For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વરરાજા બનવા દાઢી નાખો વાઢી .

Updated: Jul 8th, 2022

Article Content Image

- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

આજના જમાનામાં  લગ્નપ્રસંગે ઘણા ફેશનપરસ્ત દુલ્હારાજા ફ્રેન્ચ-કટ દાઢી કે કલરફુલ દાઢીમાં   વાજતેગાજતે  ઠાઠમાઠથી  માંડવામાં પરણવા  બેસે છે, પરંતુ રાજસ્થાનના પાલી  જિલ્લામાં  એક સમાજે  ફરમાન  બહાર પાડયું  છે કે જે દાઢી  સફાચટ કરાવશે  એ જ વરરાજા  બની શકશે.  જુદા જુદા  ૧૯ ગામોના પ્રતિનિધિઓની સભામાં  સર્વાનુમતે  આ  નિર્ણય  લેવામાં આવ્યો કે  વરરાજાએ  'કલીન-શેવ' કરાવીને જ લગ્ન-મંડપમાં  આવવું પડશે.  દાઢી વધારેલી હશે એ  દુલ્હારાજા બની નહીં શકે. આ નિર્ણય  પાછળનું કારણ આપતા જણાવાયું  કે લગ્ન એક  સંસ્કાર છે, જેમાં  દુલ્હાનો  દેખાવ  રાજા જેવો  હોવો જોઈએ.  દાઢી વધેલી હોય અને એવા ચહેરે  પરણવા  બેસે એ  અશોભનીય   લાગે.  આ રીતે  લગ્ન-મંડપમાં   વરરાજા બેસે એ  સમાજને માન્ય  નથી. દાઢી કરાવીને  આવવાના ફરમાનની  સાથે જ ખોટા ખર્ચા  ટાળવાને  લગતા  સુધારાવાદી  નિર્ણય લેવાયા છે. જોકે  દાઢી કઢાવવાના  ફરમાનની  ચારે બાજુ ચર્ચા છે. એટલે  જ કહેવું પડે કે-

બનવું હોય જો દુલ્હારાજા

તો દાઢી નાખજો વાઢી,

લગન પડતાં મૂકાશે  

કઢાવશો નહીં જો દાઢી.

સુવર્ણ મંદિરમાં કિર્તન  સાથે હાર્મોનિયમ સાંભળવા નહીં મળે

અમૃતસરના સુવર્ણ મંદિરમાં  દર્શને  જઈએ ત્યારે  પવિત્ર વાતાવરણમાં  હોર્મોનિયમને  સથવારે  થતાં કિર્તનની સૂરાવલી  સાંભળીને મન પ્રસન્ન  થઈ જાય.  પરંતુ  આવનારા   દિવસોમાં  સુવર્ણ મંદિરમાં હાર્મોનિયમની  સુરાવલી સાંભળવા  નહીં મળે.  શ્રી અકાલ તખ્ત સાહિબના  જથ્થેદાર જ્ઞાાની  હરપ્રીતસિંહના આદેશ બાદ  આગામી  ત્રણ વર્ષમાં  રાગી જત્થા  દ્વારા  હાર્મોનિયમ વગાડવાનું  બંધ કરવામાં  આવશે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટિએ પણ આ આદેશને લાગુ કરવાનો નિર્ણય લીધો છે. હોર્મોનિયમનો વપરાશ બંધ કરવા પાછળ એવો  તર્ક આપવામાં  આવ્યો છે કે ગુરુઓ  તરફથી ક્યારેય   ભક્તિ સંગીતમાં  હાર્મોનિયમનો  ઉપયોગ કરવામાં  નહોતો આવતો.  ભારતમાં  હાર્મોનિયમ તો અંગ્રેજો   તરફથી  આપવામાં  આવેલું સાજ છે.  બ્રિટિશ રાજ વખતે ૧૯૦૧માં   પહેલીવાર  સુવર્ણ મંદિરમાં  હાર્મોનિયમ લાવવામાં આવ્યું અને  આ સાજ  સાથે  કિર્તન ગાવાની શરૂઆત થઈ. આમ ૧૨૨ વર્ષે હાર્મોનિયમ વાગતું બંધ  થશે  અને તેની   જગ્યાએ  ભારતીય વાદ્યની  સંગાથે કિર્તન  સાંભળવા  મળશે. અનેક સંતો  એકતારાના  ઝણકાર  સાથે જ  ભજન-કિર્તન  ગાતા આવ્યા છેને?  એ સ્વરથી  ઈશ્વર સુધીની  આ સ્વરયાત્રામાં  તલ્લીન  થઈને  મનોમન  ઈશ્વરને   સંબોધીને  કહેતા  હોય છે કે  એક-તારો આધાર અને એકતારો આધાર.

ગધેડી પાળો અને નફો ભાળો

યુવાનો સામાન્ય રીતે  ભણીગણીને આઈ.ટી. કંપનીમાં જંગી  પગારવાળી  અને સુખસાહેબીવાળી નોકરી મેળવવાનું સપનું સેવતા  હોય છે, પરંતુ ભણ્યા પછી કોર્પોરેટ સેકટરની  ઊંચા  પગારની નોકરી છોડી  કોઈ યુવાન  ગધેડા ઉછેરવા  માટે ડોન્કી-ફાર્મ  શરૂ કરે ત્યારે ખરેખર આશ્ચર્ય થાય. આ નોખી  માટીના કર્ણાટકના  શ્રીનિવાસ  ગૌડાએ  દક્ષિણ કન્નડા  જિલ્લામાં  વિશાળ ડોન્કી-ફાર્મ શરૂ  કર્યું છે. કંઈક નવું કરવા માગતા  શ્રીનિવાસને વિચાર આવ્યો કે ગધેડીનું  દૂધ હજારો રૂપિયે લીટર ેવેચાય છે  તો ગધેડા-ગધેડીને ઉછેરવાનું  શરૂ કરીએ  તો લાભ થાય. ફાર્મ શરૂ  કરતાં ંપહેલાં  આખા દેશમાં  ૧.૬  લાખ કિલોમીટરનો પ્રવાસ ખેડયો અને ગર્દભોની  શું સ્થિતિ છે તેનો  અભ્યાસ  કર્યો. તેના ધ્યાનમાં આવ્યું  કે ગધેડાની  આબાદી સતત ઘટવા માંડી છે. ૨૦૧૨માં ગણના થઈ ત્યારે ભારતમાં ૩.૬ લાખ ગર્દભો  હતા. ત્યાર પછી ૨૦૧૯માં  ગણના થઈ ત્યારે સંખ્યા ઘટીને ૧.૨૭ લાખ થઈ ગઈ હતી એટલે  તેણે કર્ણાટક પાછા ફરીને  ડોન્કી-ફાર્મ શરૂ કર્યું. ભારતનું પહેલું  ડોન્કી-ફાર્મ  કેરળમાં  શરૂ થયું અને બીજું કર્ણાટકમાં  સ્થપાયું. મોટી ઉધરસમાં  જેમ ગધેડીનું  દૂધ અક્સીર ગણાય છે એમ બીજા અનેક ઔષધીય ગુણો  ધરાવતું  ગધેડીનું  દૂધ  આ ફાર્મમાંથી  ૫૦૦૦ રૂપિયે   લીટર વેંચાય છે. ઉપરાંત ગધેડાની લાદ અને મૂત્રમાંથી જે     કુદરતી  ખાતર બને છે  એ પણ ૮૫૦થી ૧૦૦૦ રૂપિયે  કિલો વેંચાય છે. કહેવાય છે કે ક્લિયોપેટ્રા  ગધેડીના  દૂધથી  સ્નાન કરતી.  એટલે હવે  ગધેડીનું  દૂધ કોસ્મેટીક્સ    ઈન્ડસ્ટ્રીમાં   પણ ઉપયોગમાં  લેવાશે. બાળકોને  માટે આ  દૂધ બહુ  ગુણકારી  મનાય છે  એટલે   હવે દૂર  દૂરથી   લોકો આ ડોન્કી ફાર્મમાં  દૂધ અને  ખાતર ખરીદવા  આવવા માંડયા છે. જો કોર્પોરેટ સેક્ટરમાં  નોકરી ચાલુ રાખી હોત  તો બાંધેલા પગારથી  સંતોષ  માનવો  પડત,  પરંતુ શ્રીનિવાસે ગર્દભ-ઉછેર કેન્દ્ર શરૂ કરતાં એની આવક વધવા માંડી છે. આ એકદમ  હટકે  વ્યવસાય શરૂ કરનારા  સાહસિકને જોઈ કહેવું પડે કે-

ગર્દભ પ્રત્યેની  સુગ ટાળો

ગધેડા-ગધેડી પાળો ને નફો  ભાળો.

સાસ-બહુ મંદિર

ઘરમાં સાસુ અને વહુ વચ્ચે કાયમ ચકમક ઝરતી હોય અને તડાફડી ફૂટતી  રહેતી હોય તો   એ ઘર  કજિયાઘર બની જાય છે,  પણ જો  ઘરમાં  સાસુ અને વહુ સંપીને  રહેતા હોય તો ઘર મંદિર બની જાય છે.  આમ  તો આપણાં  દેશમાં  કરોડો મંદિરો છે,  પણ  બધાંથી  નોંખું  તરી આવે એવું    સાસ-બહુ મંદિર જોવું હોય  તો રાજસ્થાનમાં ઉદયપુર નજીક નાગદા ગામે જવું પડે.  ઈતિહાસ પર નજર  નાખતા એવું  જાણવા મળે  છે કે  ૧૦મી કે ૧૧મી સદીમાં  રાજા મહિપાલે  આ મંદિર  બંધાવ્યું હતું.  રાજાની  રાણ ભગવાન  વિષ્ણુની  અનન્ય  ભક્ત હતી.  એટલે રાજાએ  રાણી માટે   વિષ્ણુ મંદિર બંધાવ્યું. ત્યારબાદ રાજાના કુંવરની   પત્ની શિવભક્ત હતી એટલે  પુત્રવધૂ માટે વિષ્ણુ મંદિરની બાજુમાં જ શિવજીનું  મંદિર પહેલું બંધાયું જે સહસ્ત્રબાહુ મંદિર તરીકે   જાણીતું  થયું. કાળક્રમે  સહસ્ત્રબાહુનું અપભ્રંશ સાસ-બહુ  થઈ ગયું.  જો કે કુદરતી  રીતે જ  બન્ને મંદિરનો  સંબંધ  સાસુ-વહુ સાથે તો ખરો જ ને?  એટલે ટૂંકમાં  ઘરને  મંદિર બનાવવું હોય એ  સાસુ-વહુએ આ મંદિરના દર્શન કરી આવવા જોઈએ.

પીયક્કડ કૂકડો

મહારાષ્ટ્રમાં  દારૂબંધી નથી  એટલે  ઠેર ઠેર  દારૂની બંધાણી જોવા મળે છે. મહારાષ્ટ્રમાં  પીયકક્ડો દરરોજ કરોડો  રૂપિયાનો દેશી  અને વિદેશી દારૂ ગટગટાવી  જાય છે. 

 માણસો  તો દારૂ ઢીંચીને  નશો કરતા  જોવા મળે, પણ મહારાષ્ટ્રના ભંડારામાં પીવાના ખરા શોખીન કૂકડાને  જોવા ઘણા  લોકો આવે  છે. એમાં  એવું થયું કે  એક વાર  આ કૂકડો માંદો પડયો ત્યારે  તેના માલિકે ઈલાજ ં માટે  મહુડાનો દેશી દારૂ પીવડાવવા માંડયો.  કૂકડો 'દવા-દારૂ'થી  સાજો તો  થઈ ગયો,  પણ નશો  કરવાની  આદત પડી  ગઈ. દારૂ આપવામાં ન આવે તો  એ કકળાટ  નહીં કૂકડાટ કરી મૂકે, ચાંચ મારવા દોડે   અને  ઠેકાઠેક  કરી ઘર માથે લે. 

 એટલે   પહેલાં મહુડાનો દારૂ પીવડાવતા   અને પછી ઈંગ્લિશ  દારૂ  પીવડાવવા માંડયા.   રોજ ૪૫ એમ.એસ.  દારૂ પેટમાં  જાય પછી  જ કૂકડાને  જરા કાંટો આવે છે, અને કૂકરે... કૂક કરતો  પૂંછડી ફરફરાવતો  ફરવા માંડે  છે.  મોડર્ન  જમાનાના  માણસો  કોક-ટેઈલ પાર્ટી કરે તો  ખુદ કૂકડો કેમ કોક-ટેઈલ  પાર્ટી ન કરે?

પંચ-વાણી

સાડીમાં શોભે પાલવ

લાડીમાં ન શોભે પા-લવ.

Gujarat