For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉત્તર ગુજરાતમાં હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે

- જૂન માસમાં વરસાદ બાદ 15 દિવસથી વિરામ

- 6 જુલાઈથી સામાન્ય વરસાદ 13 થી 20 દરમિયાન હળવાથી ભારે વરસાદની સંભાવના

Updated: Jul 5th, 2021

Article Content Imageમહેસાણા,તા.4

જૂન માસમાં ૧૪મીથી ૧૬ દરમિયાન વરસાદ પડયા બાદ છેલ્લા ૧૫ દિવસથી વરસાદે વિરામ લીધો છે. જેના લીધે વાવેતર કરેલ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. જોકે ૨૦ જૂનથી ચોમાસું શરૃ થતું હોય છે પરંતુ પ્રથમ વરસાદ બાદ હવામાન વિભાગની આગાહી ખોટી પડી છે અને વરસાદ ન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. જોકે વાતાવરણમાં હજુ ભારે અને સારો વરસાદના એંધાણ વર્તાતા નથી.

જૂન માસમાં ઉત્તર ગુજરાતના ૬૦ ટકાથી વધારે ગામોમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ ચોમાસુ ખેતીનું વાવેતર કર્યું છે અને બાકી રહેલા ગામોમાં વાવણી કરવા ખેડૂતો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. જોકે જૂન માસમાં હવામાન વિભાગની આગાહી ખોટી પડી છે. હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરી હતી પરંતુ છેલ્લા ૧૫ દિવસથી ટીપુંય વરસાદ પડયો નથી. અંબાલાલ પટેલે વરસાદ માટે આગાહી કરતાં જણાવ્યું છે કેગુજરાતમાં ૬ જુલાઈથી વરસાદની શરૃઆત થશે તેમજ ૧૩મી ૨૦ જુલાઈ દરમિયાન સારો વરસાદ થશે. ૭-૮ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં તેમજ ૯ જુલાઈથી ૧૩મી જુલાઈ સુધી મધ્યમ હળવો વરસાદ થશે. તેમજ સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. વધુમાં જુલાઈ માસમાં નક્ષત્ર આધારે બે નક્ષત્ર જોવા મળે છે. જેમાં પુનર્વસુ નક્ષત્ર જે પાંચમી જુલાઈથી પ્રારંભ થશે જેનું વાહન ઉંદર છે. આ નક્ષત્રમાં પવન સાથે વરસાદ થઈ શકે છે. જ્યારે વીજી નક્ષત્ર પુષ્પ નક્ષત્ર જેનું વાહન ઘોડો છે આ નક્ષત્ર ૧૯ જુલાઈથી પ્રારંભ થશે અને છુટોછવાયો વરસાદ જોવા મળશે. જોકે પાંચમી તારીખ બાદ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે પરંતુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે.

પૂર્વીય પવનો ફૂંકાતા વરસાદની સંભાવના નહીવત

વેધર ચાર્ટના અહેવાલ મુજબ ચોમાસાની સ્થિતિ ત્યારે જ પ્રબળ બને જ્યારે પૂર્વીય પવન ફુંકાય. ભેજનું પ્રમાણ વધે, ધેધૂર વાદળો છવાયેલા રહે અને સતત જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડે. હાલમાં આ પરિણામો નબળા પડયા છે. જમીનથી ૧૦૦૦ ફૂટની ઉંચાઈએ પૂર્વને બદલે પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે મજબૂત સિસ્ટમ બનતી નથી. હજુ એક સપ્તાહ સુધી પ્રબળ ચોમાસું જોવા મળે તેવી સંભાવના ઘણી ઓછી છે.

Gujarat