For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

માસ્ક પહેરવા જેવી બાબતે ટોળાનો પોલીસ ઉપર હુમલો

- બાંકડા ઉપર બેઠેલા યુવાનોને પોલીસે ઠપકો આપતાં ટોળું હથિયારો સાથે આવ્યું અને પીસીઆર વાનને નિશાન બનાવી

- ગાંધીનગર નજીક અંબાપુર ગામમાં

Updated: Aug 13th, 2020

Article Content Image

ગાંધીનગર, તા. 13 ઓગસ્ટ, 2020, ગુરુવાર

હાલમાં કોરોના વાઈરસનું સંક્રમણ ચાલી રહયું છે ત્યારે જાહેર સ્થળો ઉપર ફરજિયાત માસ્ક પહેરવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે ત્યારે તેનું પાલન કરાવવા માટે પોલીસ પણ દોડી રહી છે. અડાલજ પોલીસની ટીમ ગઈકાલે રાત્રે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બે વાગ્યાના સુમારે અંબાપુર ગામે અંબાજી માતાજીના મંદિર પાસે ટીમ પહોંચી હતી. જયાં બાંકડા ઉપર ત્રણ યુવાનો બેઠા હતા અને તેમને માસ્ક પહેર્યું નહોતું. જેના પગલે પોલીસ તેમની નજીક પહોંચતાં બે શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા અને એક યુવાન ત્યાં જ ઉભો રહયો હતો. જેણે તેનું નામ જીગર અમરતજી રાઠોડ હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ યુવાનને મોબાઈલમાં ફોટો પાડતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ સાથે બિભત્સ વર્તન કર્યું હતું. એટલું જ નહીં તેણે તેના પિતાને ફોન કરી કહયું હતું કે પપ્પા તમે રોનક રમેશજી ઠાકોર અને બીજા માણસોને લઈ તાત્કાલિક અંબાજી માતા મંદિરે આવો. જેના પગલે આ યુવાનના પિતા અમરતજી રાઠોડ, મિત્ર રોનક ઠાકોર અને બીજા દસથી બાર જેટલા માણસોનું ટોળું લાકડીઓ સાથે આવી પહોંચ્યું હતું અને પોલીસ જવાન ચંદ્રશેખર ગોપાલસિંહ તેમજ અન્ય જવાનો સાથે જપાજપી કરીને પીસીઆર વાનની લાઈટ પણ ફોડી નાંખી હતી. ટોળાએ પીસીઆરનો કાચ પણ લાકડીઓથી તોડી નાંખ્યો હતો. પીસીઆરના ડ્રાઈવર ધરમસિંહ પણ વચ્ચે પડતાં તેમને પણ મુઢ માર માર્યો હતો. થોડીવારમાં સરપંચ સહિત અન્ય લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને આ પોલીસ જવાનોને વધુ મારમાંથી છોડાવ્યા હતા. પોલીસ ઉપર હુમલાની ઘટના પ્રકાશમાં આવતાં અડાલજ પોલીસની અન્ય ટીમો પણ સ્થળ ઉપર પહોંચી હતી એટલામાં આ ટોળું ત્યાંથી નાસી છુટયું હતું. આ ઘટનાના પગલે હેકો.ચંદ્રશેખરની ફરિયાદના આધારે અડાલજ પોલીસે રોનક રમેશજી ઠાકોર, અમરતજી રાઠોડ, જીગર અમરતભાઈ રાઠોડ સહિત દસથી બાર જેટલા લોકોના ટોળા સામે રાયોટીંગ અને પોલીસ ઉપર હુમલાનો ગુનો નોંધી તેમની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે. નોંધવું રહેશે કે અગાઉ ખોરજ તેમજ અન્ય વિસ્તારોમાં માસ્ક પહેરવા બાબતે પોલીસ દ્વારા દંડની વસુલાત કરવાનું કહેતા હુમલાની ઘટના બની ચુકી છે.


Gujarat