શરીરને તંદુરસ્ત રાખવા શું કરશો?
ફિટનેસ - મુકુંદ મહેતા
તમારા શરીરની તાકાત છે કેન્સરના કોષનો નાશ કરવાની. તમારા શરીરના તૂટેલા હાડકાંને સાધવાની શક્તિ પણ તમારા શરીરમાં છે. ઝેરી તત્વો પેશાબ મારફતે તમારી કિડની શરીરની બહાર કાઢી નાખે
આ વાતની તો તમને ખબર છે કે તમને તમારી આંગળીએ સાધારણ વાગ્યું હોય અને લોહી નીકળતું હોય ત્યારે ફક્ત એક કે બે મિનિટ રાહ જુઓ તો લોહી એની મેળે બંધ થશે. આનાથી ઊલટું જો તમે તમારી ઈજા થયેલી આંગળી ઉપર ધૂળ નાખો અથવા તમારી રોગપ્રતિકાર શક્તિ, તમારું હિમોગ્લોબિન ઓછું હોવાને કારણે અથવા કોઈ પણ જાતનો શ્રમ કે કસરત ના કરી હોવાને કારણે કે ફાવે તેટલું અને ગમે તેટલું ખાઈને વજન વધાર્યું હોય તેને કારણે ઓછી થઈ ગઈ હોય તો સ્વાભાવિક છે કે તમારી આંગળી ઉપર વાગ્યું હોય તે ઘા રુુુઝાય નહીં. આનો અર્થ થયો કે જો તમે તમારા શરીરને વારેવારે કોઈ પણ તકલીફ આપીને પરેશાન ના કરો તો તમને આખી જિંદગી કોઈ પણ જાતનો (વારસાગત કારણો સિવાય) રોગ કે તકલીફ ના થાય.
એક વધારાની વાત પણ જાણવા જેવી છે કે સમાજના મોટા ભાગના લોકોને ખબર જ નથી કે તેઓ જાણે અજાણે પોતાના શરીરની શક્તિ વધારવાને બદલે તેને પોતાની જીવનશૈલીથી રોજેરોજ નુકસાન પહોંચાડી રહ્યા છે.
જ્યારે જ્યારે તમે તમારી અયોગ્ય જીવનશૈલી એટલે કે કસરત કે શ્રમનું નામ નહીં, સુવાના કે ભોજનના સમયમાં પણ અનિયમિતતા આટલું ઓછું હોય તેમ હાજતના સમયમાં પણ નિયમ નહીં અને સહુથી વધારે નાની મોટી બાબતોમાં માનસિક તનાવ અને ગમે ત્યારે ગમે તેવું શરીરને નુકશાન થાય તેવું ભરપેટે ખાવાની ટેવને કારણે વજન વધારી દીધું હોય. આ બધું ભેગું થાય એટલે જ તમારા શરીરમાં રોગ પ્રવેશ કરે. શરીરને નાની મોટી કોઈ પણ તકલીફ થાય. જેવી કે શરદી એટલે તમે ડોક્ટર પાસે જાઓ.
ડોક્ટર તમારા શરીરની તપાસ કરે અને દવા આપે કારણ એને એટલું જ આવડે છે કે શરદી થાય ત્યારે કઈ દવા અપાય. અપવાદ બાદ કરતાં લગભગ ડોક્ટરો રોગના લક્ષણો જોઈને દવા આપે. એમને તમારી જીવનશૈલી એટલે કે તમે કસરત કરો છો કે નહીં, માનસકિ તનાવ જે દરેકને હોય તેને વિષે તમને કંઈ પૂછતા નથી કારણ એટલો સમય તેમની પાસે નથી. યાદ રાખો ડોક્ટરો તમને જે અનેક દવાઓ આપે છે તે થોડો વખત તમને તમારા રોગના લક્ષણોમાં રાહત આપે છે પણ તમારો રોગ કાયમ માટે મટાડી દેતા નથી.
આમ જુઓ તો આવું કરવા જાય તો દર્દી કાયમ સારો થઈને ફરી પાછો આવે નહીં અને પોતે ભૂખે મરે. એક વાત સમજવા જેવી છે કે ડોક્ટરો અને દવા બનાવનારી કંપનીઓ જેમ જેમ માનવીની જીવનશૈલી બગડતી જાય છે અને નવા નવા રોગો ઉત્પન્ન થાય છે તેમ તેમ નવી નવી તપાસ, નવા નવા ઉપચાર અને નવી નવી દવાઓ શોધતી જાય છે જે ધીરે ધીરે એટલી બધી મોંઘી અને ખર્ચાળ છે જે સામાન્ય માનવીની તાકાતની બહાર છે.
ગંભીર દરદ હોય કે વારસાગત બીમારી હોય તે સિવાય દવા વગર ચાલે જ નહીં એવું તમને કોણે કહ્યું? દવા આપવાથી દર્દીને થયેલા રોગના લક્ષણો તાત્કાલિક ઓછા થાય પણ રોગ જે જડમૂળથી દૂર ના કરે આનાથી ઊલટું તમને જે જે રોગ થયા છે તેના મૂળ કારણો જાણો તો રોગને મટાડવા માટે શું પગલાં લેવા તેની ખબર પડે તેમ અવારનવાર બીમાર પડો એ અને વારે વારે ડોક્ટર પાસે જવું પડે અને પૈસા ખરચવા પડે એ તમને પોષાય નહીં. શું કરશો?
એક વાત કાયમ માટે સમજી લેશો કે તમને જે જે જૂના કે નવા રોગ થાય છે તેનું કારણ તમે પોતે જ છો. પરમ કૃપાળુ પરમેશ્વરે તમારું શરીર બનાવીને કમાલ કરી નાખી છે, એક સેલ્ફ કન્ટેઈન્ડ ફ્લેટની માફક તમારા શરીરમાં દરેક વસ્તુ હાજર છે. ફ્લેટ ને ડ્રેનેજ સિસ્ટમ માફક તમારા શરીર બધા જ અંગોમાંથી નકામી વસ્તુ (ઝેરી પદાર્થો અને શરીરને નુકસાન કરનારા તત્વો)ને શરીરની બહાર કાઢી નાખવા માટે શિરા (વેઇન્સ) છે, તમારા ફ્લેટના રસોડા અને દરેક બાથરૂમમાં પાણી પહોંચાડનારી પાઈપોની માફક શરીરના બધા જ અંગોને શક્તિ આપવા માટે ચોખ્ખું લોહી લઈ જનારી ધમની (આર્ટરી) છે.
તમારા ફ્લેટની ઈલેક્ટ્રીક સીસ્ટમની માફક તમારા મગજમાંથી દરેક અંગોને સંદેશા પહોંચાડવા અને સ્વીકારવા માટે અદ્ભૂત એવી નર્વસ સિસ્ટમ છે. મોં વાટે લીધેલો ખોરાક તમારી હોજરીમાં થઈ નાના આંતરડામાં જાય ત્યાં પોષક તત્વો લોહીમાં ભળી જાય. અને લિવરમાં જાય ખોરાકમાં ખરાબ તત્વોને મોટા આતરડા મારફતે મળ સ્વરૂપે શરીરની બહાર નીકળી જાય. પ્રવાહીમાં ઓગળી શકે તેવા બધા જ ઝેરી તત્વો પેશાબ મારફતે તમારી કિડની શરીરની બહાર કાઢી નાખે. લિવરમાંથી ચોખ્ખું લોહી શરીરના બધા જ અંગોને હૃદયના પમ્પિંગથી આખા શરીરમાં પહોંચે જેનાથી તમારા શરીરના બધા જ અંગોનું સંચાલન સરસ રીતે થાય.
શરીરની તાકાતને સમજો
જ્યારે જ્યારે શરીરની નાની મોટી તકલીફો તમને સતાવે ત્યારે થોડો સમય લઈને થોડો વિચાર કરશો કે તમે પોતે તમારા શરીરને એનું કામ સારી રીતે કરવા દીધું છે ખરું?
તમારા શરીરની તાકાત છે કેન્સરના કોષનો નાશ કરવાની. તમારા શરીરના તૂટેલા હાડકાંને સાધવાની શક્તિ પણ તમારા શરીરમાં છે. તમારી ઉમ્મર વધવાની સાથે તમારા શરીરમાં થતાં ફેરફાર પર કાબૂ રાખવાની ગજબની શક્તિ પણ તમારા શરીરમાં છે. શરીરને નુકસાન કરનારા ઝેરી પદાર્થોને શરીરમાંથી કાઢી નાખવાનું કામ પણ શરીરનું છે એ જ રીતે ચેપી રોગોના જંતુઓ તમને પરેશાન ના કરે માટે તેનો નાશ કરીને તમારા શરીરને તંદુરસ્ત રાખવાનું કામ પણ તમારા શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિ કરે છે.
તમને તમારા શરીરની સુષુપ્ત શક્તિનો બિલકુલ ખ્યાલ નથી માટે તમે રોજે રોજ હજાર જાતના નકારાત્મક વિચારો કરીને માનસિક તનાવ વધારો છો. ઘડીએ ઘડીએ તમને મરવાના વિચારો આવે છે. તમારું મન ઠેકાણે નથી અને યાદ રાખો. આ બધાની અસરથી તમારું શરીર પોતાની રક્ષણ કરવાની તાકાત ગુમાવી બેસે છે અને તમે અનેક રોગના ભોગ બનો છો.
શું કરવાનું છે?
૧. અનેક સંશોધનો પછી મેડિકલ સાયન્સે એક ગજબની વસ્તુ શોધી કાઢી છે જેને 'સ્પોંટેનિયસ રેમિશન પ્રોજેક્ટ' નામ આપ્યું છે. પ્રયોગ કરનારા વૈજ્ઞાાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો તમે તમારા મનને સ્વતંત્ર રાખો. એક પણ ખોટો કે નિરાશાજનક વિચાર ના કરો તો તમને થયેલી તકલીફ તમારું શરીર એની મેળે દૂર કરશે! આજથી તમારા શરીરને મદદ કરવાનું શરૂ કરી દો. તમે માની શકો નહીં તેવું પરિણામ આવશે. ૨. તમારા કામમાં મદદ કરી શકે એવી હકારાત્મક વિચારો વાળી
વ્યક્તિને શોધી કાઢો અને તેની સાથે વિચાર વિમર્શ કરીને તેની મદદથી તમારા મનના બધા જ નકારાત્મક વિચારોને દેશનિકાલ કરી દો.
૩. તમારા મનની ધારણા (ઈંટયુશન)ને અનુસરો. ફક્ત તમે તમારા શરીર વિશે વધારો જાણો છો.
જેમ તમને ચક્કર આવે કે તમને ગુસ્સો આવે છે તેની તમને ખબર પડે છે તેવી જ રીતે તમારા મનમાં જે વિચાર આવે (ઈંટયુશન) તેની પણ તમને ખબર પડે છે. આ વિચારો નકારાત્મક ના બને એનો ખ્યાલ રાખો. બધું જ સારું થવાનું છે એવું મક્કમપણે માનો.
૪. તમારી બીમારીનું મૂળ કારણ શોધી કાઢો.
તમારા ડોક્ટરે તમને ચક્કર કેમ આવે છે તેનું પૂરેપુરું કારણ જાણ્યા વગર તમને તાત્કાલિક ચક્કર મટાડવાની દવા આપી તમને મટી પણ ગયું. પણ આવું વારે વારે કેમ થાય છે તેની તમારી જાતે તપાસ કરો. તેને તમારા કોઈ વિચાર સાથે સબંધ છે કે નહીં તે શોધી કાઢો. તમને દુખ થાય તેવો વિચાર હોય તેને દૂર કરો અને પછી આવું કરવાથી ચક્કર મટી ગયા કે નહીં તે જાણો. આ રીતે તમારી તકલીફની દવા તમારી પાસે જ છે એ નક્કી કરો.
સાયકોન્યૂરોંઈમ્યુનોલોજી પ્રમાણમાં નવું સાયન્સ છે
સાયકો એટલે વિચાર, ન્યૂરો એટલે મગજ. સાઈક્રિયાટીસ્ટોના કહેવા પ્રમાણે તમારા મગજમાં જે વિચાર આવે તે પ્રમાણે તમારી ઈમ્યુનિટી વધે છે કે ઘટે છે આનો સીધો ને સાદો અર્થ એટલો થયો કે જો તમારું મન નકારાત્મક વિચારો કરવા ટેવાયેલું હશે તો એક સમય એવો આવશે કે, જાણે અજાણે તમારી ઈમ્યુનિટી રોગ સામે તમારા શરીરની લઢવાની શક્તિ) એટલી બધી ઓછી થઈ જશે કે તમે વારે વારે બીમાર પડી જશો અને તમારે તમારા ડોક્ટર પાસે ગયા વગર તમારો છૂટકારો નથી. અને તમારે તેના કહ્યા પ્રમાણે કરવું પડશે.
આનાથી ઊલટું જો તમારા વિચારો હકારાત્મક હશે તો તમારી ઈમ્યુનિટી એટલી બધી સારી હશે કે સામાન્ય બીમારી તો નહી જ થાય પણ ઉંમર વધવાને કારણે થતાં શારિરીક ફેરફારો પણ તમને કોઈ પણ જાતની તકલીફ નહીં કરી શકે.
હકારાત્મક કેવી રીતે બનાવવા?
દરેક ધર્મના ગુરુજનોએ જણાવ્યું છે અને ધાર્મિક પુસ્તકોમાં પણ લખાયું છે કે તમે પૂરેપૂરો પ્રયત્ન કરીને તમારા ઈષ્ટદેવનું ધ્યાન ધરો.
ધ્યાન ધરવાની રીત
૧. નદી કે દરિયા કિનારે જાઓ અને એક ચિત્તથી નદીના પ્રવાહને અથવા દરિયાના મોજા તમારી પાસે આવે અને પછી જતાં રહે વળી પાછા આવે એને જોયા કરો. શરૂઆતમાં એક ધ્યાન નહીં થઈ શકો. વાવર તમે ક્યા તો તમારા ઘેર અથવા ઓફિસે પહોંચી જશો અથવા તમારા કુટુંબીજનો કે મિત્રોના વિચારો આવશે.
થાક્યા વગર રોજે રોજ આ પ્રમાણે કર્યા જ કરો. કેટલો સમય લાગશે એ તમારા મન ઉપર આધાર રાખે છે કોઈને મહિનો લાગે કે કોઈને થોડો ઓછો સમય લાગે કે વધારે લાગે. પણ ધીરે ધીરે તમે તમારા વિચારો પર કાબૂ રાખી શકશો અને તમને અનુભવ થશે કે તમારું મન શાંત થતું જાય છે.
૨. તમારા ઘરમાં જ એક ઓરડામાં શાંતિથી બેસો. કોઈ પણ તમને ડિસ્ટર્બ ના કરે તેનું ધ્યાન રાખો. તમે બેઠા હો તેની સામેની દિવાલ પર તમારા ઈષ્ટદેવનો ફોટો રાખો કે તમને ખૂબ ગમતી કુટુંબની વ્યક્તિ (માતા કે દીકરી)નો ફોટો રાખો. પછી એ ફોટા સામે ત્રાટક કરતાં હો તેવી રીતે એકધ્યાનથી જોયા કરો. બીજા કોઈ પણ વિચાર આવે તેને મગજમાંથી પ્રયત્ન કરીને કાઢી નાખો. આ પ્રયોગમાં એકધ્યાન થતાં થોડી વાર લાગશે કારણ કે તમારી આજુબાજુના નાના મોટા અવાજ પણ તમને સંભળાશે.
આટલું જાણી લો..
૧. તમારા શરીરને સ્વસ્થ રાખવા અને મનને પવિત્ર રાખવા માટે તમારે તમને ગમતી કસરત પણ નિયમિત ૩૦ થી ૪૦ મિનિટ અટક્યા વગર કરવી પડશે. એકલા કસરત કરવાનું રોજે રોજ ગમતું ના હોય તો નજીકની હાસ્ય ક્લબમાં જાઓ. કસરતની સાથે સાથે નવા નવા મિત્રો મળશે અને મઝા આવશે.
૨. તમારું વજન કાબૂમાં રાખવું પડશે. તમારો બી.એમ.આઈ. ૨૫થી નીચે રાખશો તો મોટે ભાગે કોઈ જાતના રોગ થવાની શક્યતા ઘટી જશે. વારસાગત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ કે ૪૦ કે ૫૦ વર્ષે થાય તેનો પણ ડર નહીં રહે. વજન ઓછું રાખવા ખોરાક લેવાનું પ્રમાણ ખાસ કરીને વધારે ચરબીવાળા અને વધારે ગળ્યા પદાર્થો ઓછા લેશો. શરીરને બધી જ રીતે પરંતુ પોષણ મળી રહે એટલે રોજના ખોરાકમાં ૫૦ ગ્રામ જેટલું પ્રોટીન, ૨૫૦થી ૩૦૦ ગ્રામ જેટલો કાર્બોહાઈડ્રેટ (જેમાં ખાંડ કે ગોળ ફક્ત ૨૫ થી ૩૦ ગ્રામ) અને ૩૦ થી ૪૦ ગ્રામ જેટલું તેલ કે બીજી ચરબી હોય.
શરીરને માટે ખૂબ અગત્યના બધા જ પ્રકારના વિટામિન અને મિનરલ્સ અને ફાઈબર મળી રહે માટે તમારે ૨૦૦ થી ૨૫૦ ગ્રામ જેટલા સલાડ્સ (ગાજર, મૂળા, કાકડી, કોબી, બીટ અને ટામેટાં) અને બે કે ત્રણ ફળો ખાવા જોઈએ. બીજા બધા જ પ્રવાહી પદાર્થો સાથે મળીને તમારે બે થી અઢી લિટર જેટલું પાણી પણ પીવું જોઈએ.
છેલ્લે તમારી ઈમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) ઘટે નહી માટે જ્યાં પ્રદૂષણ હોય તેવી જગાએ જાઓ ત્યારે મોં પર માસ્ક રાખશો. શરીરના સાત દરવાજા (આંખ, નાક, કાન, ગળું, મળદ્વાર અને મૂત્ર દ્વાર તેમજ ચામડી મારફતે કોઈપણ જાતના જંતુ તમારા શરીરમાં ના જાય માટે આંખ પર નિયમિત પાણી છાંટો. ચોખ્ખા કપડાં પહેરો. પ્રદુષિત પદાર્થો અને પ્રદુષિત વાતાવરણથી દૂર રહો.