કૃત્રિમ હાથોની કરામત... બાળકને બહાર કાઢે સલામત

Updated: Dec 2nd, 2022


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

ખાડો ખોદે તે પડે  એ કહેવાત  બોરવેલ ખોદનારા બેદરકાર  લોકોએ  ખોટી પાડી છે, કારણ કે કૂવો  કોઈ  ખોદે અને પડે બીજા. બોરવેલ ખોદીને પછી ઢાંકણ વગર ઉઘાડા મૂકી  દેવાતા હોય છે.  એમાં  પડી જઈ આજ સુધીમાં અનેક બાળકોએ  જીવ ગુમાવ્યો છે, તો બીજી તરફ  અપવાદરૂપ કિસ્સામાં  'પ્રિન્સ' જેવાં  બાળકોનો કલાકોની જહેમત બાદ ચમત્કારિક  બચાવ પણ કરવામાં આવ્યો છે.  દેશમાં આજની  તારીખમાં  લગભગ પોણા ત્રણ કરોડ બોરવેલ  છે. એ  બોરવેલમાં બાળક પડી ન જાય એ માટે તકેદારી  રાખવામાં આવે છે. એટલે જ  મદ્રાસ આઈઆઈટીના રિસર્ચ  સ્કોલર  એસ.વી. રામસ્વામીએ   અજબનું  રેસ્ક્યુ   મશીન બનાવ્યું છે. કેમેરા ફિટ કરેલા આ રેસ્કયુ  મશીનમાં  કૃત્રિમ હાથ જોડવામાં આવ્યા છે. ધારો કે કોઈ બાળક  બોરવેલમાં પડી જાય ત્યારે સહુથી પહેલાં આ મશીનને  અંદર ઉતારવામાં આવતા કેમેરાની આંંખોને  લીધે  બાળક કેટલે  ઊંડે  અને કઈ સ્થિતિમાં  છે એની  ખબર પડયા પછી  કૃત્રિમ હાથની મદદથી બાળકને આસાનીથી  ઉપર ખેંચી શકાશે. આ યંત્રથી કેટલાય બાળકોના જીવ બચાવી શકાશે. એટલે જ કહેવું પડશે કે-

કૂવે પડેલાને કાઢવા

તંત્ર ઉધમ મચાવે,

એનાં કરતાં કેવું સારું કે

યંત્ર હેમખેમ બચાવે?

જાડાને મળ્યા જામીન

અંધેરી નગરી અને ગંડુ રાજાના તરંગી રાજમાં શોધી જાડા નરને ચડાવો  શૂળીએ એવાં ફરમાન થતાં એવું  બાળવાર્તામાં  વાંચ્યું છે, પરંતુ અત્યારના લોકશાહી રાજમાં જો જાડા નરને તેની સ્થૂળ કાયાને લીધે જેલમાંથી  છુટકારાનો પણ મોકો મળે છે.  પંજાબ  બાજુ  મની લોન્ડરિંગ કેસમાં  પકડાયેલા એક ભારેખમ કાયા ધરાવતા આરોપીને  જેલમાં ખોંસી દેવામાં આવ્યો હતો. આ  મિસ્ટર મેદસ્વીનું વજન હતું ૧૫૩ કિલો. ચાર કેદીની જગ્યા રોકે એવી  કાયા  સાથે જેલમાં  આ ભારેખમ ભાઈને બહુ તકલીફ પડવા માંડી. અધૂરામાં પૂરું, એની તબિયત પણ બગડવા માંડી. આથી તેણે પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં  જામીન મેળવવા ધા નાખી.  અદાલતે પણ તેની આ ખરેખરી તકલીફો ધ્યાનમાં  લઈ  મેદસ્વીપણું  જ બધી બીમારીઓના મૂળમાં છે એટલે આ  સ્થિતિ આરોપી માટે ઘાતક ઠરી શકે  એમ હોવાથી તેણે  તત્કાળ જામીન પર મુક્ત કરવામાં આવે  એવો  આદેશ આપ્યો.  બોલો, મેદસ્વીપણાને  કારણે  કારાગૃહમાંથી  છુટકારો થાય એ જાણીને આશ્ચર્ય  જ થાયને? એટલે કહેવું પડે કે-

જેલમાંય કસરત કરતા

ચાલબાજોને જાણ કરને?

જામીન મળી ગયા 

જાડા નરને.

વૃક્ષરક્ષણ માટે અનોખો પ્રયોગઃ પંચાયત આપે મફત ગરમ પાણી

શિયાળાની  કડકડકતી  ઠંડીમાં  ગામડાના લોકો લાકડાં બાળીને નહાવા માટે  ગરમ પાણી કરે છે, કારણ કે શહેરની  જેમ બાથરૂમમાં  ઈલેક્ટ્રિક ગીઝરની  સગવડ ક્યાં મળે? એટલે શિયાળામાં  માત્ર ગરમ પાણી કરવા માટે  કેટલા લાકડાં બાળવામાં આવતા હશે?  મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના રેંગેપાર  ગામડાની પંચાયતવાળાને આ વિચાર  આવ્યો કે  પાણી ગરમ કરવા માટે લાકડાં  બાળવામાં આવે એના કરતાં વૃક્ષો  બચાવવા પંચાયત તરફથી મફત પાણી આપવું જોઈએ. તરત જ ૧૮૭૯ લોકોની વસતીવાળા ગામડામાં  દોઢ હજાર લીટરની  પાણીની ટાંકી છે  તેની  સાથે સોલાર વોટર  હિટર  લગભગ  ત્રણ લાખના ખર્ચે  ગોઠવવામાં આવ્યું.  એટલે હવે  ગ્રામજનોને રોજ સવારે  પંચાયત તરફતી નહાવા માટે  સાફ મફત  ગરમ  પાણી આપવામાં આવે છે. સવારથી  ગરમ પાણી માટે ડોલ લઈ લઈને લોકો લાઈનમાં ઊભા રહી જાય છે. હારબંધ  ડોલ લઈને ઊભા રહેતા આ 'ડોલકરો'ને જોઈ ગાવાનું  મન થાયઃ મન 'ડોલે' મેરા તન ડોલે...  

ખોબા જેવડા રેંગેપાર (કોહળી) ગામે  સંત ગાડગે બાબા સ્વચ્છતા અભિયાન હેઠળ પહેલું ઈનામ મેળવ્યું છે. ગ્રામ પંચાયતની માલિકીની  ૧૦૦ એકર જમીન પર  મોટા પાયે વૃક્ષારોપણ  કર્યું છે. આ શિયાળેથી  ગ્રામજનોને મફત ગરમ પાણી આપવાની શરૂઆત થતાં કેટલાં બધા  વૃક્ષોનું  નિકંદન  નીકળતું  અટકી જશે?  સરપંચ  મોહન બોરકર કહે છે કે, 'ગરમાગરમ પાણીથી નાહીને એકદમ ફ્રેશ અને સ્વચ્છ થઈને ગામ લોકો પોતપોતાના  કામધંધે  રવાના થાય  છે. પાણી ગરમ કરવાનો સમય પણ બચે  અને વૃક્ષો પણ બચે માટે આ અનોખો નુસખો  અજમાવાયો છે.' 

ગામડાનું જીવન જોયુંને? ટાઢમાં મફત ગરમ પાણીએ નવડાવવાની ભાવના છે, જ્યારે શહેરોમાં તો પૈસા પડાવી નવડાવી નાખનારા કેટલાય ભટકાય છે.

ચલ દરિયા મેં ડૂબ જાયેં

દોનો કિસી કો  નઝર નહીં આયેં, ચલ દરિયા મેં  ડૂબ જાયંે... આ હિન્દી ગીતમાં જેનાં હૈયાં  હિલાળા લેતા હોય એવાં પ્રેમી  પંખીડાની પ્રેમભાવનાનો પડઘો  સંભળાય  છે, પણ મોહબ્બતના કેફમાં નહીં... પરંતુ મદિરાના નશામાં મુંબઈ નજીક વસઈના કિનારે ઊભેલી ફિશિંગ બોટનું લંગર ઉપાડી એન્જિન ચાલુ કરી એક મજૂર નીકળી પડયો  દરિયામાં  જોય-રાઈડ  માટે. બોટ કઈ  દિશામાં હંકારે છે એનું કાંઈ  ભાન નહીં. બસ, એ  તો  એના તોરમાં ને તોરમાં જાણે  'બંદર છો દૂર છે જાવું જરૂર છે, બેલી તારો બેલી તારો બેલી તારો તુંજ છે...' એવું કોઈ ગીત લલકારતો નીકળી પડયો. સાઈકલ કે  મોટરસાઈકલ કોઈ ઉપાડી જાય, પણ આખેઆખી બોટ કોણ ઉપાડી જાય?  બોટના માલિકે  કિનારે બોટ ન દેખાતા દોડાદોડી  કરી મૂકી.લોકલ પોલીસને  ફરિયાદ કરી એટલે બોટ ગુમ થયાની કોસ્ટ ગાર્ડને  જાણ કરવામાં આવી. સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા પછી ૩૬ કલાક બાદ વસઈના કિનારાથી  ૨૨૦ નોટીકલ માઈલ દૂર રાયગઢ જિલ્લાના શ્રીવર્ધનના  દરિયામાં  હાલકડોલક ઊભેલી દેખાઈ.  આ તો સારું થયું કે  બોટનું ડિઝલ  ખૂટી ગયું,  નહીંતર નશામાં ને નશામાં પીયક્કડ કોણ જાણે બોટને ક્યાં લઈ જાત! આ કિસ્સામાંથી ધડો એટલો લેવા જેવો છે કે સાગરમાં અને સંસાર-સાગરમાં  તરવું હોય અને ડૂબવાનું જોખમ ન લેવું હોય તો પીવાથી પરહેજ કરો.

દિલ્હીમાં શ્વાનને ફાંસીની સજા

અત્યંત ગંભીર ગુનો  કરે એ વ્યક્તિને  ફાંસીની સજા થતી હોય છે, પરંતુ માણસના  સૌથી વફાદાર મિત્ર ગણાતા શ્વાનને ફાંસીની  સજા કરવામાં  આવે ત્યારે  કેવું લાગે?  દેશની રાજધાની દિલ્હી નજીક ગાઝિયાબાદમાં  બીમારીના 'અપરાધસર' કૂતરાને ફાંસીએ  ચડાવવામાં આવ્યો હતો.ટ્રોનિકા-સિટી  એરિયામાં  આ કૂતરો લાંબા સમયથી  માંદો  રહેતો હતો અને  છેલ્લા  થોડા વખતમાં  અનેક  લોકોને કરડયો હતો. એટલે  બે યુવકે એ કૂતરાને ગળે રસ્સી બાંધી ફાંસીએ  લટકાવી દીધો હતો. વળી, જાણે  બહુ બહાદુરીનું  કામ કર્યું  હોય એવું  દેખાડવા  મોબાઈલમાં  વીડિયો પણ ઉતાર્યો  હતો. આ  વીડિયો ક્લિપ વાઈરલ થયા પછી  પોલીસ સફાળી જાગી હતી અને બન્ને 'ફાંસીગર' યુવકોને સકંજામાં  લીધા હતા.  આ યુવકોના કૃત્યને જોઈ કહેવું પડે કે-

પાળેલા શ્વાન જીવે શાનથી

અને રખડુ શ્વાન જાય જાનથી,

ચોપગાને ચડાવી  ફાંસીએ

ઘાતકીઓ ઉતારે વીડિયો શાનથી.

પંચ-વાણી

મા તે મા બીજા

હઠીલા વા.

    Sports

    RECENT NEWS