For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હાથીભાઈ માટે શાકાહારી નાસ્તો

Updated: Dec 16th, 2022

Article Content Image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

કીડીને કણ અને હાથીને મણ... એવી કહેવત છે. જંગલમાં ફરતા મહાકાય અને સંપૂર્ણ શાકાહારી  હાથીઓ પોતાનું ખાણું  ગોતીને પેટ ભરતા હોય છે, પરંતુ તામિલનાડુના મધુમલાઈ ટાઈગર રિઝર્વંમાં આવેલા  થેપ્પકાડુ  એલિફન્ટ કેમ્પમાં  હાથીઓ માટે  રોજ શાકાહારી નાસ્તો તૈયાર  કરીને તેમને ખવડાવવામાં આવે છે. એલિફન્ટ કેમ્પમાં હાથીની સારસંભાળ રાખતા રખેવાળો હાથીઓ માટે રાગી, ગોળ, ચોખા અને મીઠું  ભેળવી પશુચિકિત્સકની સીધી  દેખરેખ નીચે પૌષ્ટિક નાસ્તો  બનાવે છે. નાસ્તો એટલે આ ખાદ્યસામગ્રીના મોટા મોટા  ગોળા બનાવી હાથીઓને બ્રેકફાસ્ટ કરાવવામાં આવે છે. હાથી ખાય અને હરખાય, આમ રખેવાળાનો પ્રાણીપ્રેમ પર-ખાય. એવું કહેવાય છેને કે ઉપરવાળાએ દાંત આપ્યા છે તો ચવાણું પણ આપશે. ખરેખર ઉપરવાળો ચવાણું અને ખાણું આપે  છે છતાં  માણસજાતને  સંતોષ નથી હોતો. એટલે જ  કહેવું પડે છે કેઃ

કીડીને કણ

હાથીને મણ,

અવળચંડા માણસને

કાયમ ચણ-ભણ.

પુત્ર આઝાદ હિન્દ ફોજમાં જોડાય માટે માતાનું બલિદાન

તુમ મુઝે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા... એવા બુલંદ નારા સાથે  નેતાજી સુભાષચંદ્ર બોઝ પૂરી તાકાતથી  અંગ્રેજોનો  મુકાબલો  કરવા આઝાદ હિન્દ ફોજનું  ગઠન કરી રહ્યા  હતા. ઘરમાં ઘોડા થનગનતા હોય અને માભોમને  આઝાદ  કરવાની  તમન્ના હોય એવા જુવાનિયાઓ ફોજમાં ભરતી થવા આવવા માંડયા. 

કેપ્ટન ગુરુબક્ષસિંહ ઢિલ્લોં એક પછી  એક યુવકની ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ લીધા પછી  અચૂક એક સવાલ કરતા હતા કે, 'તમે તમારાં માતાપિતાના એકના એક સંતાન છો?' જો યુવક હા પાડે તો એને ફોજમાં ભરતી કરવામાં  ન આવતો. આવી જ રીતે એક  યુવક આવ્યો,  તે ફિટનેસ  ટેસ્ટમાંથી  પાસ થઈ ગયો પછી કેપ્ટન ગુરુબક્ષસિંહે પૂછ્યું કે  તારા  પરિવારમાં કોણ કોણ  છે? યુવકે જવાબ આપ્યો કે મારા ફેંમિલીમાં  બુઢી મા  છે, બીજું  કોઈ નથી. કેપ્ટને અફસોસ વ્યક્ત કરતાં કહ્યું  કે તારી પહેલી  ફરજ માતાને  સંભળાવાની છે એટલે  તને ફોજમાં ભરતી નહીં  કરી શકાય. 

યુવક ઉદાસ થઈને  ઘરે ગયો. બુઢી માતાને  બધી વાત કરી. માતાએ કહ્યું, જરાય નિરાશ થતો નહીં. બે-ત્રણ દિવસ પછી  પાછો  ભરતી માટે  જજે,  તને જરૂર  લઈ લેશે. ત્રીજે દિવસે યુવક ફરીથી વારો આવ્યો  એટલે કેપ્ટન સિંહ  ઓળખી ગયા અને બોલ્યા,  મેં  તને એક વાર કહ્યું કે તને ફોજમાં  સામેલ નહીં  કરી શકાય, છતાં કેમ  તું પાછો  આવ્યો?  તારે માતાની સંભાળ લેવાની છે એ ખબર નથી? યુવકે  ગળગળા સાદે  કહ્યું કે  કેપ્ટન સાહેબ,  મારી માતાએ કૂવામાં  પડી આત્મહત્યા કરી છે. મૃત્યુની  આગલી  રાત્રે  એટલું બોલી હતી કે 'મારે  કારણે મારો  બહાદુર બેટો    આઝાદી માટે  આઝાદ હિન્દ ફોજમાં  જોડાઈ ન શકે એ  તો બહુ શરમજનક કહેવાય.' આટલું  બોલી બીજે દિવસે  કૂવામાં  ઝંપલાવી  દીધું.  હવે હું  એકલો જ રહ્યો છું આ દુનિયામાં, હવે તો મને  ફોજમાં  લેશોને? કેપ્ટન  ગુરુબક્ષસિંહે  સજળ આંખે યુવકને ભરતી કર્યો. સુભાષબાબુ જ્યારે  ફોજનું નિરીક્ષણ  કરવાઆવ્યા ત્યારે કેપ્ટન સાહેબે ખાસ આ યુવકની ઓળખાણ કરાવી. તેનાં માતાના બલિદાનની દાસ્તાન  સાંભળી નેતાજી  સ્તબ્ધ બની  ગયા.  એ યુવકનું નામ હતું  અર્જુન સિંહ, જેણે  આઝાદ હિન્દ ફોજના ખમીરવંતા  સિપાહી  તરીકે નામ  રોશન કર્યું  હતું.  હિન્દી  દૈનિકમાં  આ કથા વાંચીને  ગદગદ  થઈ જવાય.  વીરમાતાને  સો-સો સલામ કરીને કહેવું પડે કે-

માભોમ માટે

માતાએ આપ્યું બલિદાન,

આજના નેતાઓ નહીં

આવી જ-નેતાઓ જ છે દેશની શાન.

મુફત કા ખાના બર્તન માંજના

'રામ ઔર શ્યામ'નો  ગામડિયો દિલીપકુમાર  હોટેલમાં  પેટ ભરીને  ખાય છે,  પછી  બિલ ચૂકવવા  પૈસા ન હોવાથી  હોટેલનો  માલિક ઢગલો  વાસણ  ઉટકાવે  છે એ  સીન યાદ છે? મધ્યપ્રદેશના જબલપુરમાં  એમબીએના  એક સ્ટુડન્ટની   આવી જ દશા થઈ.  આ ભાઈ  ઓળખાણ-પીછાણ વગર બનીઠનીને લગ્ન-સમારંભમાં  પહોંચી ગયા. કોઈને  શંકા ગઈ કે આ વણનોતર્યા મહેમાન  કોણ હશે?   એટલે પૂછ્યું, વરપક્ષ તરફથી છો કે કન્યા પક્ષ તરફથી? મુંઝાયેલો વિદ્યાર્થી જવાબ ન આપી શક્યો.એટલે પછી એની પાસે  વાસણ  ઉટકાવ્યા. મુફ્ત કા ખાના  ઔર  બર્તન માંજના. ઘણાં  શહેરોમાં  આવા મફતના   જમણ-બહાદુરોનો ત્રાસ છે.  સૂટ-બૂટ  ચડાવી  અને એકદમ  ટાપટીપ  કરી પહોંચી  જાય છે  લગ્નના જમણવારમાં  અને પછી  ત્રાપડ  બોલાવી  ટેસથી  જમી લે છે.  એટલે  જ યુપીમાં  થોડા વખત  પહેલાં એક  મેરેજના  જમણવારમાં  એન્ટ્રી વખતે  આધાર કાર્ડ  ચેક  કરવામાં આવ્યા હતા. કોઈ જગ્યાએ  કંકોતરી  પણ તપાસવાની   શરૂઆત  થઈ  છે. પુરૂષો જ નહીં, કેટલીક મહિલાઓ  પણ છૈયાં  છોકરાં  સાથે  પહોંચી  જતી હોય છે મફતના  જમણવારમાં. જો પકડાય તો  કેવી ફજેતી  થાય? આ બધા ફોગટિયા ભોજનપ્રેમીઓ  ઝડપાય  ત્યારે જે  ધજાગરો થાય છે  એ જોઈને કહેવું પડે કે અપમાનના અખરોટ ખાવા કરતાં  સ્વમાનની શિંગ ખાવી સારી.

પોપકોર્નના પૂર્વજોનો દસ હજાર વર્ષ જૂનો ઈતિહાસ

મુંબઈ, અમદાવાદ કે  દિલ્હી જેવાં શહેરોનાં મલ્ટિપ્લેકસ થિયેટરોમાં  બાઉલમાંથી પોપકોર્ન  ખાતાં ખાતાં અને ફિલ્મ  જોતાં કેટલાય  ફિલ્મ-શોખીનો પોતાને મોડર્ન  દેખાડવાનો  પ્રયાસ કરે છે, પણ એમાંથી મોટા ભાગના  પોપકોર્ન-પ્રેમીઓને  કદાચ  ખબર નહીં હોય કે પોપકોર્નના પૂર્વજો  દસ હજાર  વર્ષ પહેલાં  મેક્સિકોમાં  જન્મ્યા હતા.  પોપકોર્નનના આ પૂર્વજો  એટલે મકાઈના દાણા. ફૂડ  હિસ્ટોરિયન રશ્મી વારંગ  ખાણાં  અને ભાણાનું   મૂળ શોધીને કહે છે કે  મકાઈનો પાક લેવાની શરૂઆત દસ હજાર વર્ષ પૂર્વે  મેક્સિકોમાં  થઈ હતી. મકાઈના દાણાને  શેકવાથી  પોપકોર્ન બને એ વિચાર કેવી રીતે  આવ્યો હશે?  

એવાં  સવાલના  જવાબમાં  એક દંતકથા છે. કોઈએક ગામના ખેતરોમાં  મકાઈ  ઉગાડવામાં આવી હતી. ભરઉનાળાના ટાલકું  તોડી  નાખે  એવાં  તાપમાં  મકાઈના દાણા તપી તપીને  ધાણીની જેમ  ઉડવા માંડયા. આ જોઈને  લોકોને  વિચાર આવ્યો કે મકાઈના દાણાને  શેકવાથી  હલકીફુલકી  ધાણી બને. આમ, મેક્સિકોથી પોપકોર્ન અમેરિકા  પહોંચ્યા હવે બીજો  પ્રશ્ન  એ થાય કે ફિલ્મ થિયેટરો  અને ટોકીઝો  સાથે પોપકોર્નનો સંબંધ કેવી રીતે જોડાયો?  એમાં  એવું થયું કે  બીજા વિશ્વયુદ્ધ વખતે  અમેરિકામાં   સાકરની તંગી  સર્જાઈ. થિયેટરોમાં વેંચાતા  આઈસક્રીમ, કેન્ડીના ભાવ  ખૂબ જ વધી ગયા.  આના વિકલ્પ તરીકે  થિયેટરોમાં પોપકોર્ન  વેંચવા  માંડયા.   જોતજોતાંમાં  પોપકોર્નનું  વેચાણ ત્રણ ગણું વધી ગયું. લોકો પોપકોર્ન  ખાઈને કચરો  ફેંકતા તેની સમસ્યા  ઊભી થઈ.   થોડો  સમય થિયટેરોમાં  પોપકોર્ન ખાવા પર પ્રતિબંધ  મૂકાયો. જો કે આ  પ્રતિબંધ  લાંબો ટક્યો  નહીં. કચરો ન થાય એ રીતે  પોપકોર્ન  ખાવાના વિકલ્પ શોધાયા.પછી તો  થિયેટરોમાં ફિલ્મની ટિકિટના  વેચાણમાંથી  કમાણી થાય એનાંથી  વધુ કમાણી પોપકોર્નના વેચાણમાંથી  થવા  માંડી. ત્યારે  પછી અમેરિકાથી  આ પોપકોર્ન  લાંબો પ્રવાસી કરીને  ભારત અને અન્ય દેશોમાં  પહોંચી.  મકાઈની  ધાણીને પોપકોર્ન  જેવું  મઝેદાર નામ  અપાયું.   

જોન-રસલ  બાર્લેટ  નામના લેખકે.  બાર્લેટના ૧૮૪૮માં  પ્રગટ થયેલા પુસ્તકમાં  પહેલી  વખત મકાઈની ધાણી માટે  પોપકોર્ન  એવો શબ્દ વપરાયો.   આજે અમેરિકાના ઈલિનોઈ રાજ્યમાં પોપકોર્નને  સ્ટેટ-સ્નેકનો   દરજ્જો  આપવામાં આવ્યો છે. દુનિયાભરમાં ફરી વળેલા પોપકોર્નની લોકપ્રિયતા  જોઈને કહેવું પડે કે-

વો કૌન હૈ વો કૌન હૈ

વો કોર્ન હૈ વો કોર્ન હૈ,

હલકાફુલકા ઔર ટેસ્ટી  ટેસ્ટી

ભૂખ ભગાતા યે પોપ-કોર્ન હૈ.

પંચ-વાણી

માતા ન થાય કુમાતા,

પણ એ જ માને ધકેલે  ઘરડાઘરે

જ્યારે ક-પૂત થાય ક-માતા.

Gujarat