પાંચ રૂપિયામાં દોઢસો કિલોમીટરની યાત્રા


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

મુંબઈ જેવાં શહેરમાં રિક્ષામાં પ્રવાસ કરો તો ચાર- પાંચ કિલોમીટરના અંતર માટે સહેજે ચાલીસ- પચાસ રૂપિયા ભાડું ચૂકવવું પડે છે, પરંતુ માત્ર પાંચ રૂપિયામાં બે જણ ટેસથી દોઢસો કિલોમીટરનો પ્રવાસ કરી શકે એવું સોંઘુ ટુ- વ્હીલર કોને ન પરવડે? ઉત્તર પ્રદેશના મેરઠમાં બે સગા ભાઈઓ અક્ષય- આશીષની જોડી ઈંધણના ભાવ આસમાને જવા માંડયા ત્યારથી 'સસ્તુ ભાડું ને સિધ્ધપુરની જાત્રા' કરાવે એવું ટુ- વ્હીલર બનાવવાની મથામણ કરતા હતા. દિવસ- રાત મહેનત કરીને આ બંધુ બેલડીએ એકદમ હટકે  ઈ-બાઈક બનાવી છે.  બાઈક બનાવવામાં ૩૫ હજાર ખર્ચ થયો. બાઈકને સાત કલાક ચાર્જિંગમાં મૂક્યા પછી દોઢસો કિલોમીટર સુધી દોડાવી શકાય છે અને એ પણ ૬૦- ૬૫ કિલોમીટરની ઝડપે. એક વખત ઈલેકટ્રિક ચાર્જિંગ માટે પાંચ રૂપિયાનો ખર્ચ થાય છે.  આ બંધુ બેલડીની બાઈકને દોડતી જોઈને ગાવાનું મન થાય-

ઈંધણનો દરવધારો ભલે

ચડે સડસડાટ ઊંચે,

અમે સસ્તામાં દોડાવીશું

ફરફરાટ બાઈક નીચે.

માં તુઝે સલામ

રાજા રામમોહન રોયે સતીપ્રથા સામે બુલંદ અવાજ ઉઠાવ્યો પછી આ કુપ્રથા નાબૂદ થતાં કેટલાય વર્ષો વીતી ગયાં હતાં. આજે તો લશ્કરમાં કોઈ ફૌજી દેશને ખાતર બલિદાન આપે ત્યારે પતિને પગલે સેનામાં જોડાઈને દેશની રક્ષા માટે આગળ આવતી વીરનારીઓને જોઈ સો-સો સલામની હકદાર બને છે. આવી જ રીતે બર્ફીલા પહાડો વચ્ચે ઉછરેલી રિગઝીન ઓરોલને લદ્દાખની પહેલવહેલી આર્મી ઓફિસર બનવાનું માન મળ્યું છે. રિગઝીનનો પતિ લદ્દાખ સ્કાઉટની ઝેદાંગ સમ્યા બટાલિયનમાં રાઈફલમેન હતો. એક દુર્ઘટનામાં પતિના વીરમરણ બાદ આ લદ્દાખી લેડીએ લશ્કરી અધિકારી બનવાનો સંકલ્પ કર્યો. એક વર્ષ સુધી પોતાના માસુમ પુત્રથી અળગી રહી અને કડી મહેનત કરી ચેન્નઈની ઓફિસર્સ ટ્રેનીંગ એકેડેમીમાંથી તાલીમ મેળવી પાસ થઈ. આજે તેને ગર્વ છે કે દેશની હિફાઝત માટે હું આર્મી ઓફિસર બનું એવી મારા પતિની ખ્વાહિશ પૂરી કરી શકી છું. 

આવી જ રીતે હરવીનકૌર કેહલોન પ્રાઈવેટ સ્કૂલમાં ટીચર હતી અને પતિ લશ્કરમાં અધિકારી હતો. પતિ કેપ્ટન કંપલપાલ સિંહના વીરમરણ બાદ ટીચરની નોકરી છોડી હરવીનકૌર ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં જોડાઈ. આકરી તાલીમ પછી હરવીનકૌર પણ લશ્કરી અધિકારી બની. 

શહીદ પતિને પગલે ચાલી સેનામાં જોડાવાની પહેલ કરનારી આવી વીર નારીઓ જ્યારે પાસિંગ આઉટ પરેડ બાદ પોતાનાં વ્હાલસોયાં બાળકોને કાંખમાં તેડી ઉભી રહી ત્યારે સહુના હૈયામાંથી એક જ ગીજ ગુંજતું હશેઃ માં તુઝે સલામ... આ વીર નારીઓને બીરદાવતાં કહેવું પડે- 

ભલે ભૂલકાં તેડયાં છે કાંખમાં,

દેશની રક્ષાનું તેજ 

ઝળકે છે આંખમાં,

હિમ્મતનો પવન ભરાયો 

વીર નારીની પાંખમાં.

ઈડલી- એમ ઈડલી- એમ

કોઈપણ હોટલમાં જઈ ઈડલીનો ઓર્ડર આપો તો આવતા સહેજે દસેક મિનિટ તો લાગે જ ને? પરંતુ બેંગ્લોરમાં એક એવું અજબ એટીએમ ગોઠવાયું છે જેમાંથી માત્ર પંચાવન સેકન્ડમાં ગરમાગરમ ઈડલી નીકળવા માંડે. વળી, એ પણ ટેસ્ટી ચટણી સાથે આવે. આવું ઈડલી આપતું એટીએમ કોણે બનાવ્યું હશે? એ સવાલનો જવાબ 'ગૂગલી' ખણખોદ કરતા મળી ગયો. 

શરણ હિરેમઠ નામના એક ભાઈની દીકરી માંદી પડી. મોડી રાત્રે એણે જીદ કરી કે ઈડલી ખાવી છે. શરણજી શહેરમાં બધે ફર્યા પણ અધરાતે ગરમ ઈડલી આપવા કોણ નવરું હોય? કહે છે ને કે જરૂરિયાત એ શોધની જનની છે. એવું જ થયું. આ ભાઈએ વિચાર કર્યો કે એવું મશીન બનાવ્યું હોય તો કે જેમાંથી ચોવીસે કલાક ગરમાગરમ સ્ટીમ- હોટ ઈડલી મળે? એમણે પોતાના દોસ્ત સુરેશની મદદ લીધી. ખૂબ માથાફોડ કરીને આખરે આ ઈડલી- એટીએમ બનાવ્યું. આ મશીન પરનું મેન્યૂ સ્કેન કરી પૈસા નાખી બટન દબાવો એટલે પંચાવન સેકન્ડમાં ગરમ ઈડલી વ્યવસ્થિત પેક થઈને બહાર આવે છે. એકસાથે મહત્તમ ૨૮ ઈડલીનો ઓર્ડર આપી શકાય છે. જરા વિચાર કરો કે ગણતરીની સેકન્ડમાં એકદમ ફળફળતી ઈડલી અને ચટણી પેક થઈને બહાર આવે એ કોને ન ભાવે? આ દ્રશ્ય જોઈ 'વાહ ક્યા સીન હૈ...'ની સાથે બોલાઈ જાય ,'વાહ ક્યા મ-શીન હૈ...'

૩૦ રૂપિયા વધારે લેતા ૧૦ લાખનું વળતર ચૂકવવું પડયું

કોઈએ એક પીયક્કડને પૂછયું કે ઠંડીમાં શરદી થઈ હોય ત્યારે દારૂ પીવાથી શરદી જાય? પીયક્કડે જવાબ આપ્યોઃ અરે ભાઈ, શરદીની ક્યાં વાત કરો છો? શરદી જ નહીં, પણ ઘરબાર, પરિવાર અને પૈસા બધું જ જાય. જોકે તીર્થધામ હરદ્વારના બે પીવાના શોખીનો પર જાણે ભગવાને 'છપ્પર ફાડકે' પૈસા વરસાવ્યા. બન્યું એવું કે એક જણે વ્હીસ્કી ખરીદી અને બીજાએ બીયર ખરીદી. દારૂના દુકાનદારે એક પાસેથી ૨૦ રૂપિયા વધુ લીધા અને બીજા પાસેથી ૧૦ રૂપિયા વધુ લીધા. ંબનેએ સવાલ કર્યો કે વધારે પૈસા શું કામ લ્યો છો? પણ વાઈનશોપવાળાએ દાદ ન દીધી. રાત ગઈ સો બાત ગઈ એમ વિચારી વાઈનશોપવાળા નિશ્ચિંત થઈ ગયા, પણ પીવાના બે શોખીનોએ હરદ્વારની કન્ઝયુમર રિડ્રેસલ ફોરમમાં ધા નાખી. ફોરમ તરફથી પણ વાઈનશોપવાળાને વધારાના ત્રીસ રૂપિયા પાછા વાળવા ચાર વખત ચાન્સ આપ્યો, પણ અક્કડ દુકાનદારો માન્યા નહીં. આખરે કન્ઝયુમર રિડ્રેસલ ફોરમે બંને પીવાના શોખીનોનો દાવો માન્ય રાખી તેમને પાંચ- પાંચ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો . આમ ૩૦ રૂપિયા વધુ લેવા જતા દારૂની દુકાનના માલિકોએ ૧૦ લાખ રૂપિયા ચૂકવવાની નોબત આવતા એમનો નશો જ ઉતરી ગયો. આ જોઈ કહેવું પડે કે-

નશો કરો પણ

અહંકાર અને અકડાઈને 

ન-શો કરો,

નહીતર પછી વગર પીધે

ઉતારે નશો એટલાં પૈસા ભરો.

દેરાણી- જેઠાણીનાં મંદિર

સંયુક્ત કુટુંબમાં રહેતા ભાઈઓનાં લગ્ન થાય અને દેરાણી- જેઠાણી આવે એ પછી મોટાભાગે એવું જોવા મળે છે કે બન્ને સ્ત્રીઓ વચ્ચે ચકમક ઝરે, ઝઘડા શરૂ થાય એટલે પછી કુટુંબમાં ભંગાણ પડે. બીજી તરફ દેરાણી-જેઠાણી જો સંપીને અને શાંતિથી રહે તો ઘર એક મંદિર બની જાય. અહીં વાત કરવી છે સદીઓ પહેલાં બંધાયેલાં દેરાણી- જેઠાણીનાં મંદિરોની. છત્તીસગઢના બિલાસપુરથી ૨૯ કિલોમીટર દૂર મનિયારી નદીના તટ પર ચોથી-પાંચમી શતાબ્દીમાં શરભપુરી શાસકોની સંપીને રહેતી બે રાણીઓએ દેરાણી- જેઠાણી મંદિરો બંધાવ્યાં હતાં. આ મંદિરો શિવજીને સમર્પિત છે. આ મંદિરમાં બીજે કયાંય જોવા ન મળે એવી ૭ ફૂટ ઊંચી અને ચાર ફૂટ પહોળી રૂદ્ર- શિવની ભવ્ય મૂર્તિ શોભે છે. દેરાણી અને જેઠાણીના બે જુદા જુદા મંદિર છે. છેલ્લાં દોઢ હજાર વર્ષથી કાળની થપાટો ખાઈને પડવાને વાંકે ઊભેલાં આ મંદિરોની અંદર જે દુર્લભ મૂર્તિઓ છે તેને જોઈ સહેજે કલ્પના કરી શકાય કે રાણીઓએ જ્યારે આ દેરાણી-જેઠાણી મંદિરો બંધાવ્યાં હશે ત્યારે કેવાં ભવ્ય લાગતાં હશે? 

હવે દેરાણી- જેઠાણી વચ્ચેના સંબંધોની વાત કરીએ તો જો પથ્થરના મંદિરો સદીઓ સુધી ટકી શકે તો પછી ઘરને મંદિર બનાવી શકે એવાં દેરાણી- જેઠાણી વચ્ચેના સંબંધો કેમ ન ટકી શકે? ટૂંકમાં, ઘરને મંદિર બનાવવા માટે  આ તોડકણું નહીં પણ ખરા અર્થમાં જોડકણું યાદ રાખવા જેવું છેઃ

સંસારી સંબંધોમાં આવ્યા કરે

તેજી અને મંદી રે...

આમાં જે જાળવી જાય

એણે પછી ન જવું પડે મંદિરે રે...

પંચ-વાણી

ભાષાવાદની ખોલે જે દુકાન

એના તમે આમળજો કાન,

વાદ નહીં ભાષાને  કરે જે વ્હાલ

એના હાથમાં સોંપજો સુકાન.

City News

Sports

RECENT NEWS