સરપંચને મજૂરી કરતી જોઈને મનોમન સરકારને  ફટકાર  લગાવવાનું  મન થાયઃ

સહુનું ભલું કરે

એવાં આ સરપંચ

પણ એ સરપંચનું ભલું ન કરે.

એવાને માથે કોણ મારે 

'સર-પંચ'

સીટી ઔર ડંડે પે

જાઉં વારી વારી...

શામ ઢલે ખીડકી તલે તુમ સીટી બજાના  છોડ દો... 'અલબેલા' ફિલ્મના  આ હલકદાર  ગીતમાં  ગીતાબાલી  તેનાં પ્રેમીને  સીટી વગાડવાનું  બંધ  કરવાનું કહે છે. પણ બિહારના ગ્રામીણ  વિસ્તારની  વૃક્ષપ્રેમી મહિલાઓ જંગલ બચાવવા એકમેકને  સીટી વગાડી  સાવધ કરે છે. 

જમુઈ  જિલ્લાના  ખૈરા વિભાગના જંગલોમાં  લાંબા સમયથી   આડેધડ  વૃક્ષોની કતલ  થતી અને  કાપેલા વૃક્ષના  થડના  ઠૂંઠાને  પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવતા હતા. જંગલનું  નિકંદન  નીકળતું જોઈ ચિંતાદેવી નામની  મહિલાને  ખરી ચિંતા થઈ. ચિંતાદેવીએ  ચિંતાજનક સ્થિતિનો  સામનો કરવા  સીટી અને  હાથમાં  દંડો લઈને  એકલપંડે વૃક્ષોની  રખવાળી  કરવાનું  શરૂ કર્યું.  છેલ્લાં  ૨૦ વર્ષથી  વૃક્ષરક્ષાની આ કામગીરી રંગ લાવી.  ધીમે ધીમે  લોગ આતે  ગયે ઔર  કારવાં બનતા ગયા...  એમ ધીમે ધીમે  પર્યાવરણની  રક્ષા  માટે વધુને વધુ  મહિલાઓ  ચિંતાદેવી  સાથે મજોડાતી  ગઈ.  આમ હવે તો  આ બિહારી  નારીઓની આખી પેટ્રોલિંગ ટીમ ચોવીસે કલાક વનની રખવાળી કરે છે   અને ફોરેસ્ટ  ડિપાર્ટમેન્ટ  પણ પૂરેપૂરો  સાથ આપે છે. કોઈ  પણ મહિલાને  જંગલમાં એવો અણસાર  આવે કે  વૃક્ષની  કાપણી  થવાની તૈયારી  છે. ત્યારે જોરજોરથી  સીટી વગાડી  પોતાની ટીમની મહિલા મેમ્બરોને  સાવધ કરે છે. બધી  મહિલાઓ એ જગ્યાએ પહોંચી  જાય છે  અને વૃક્ષો  કપાતા બચાવે  છે.

આ વનરક્ષક મહિલાઓ  સીટી  વગાડીને  એકબીજાને  સતર્ક કરે છે  એટલે  અમને ખરી 'સીટી-ઝન' કહેવાયને?  આ બિહારી  મહિલાઓના ગશ્તી દળે જંગલ બચાવવા  હાંસલ કરેલી કામયાબી  જોઈ કહેવું પડે કેઃ

બિહારી નારી

કભી ના હારી

તોહરે ડંડે ઓર સીટી પે

જાઉં વારી વારી.

ગુલાબી ગુલાબી નદી

ગુલાબી રંગ ખુશમિજાજનો  રંગ  છે, ગુલાબી  મધમધતા  પ્રેમનો રંગ  છે એટલે  જ વેલેન્ટાઈન્સ-ડેની  ઉજવણી  વખતે યુવા હૈયા  એકબીજાને  ગુલાબી રંગની ગિફટ કે  ગુલાબનું ફૂલ આપે છેને? આજે એવો  સવાલ કરીએ કે  ભારતમાં  ગુલાબી  શહેર તરીકે  કયું શહેર  જાણીતું છે?  તો પ્રાઈમરીમાં  ભણતું બાળક પણ જવાબ  આપશે કે પિન્ક સિટી તરીકે જયપુર જાણીતું છે. પણ કોઈને પૂછીએ કે  પિન્ક રિવર  એટલે કે ગુલાબી નદી ક્યાં જોવા મળે તો  સામેવાળો કદાચ  વિચારમાં  પડી જાય.  પણ  આ સવાલનો   જવાબ  આપી શકાય કે પિન્ક રિવર  બીજે ક્યાંય નહી પણ ઈશ્વરની ભૂમિ તરીકે ઓળખાતી કેરળના  કોઝીકોડમાં  છે. 

આ ગુલાબી નદી ટુરિસ્ટો  માટે આકર્ષણરૂપ બની ગઈ છે.  મજાની વાત  એ  છે કે નદીમાં   વહેતું પાણી  ગુલાબી નથી, પરંતુ નદીની સપાટી  પર ઉગેલા ગુલાબી રંગના   ફોકર્ડ  ફનવોર્ટ નામના ફૂલોને લીધે ગુલાબી નદીના દર્શન થાય  છે. આ  ગુલાબીફૂલો દેખાવમાં  ભલે સુંદર  હોય પણ  જૈવિક  વૈવિધ્ય માટે  ભારે નુકસાનકારક છે. કારણ તે નદીની  સપાટી  પર ઝડપથી  ઉગી નીકળે  છે અને પછી  બધો જ  ઓક્સિજન શોષી લે છે, આને લીધે  જૈવિક   વૈવિધ્યને  પારાવાર  નુકસાન કરે છે. એટલે કહેવું  પડે કેઃ

ભલે મોહક રંગ

લાગે ગુલાબી

પણ જોઈને શું ફાયદો

જો ફૂલ કરે ખરાબી.

મોટું મોટું માટલું

પાણી ભરાય આટલું

મારી ગાગરડીમાં  ગંગા-જમના  રે...  ગીત  સાંભળીએ  ત્યારે  વિચાર આવે કે  જે ગાગરમાં  ગંગા-જમનાના નીર ભરાય એ  કેવડી મોટી હશે? પણ ઉત્તર પ્રદેશમાં  અત્તરની  નગરી તરીકે ઓળખાતા   કનૌજમાં  લગભગ  બે હજાર  વર્ષ  પુરાણું  માટીનું  જંગી માટલું  સાચવવામાં આવ્યું  છે. ૪.૫ ફૂટનો  ઘેરાવો  અને ૫.૪ ફૂટ ઊંચું આ માટલું એટલુંમોટું  છે કે  એમાં લગભગ બે હજાર  લીટર પાણી ભરી શકાય છે. ૪૦ વર્ષ પૂર્વે કનૌજના શેખપુરા એરિયામાં  પુરાતત્ત્વ ખાતા તરફથી  ખોદકામ  કરવામાં  આવ્યું ત્યારે  આ મહાકાય  માટલું  મળી આવ્યું  હતું.  ઈતિહાસકાર  અને રાજ્ય  વાસ્તુસંગ્રહાલયના અધ્યક્ષ દીપક કુમારના મત અનુસાર આટલું  જૂનું અને આટલું મોટું  માટલું આજ સુધી ક્યાંય  મળ્યું નથી આ માટલું  લગભગ બે હજાર વર્ષ પૂર્વેના કુશાન  રાજવંશના  કાળમાં બનાવવામાં આવ્યું હોવાનુંઅનુમાન છે. આજકાલ સિમેન્ટની, ધાતુની અને પ્લાસ્ટિકની  મોટી  મોટી ટાંકીઓ  બનાવવામાં  આવે  છે ત્યારે  વિચાર થાય કે  બે હજાર  વર્ષ પૂર્વે   આટલું મોટું  અને ટકાઉ માટલું  કેમ બનાવ્યું  હશે?   માટલાની  તસવીર જોઈને કહેવાનું મન થાયઃ

વર્ષોના વર્ષો સુધી ટકે આટલું

કેવું કમાલનું આ જંગી માટલું

પંચ-વાણી

જંગલમાં વૃક્ષારોપણ

રાજકારણના જંગલમાં દોષારોપણ

City News

Sports

RECENT NEWS