For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

15 દિવસમાં જ માતા-પિતા ગુમાવેલ 40 બાળકોની અરજી મળી

- મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત મહેસાણા જિલ્લામાં

- કોરોનારૂપી દૈત્યએ 18 બાળકોના સીંગલ પેરેન્ટ જ્યારે ૨૨ના માતા અને પિતા બન્ને છીનવી લીધા

Updated: Jun 12th, 2021

મહેસાણા,તા.11

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીથી અનેક લોકોએ જાન ગુમાવ્યા છે. જેમાં કેટલાકના માતા-પિતા તથા વાલીઓ ગુમાવતાં નિરાધાર બનેલ અનાથ બાળકો માટે સરકારે મુખ્યમંત્રી બાળસેવા યોજના અંતર્ગત કોરોનામાં અનાથ બનેલ બાળકોના ભરણ પોષણ, શિક્ષણ અને આરોગ્યની જાળવણી સારૃ યોજના અમલી બનાવી છે. જેમાં મહેસાણા જિલ્લાની બાળ સુરક્ષા વિભાગમાં છેલ્લા ૧૫ દિવસમાં કોરોના વાઈરસથી માતા-પિતાના મૃત્યુ થયા હોય તેવા ૪૦ બાળકોની અરજી મળી છે. જેમાંથી ૧૮ બાળકોએ સીંગલ પેરેન્ટ્સ ગુમાવ્યા છે.

બાળકની શિક્ષણઆરોગ્ય અને તાલીમની સંપૂર્ણ જવાબદારી બાળ સુરક્ષા વિભાગને સોંપાઈ

સરકારની કોરોના મહામારીમાં જે બાળકોના માતા-પિતા કે બંનેમાંથી કોઈ એકનું મૃત્યુ થયું હોય તેવા અનાથ બાળકોના શિક્ષણ, આરોગ્ય અને તાલીમ સારૃ ૦ થી ૧૮ વર્ષની વય સુધીના અભ્યાસ અર્થે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલી બનાવી છે. જેમાં મહેસાણા જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા છેલ્લા ૧૫ દિવસથી કામગારી હાથ ધરવામાં આવી હતી. જેમાં  આઈસીડીએસ, પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ સહિતના વિભાગોને જવાબદારી સોંપી છે. તે અંતર્ગત જાહેરાત થાય તે પહેલાંથી જ બાળકોની અરજીઓ મળવાની શરૃઆત થઈ ગઈ હતી. આથી છેલ્લા પખવાડીયામાં જ ૨૨ બાળકોએ માતા અને પિતા બન્ને ગુમાવ્યા હતા. જ્યારે ૧૮ બાળકોએ માતા અથવા પિતા બેમાંથી કોઈ એક વાલી કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જિલ્લાના ૬૦૦થી વધુ ગામડા તેમજ શહેરોમાં અનાથ બાળકના ઘરે જઈ  તમામ લાભો મળવા સુધીના સંપૂર્ણ અહેવાલ પુરા કરવામાં આવશે.

 સીંગલ પેરેન્ટસ ગુમાવેલા બાળકોને પણ શિક્ષણમાં મદદ
બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, કોરોનામાં માતા અથવા પિતા કોઈ એક ગુમાવેલ બાળક આ યોજનાનો લાભ મેળવી શકશે નહી. પરંતુ આવા બાળકો અભ્યાસથી વંચીત ન રહી જાય તે માટે મેઉમાં ગર્લ્સ અને બોયઝના બે  બાળ ચીલ્ડ્રન હોમ છે તેમજ વિસનગરમાં ગર્લ્સ ચિલ્ડ્રન હોમ આવેલ છે. જેમાં ૫૦ની જગ્યા સાથે કુલ ૧૫૦ની ક્ષમતા છે. જ્યાં આવા બાળકોને અભ્યાસ કરાવાશે. તે ઉપરાંત જે-તે શાળાઓને આ અંગે માહિતગાર કરી ફ્રી શિક્ષણ મળી રહે તેવા પ્રયાસો કરીશું.

Gujarat