એક અનોખી રામનામ બેન્ક


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

બેન્કોમાં કરોડોના ગોટાળા થાય, બેન્કો પાસેથી  કરોડો રૂપિયાની  લોન પડાવી ભાગેડુઓ  'ભારત છોડો'નો નવા અર્થમાં  નારો લગાવી  પરદેશ પલાયન  થઈ  જાય, કૈંક બેન્કો  ફડચામાં  જાય અને  ખાતેદારોએ  રાતે  પાણીએ  રોવાનો  વારો આવે.  આવાં  સમાચારો  છાશવારે  છાપે  ચડતા હોય છે.  પણ દેશમાં  એક એવી  અનોખી બેન્ક ખુલી છે જ્યાં ધનનો  નહીં પણ  રામરતન  ધનનો વ્યવહાર થાય છે.  રામ જન્મભૂમિ અયોધ્યાની આંંતરરાષ્ટ્રીય શ્રી સીતારામ નામ બેન્ક મંદિર  - આ બેન્કનું  નામ જ છે.  રામનામ બેન્ક પ્રભુ રામજીમાં  પરમ  શ્રદ્ધા ધરાવતા ભક્તો રામનામ બેન્કમાં  ખાતું ખોલાવે  તેને પાસબુક  આપવામાં આવે છે. ખાતેદારે  એટલું  કરવાનું - શ્રી રામ... શ્રીરામ... નોટબુકમાં લખતા  જવાનું.  હજાર, લાખ, બે લાખ, પાંચ લાખ એમ  જેટલા વખત રામનામ લખાય એ  નોટબુક રામનામ બેન્કમાં  જમા કરાવી આવવાની. લોકો  વધુમાં વધુ રામનામનું  સ્મરણ  કરે અને  રામમય બને, બસ, એ  જ  આ રામનામ બેન્કનો  ઉદ્દેશ છે. જરા વિચાર કરો કે ધન કરતાં રામરતન ધન કેટલું  અમૂલ્ય છે એ સદીઓ  પહેલાં  જાણીને  મીરાબાઈએ  ગાયેલું ને કે - 

 પાયોજી  મૈંને  રામરતન ધન પાયો... 

વસ્તુ  અમોલક દી મેરે  સતગુરુ  

કૃપા કર અપનાયો... 

નાળિયેરની કાચલીમાં ચા

ચા વેંચતાં  વેંંચતાં  કંઈક જુદું  કરી દેખાડવાની  ચાહ  હોય અને  આગળ સાચો રાહ હોય તો  ચાવાળામાંથી વડાપ્રધાનના સર્વોચ્ચ  આસન પર પહોંચતા કોઈ રોકી નથી  શકતું એ નરેન્દ્ર મોદીએ  સાબિત કરી દીધું છે.  શરૂઆત ભલે નાની હોય , પણ નવી  હોય તો  સહુનું  ધ્યાન  આકર્ષે  છે.  દરિયા કિનારે  ટહેલતા ઘણા લોકોને  તમે નાળિયેર પાણીને બદલે  નાળિયેરની  કાચલીમાં  ચાની ચુસ્કી  લેતા શોખીનોને  જોવા હોય તો ચેન્નઈના મરીના બીચ પર  દિનકરન નામના યુવાનની ચાની ટપરી પર  જવું પડે. પ્લાસ્ટિકના  કપમાં જો  ચા આપે તો  પ્લાસ્ટિકનો કચરો વધે.  કાગળના કપમાં  આપી શકાય, પણ કાગળ બનાવવા પાછળ વૃક્ષો કપાતાં હોય છે એ  જાણીને  દિનકરને  નાળિયેરની  કાચલીઓમાંથી  સરસ મજાના નાકાવાળા  કપ બનાવ્યા.   આ  કપને નામ આપ્યું - ઓર્ગેનિક ટી-કપ.  હવે આ કપથી આકર્ષાઈને  લોકો  તેની ટપરી પર  ચા પીવા  આવે છે.  દિનકરન  પણ ઓર્ગેનિક  કપમાં ચા ભરી  ભરીને  હોંશે હોંશે  ગ્રાહકોેને પીવડાવે ત્યારે   'જબ જબ ફૂલ ખીલે' ફિલ્મનું  ટાઈટલ બદલીને  કહેવું પડે કે-

 કપ કપ 'ફુલ' ભરે.

પ્લાસ્ટિકના કચરાના બદલામાં ભોજન

પ્લાસ્ટિકના  કચરાથી  પર્યાવરણને  પારાવાર  નુકસાન થાય  છે એટલે જ પ્લાસ્ટિક  પર પ્રતિબંધ મૂકતા કાયદા અમલમાં   આવ્યા  છે. આમ  છતાં કાનૂનની  ઐસીતૈસી  કરી પ્લાસ્ટિક વાપરનારાઓ ક્યા સમજે છે? પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના રાજમાં   પણ પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા  માટે કાયદો   ઘડી  ૨૫ માઈક્રોનની  પ્લાસ્ટિકની  થેલી પર  પ્રતિબંધ   મૂક્યો છે.  કાયદાનો ભંગ  કરનાર દુકાનદારને   ૫૦૦ રૂપિયા અને  થેલીમાં  માલ લઈ જનાર  ગ્રાહકને  ૫૦ રૂપિયા  દંડની જોગવાઈ  છે.  છતાં ઘણા લોકો માનતા નથી. શાક માર્કેટ  અને મચ્છી માર્કેટમાંથી  ખરીદી કરી  પ્લાસ્ટિકની  થેલીઓમાં  લઈ જાય છે, એટલું જ નહીં,  ગમે ત્યાં  ફેંકે છે.  આ સમસ્યા નિવારવા   કલકત્તાના  એક સામાજિક   સંગઠને  અનોખી  પહેલ કરી  છે. જે કોઈ  વ્યક્તિ  ૫૦૦ ગ્રામ  પ્લાસ્ટિકની  થેલી  અથવા તો  પ્લાસ્ટિકનો  ભંગાર  વીણીને  લાવશે   તેને બદલમાં  ભાત અને  ઈંડાનું  ભોજન  આપવામાં આવશે.  આ પહેલને સારો પ્રતિસાદ મળ્યો છે. કચરો  વીણવાવાળા જ નહીં, બીજા  જરૂરિયાતમંદો   પણ પ્લાસ્ટિક વીણી વીણી આપી જાય છે  અને બદલામાં  પેટ ભરીને  ખાણું ખાઈ જાય  છે. એટલે એક તો  પ્લાસ્ટિકનો  કચરો  ઓછો થાય છે અને  બીજું  ગરીબોને   ભોજન  પણ મળે છે. આ જોઈ કહેવું પડે કે -

સરકાર ગાય ઠાલાં

વચનોનું  ગાણું,

પણ પરેશાની મુક્ત થવા

પહેલાં ગરીબોને આપો ખાણું.

દુલ્હા-દુલ્હન કરે ડ્રાઉં-ડ્રાઉં

ભારતના અનેક  વિસ્તારોમાં  અતિવૃષ્ટિ   અને નદીઓના પૂરે ભારે ખાનાખરાબી  કરી છે ત્યારે બીજી  તરફ  ઉત્તર પ્રદેશના  એક ક્ષેત્રમાં  સામાન્ય કરતાં  ઓછો વરસાદ  પડતા લોકો ચિંતામાં  પડી ગયા હતા.   ખાસ તો  ખેડૂતોના  મનમાં ફફડાટ  પેઠો કે  મેઘરાજાની મહેર નહીં  થાય તો શું  થશે?  વરસાદ વરસે એ માટે  સહુએ ભેગા  થઈને   મંદિરમાં દેડકા-દેડકીના વિધિવત  ધામધૂમથી  લગ્ન  કરાવ્યાં.  એવી માન્યતા  છે કે આ રીતે દેડકા-દેડકીને પરણાવવાથી   મેઘરાજા રાજી   થઈ વરસાદ  વરસાવે છે અને  દુકાળના ઓળા દૂર થાય  છે.  દેડકા-દેડકીનાં  લગ્નની માન્યતા વિશે, જાણીને મનમાં સવાલ થાય કે જે ક્ષેત્રમાં  બારેમેઘ ખાંગા થઈને  વરસી પડે  અને અતિવૃષ્ટિ  થવા માંડે ત્યારે  વરસાદ બંધ થાય માટે  દેડકા-દેડકીને છૂટાછેડા અપાવવાની  કોઈ માન્યતા હશે? 

આઝાદીના અમૃત મહોત્સવમાં 75 જાતના ભાત

હિન્દુસ્તાનને આઝાદી મળ્યા પછી રાજકારણને રસોડે  રોજેરોજ  કંઈકને કંઈક નવું રંધાતું જ રહે છે.  છેલ્લા થોડા દાયકા  દરમિયાન અવારનવાર ભોજનિયા  રાજકારણની  સોડમ આવે છે, પરંતું આઝાદીના  અમૃત મહોત્સવ નિમિત્તે  સંતરાના શહેર તરીકે  જાણીતા  નાગપુરના   એક જાણીતા  પાકશાસ્ત્રી  વિષ્ણુ મનોહરે   પોણા પાંચ  કલાકમાં ૭૫ પ્રકારના   ભાત રાંધીને  અનોખો વિશ્વ-વિક્રમ કર્યો હતો.   

પનીર પુલાવ,  સ્પ્રાઉટ રાઈસ,  લીલોછમ્મ હરિયાળો  પુલાવ,  મસાલા ભાત, ભાજી ભાત વગેરે જેવા ૭૫ પ્રકારની  'રાઈસ પ્લેટ'માં સૌથી વધુ  ધ્યાન ખેંચ્યું  હતું, બાંબુ-રાઈસ વાનગીએ. આપણને કોઈ ચોખાના નામ  પૂછે તો બાસમતી, કોલમ જેવાં બે-ચાર નામ માંડ  આપી શકીએ,  જ્યારે  આ પાકશાસ્ત્રીએ મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ,  પશ્ચિમ  બંગાળ સહિતના   પ્રાંતોમાં ઉગાડવામાં  જુદા જુદા  પ્રકારના   ચોખામાંથી  ૭૫ રાઈસ-ડિશ બનાવી હતી.  આટલા  બધી ભાતની  વરાઈટી  તૈયાર  કરવા માટે  ૩૭૫  કિલો ચોખા વાપરવામાં   આવ્યા  હતા.   વિક્રમ નોંધાયા પછી  આ સ્વાદિષ્ટ  ભાત અનાથાશ્રમ,  વૃદ્ધાશ્રમ, અંધ-વિદ્યાલયમાં   મોકલવામાં આવ્યા હતા.  એક દોહો છેનેઃ  તુલસી ઈસ  સંસાર મેં  ભાત ભાત કે લોગ... એ દુહો  જરા ફેરવીને  કહી શકાય કે - 

તુલસી  ઈસ સંસારંમાં મેં ભાત ભાત કે ભાત....

પંચ-વાણી

મેરેજની મોસમ હોય છે, પણ મેરેજ કર્યા પછી મોસમ બદલાઈ જાય છે.

City News

Sports

RECENT NEWS