For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફોર્સ: બે લોકોની બોડી બતાવવા બે કલાકની ફિલ્મ બનાવી નાખી

Updated: Feb 21st, 2020

Article Content Image

ડ્રગ ડિલ પર પહેલા પણ ફિલ્મો બનતી હતી. પણ આ ફિલ્મ સાઉથની જ કડક ચા છે તે પ્રાથમિક દ્રષ્ટિએ જ લાગી જાય. જો કોઈ દર્શકને ન લાગે તો અર્થ માત્ર એટલો જ કે તે સાઉથની ફિલ્મો નથી જોતો.

૨૦૦૭ની સાલમાં જ્હોન અબ્રાહમે લગલગાટ બે ફ્લોપ ફિલ્મો આપી. એક હતી ગોલ અને બીજી હતી અનુરાગ કશ્યપની સાઈકોલોજીકલ ડ્રામા ફિલ્મ નો સ્મોકિંગ. નો સ્મોકિંગ જ્હોનની છેલ્લી એવી ફિલ્મ હતી જેમાં તે દુબળા પાતળા અને ચેન સ્મોકિંગ કરતાં બિઝનેસ મેન યુવાનના પાત્રમાં દેખાયો. ફિલ્મ સ્ટીવન કિંગની ટૂંકી વાર્તા આઈ ક્વિટ પર આધારિત હતી. ફિલ્મ પણ ક્વિટ કરી ગઈ. ફિલ્મમાં પરેશ રાવલની એન્ટ્રી સાથે હ્યુમર અને સ્ટોરીને આગળ ધપાવવા માટેની ગ્રીપ અને થ્રીલ હતી. પણ અંત ગૂંચવાય જતો હતો. એ પછી જ્હોનના અભિનયમાં કોઈ પરિવર્તન ન આવ્યું, પણ શરીરમાં અચૂક પરિવર્તન આવ્યું.

જેનો થોડો એવો નમૂનો ફૂટબોલ પર આધારિત ફિલ્મ ગોલમાં જોવા મળ્યો. જ્હોને પછી ન્યૂયોર્ક અને દોસ્તાના જેવી અલગ વિષયની ફિલ્મ આપી. જ્હોનને લાંબા સમય બાદ એક્શન કરવાનું મન થયું.  ડાયરેક્ટર નિશિકાંત કામત પાસે સાઊથની સારી એવી સ્ક્રિપ્ટ હતી, પણ જ્હોન સામે બોડીમાં ટક્કર મારે તેવો કલાકાર નહોતો. જેની ખોટ સાઊથના જ માર્શલ આર્ટ્સનાં ખેલાડી અને વિલનના રોલ કરી કરી પાકી ગયેલ વિદ્યુત જામવાલે પૂર્ણ કરી. ફિલ્મના એક્શન દ્રશ્યોે જે સમયે કંડારાયા ત્યારે દૂર દૂર સુધી ટાઈગર શ્રોફની ઉત્પતિ થવાના અણસાર નહોતા જાગ્યા. પછી ટાઈગર આવ્યો અને વિદ્યુતની એક્શન ઈમેજ પડી ભાંગી.

ગૌતમ વાસુદેવ મેનને ૨૦૦૩ની સાલમાં જ્યોતિકા અને સૂર્યાને લઈ કાખાકાખા બનાવી હતી. એ સમયે સ્ટોરી ફ્રેશ હતી જેથી બોક્સઓફિસ પર ચાલી ગઈ. ૨૦૦૪ની સાલમાં તેલુગુમાં ઘર્સણમ ફિલ્મ આવી. જેમાં વેકન્ટેશ અને અસીન હતા. ૨૦૧૧ની સાલમાં ફોર્સ આવી અને કન્નડમાં દંડમ દશગૂનમ જેવી ફિલ્મ પણ બની. કહેવાનું એ કે આજે વાત ફોર્સની કરીએ. હિટમાંથી હિટ મેળવી જશ ખાટવાની હોડ તો આગે સે ચલી આતી હૈ.... 

કહાની

એસીપી યશવર્ધન. એક બહાદૂર પોલીસ ઓફિસર છે. પણ અત્યારે તે મકાનમાંથી બહાર ઉંડી ખાઈમાં પડયો છે. જ્યાંથી તેનો ભૂતકાળ શરૂ થાય છે. તે ગુંડો બની ડ્રગ્સ વેચનારાઓને પકડે છે. એક બાઈકને ફૂટબોલની જેમ વિરોધી ઉપર ફેંકે છે. આટલું બધું શૂરાતન બતાવવાના કારણે જ તેની મુલાકાત માયા સાથે થઈ જાય છે. માયાને બાદમાં ખ્યાલ આવે છે કે, જેને તે ગુંડો માનતી હતી તે તો પોલીસ ઓફિસર નીકળ્યો ! એવામાં એસીપી યશવર્ધનની મુલાકાત કેટલાક ડ્રગ્સ માફિયાઓ સાથે થાય છે અને તેના પર એક બાદ એક ફોન કોલ આવતા તેમનું ઢીમ ઢાળી દે છે.

હકિકતે આ બધું કાવતરૂ ઘડનારો વિષ્ણુ રેડ્ડી હોય છે. જે પોતાના વિરોધીઓનું કાસળ કાઢી ડ્રગ્સનું વર્ચસ્વ સ્થાપવા માગતો હોય છે. એવામાં પોલીસ ઓફિસરો વિષ્ણુના મોટાભાઈ વિજય રેડ્ડીને મારી નાખે છે. પ્રતિશોધ લેવા માટે વિષ્ણુ હવે પોલીસની પાછળ રઘવાયો થઈ પડયો છે. એક બાદ એક પોલીસની સાથે એક્શનપેક સંતાકૂકડી રમે છે અને આખરે ઘડિયાળનો કાંટો યશવર્ધન પર આવીને અટકે છે. 

શરીર સૌવ માટેની ફિલ્મ 

જ્હોન અબ્રાહમ જ્યારે જ્યારે પોલીસનો રોલ પ્લે કરે ત્યારે ત્યારે માનવું પડે છે કે તે પોલીસ ઓફિસર જ છે. તેની હાઈટ, લૂક અને માચો બોડી પોલીસના રોલ માટે જ બનેલી છે. તેની તુલનાએ સરફરોશ અને તલાશ જેવી ફિલ્મમાં આમિર ખાને પોલીસ ઓફિસરનો રોલ પ્લે કર્યો હોવા છતાં તે પોલીસ છે તેવું લાગતું નથી. જ્હોન દૂધમાં તર અલગ પડે તેમ તરી જાય છે. તેની સામે જેનેલિયા ડિસોઝા. રોલમાં ફિટ બેસે છે, પણ જ્હોનનો ચહેરો એવો છે કે તે ઉંમરમાં જેનેલિયા કરતાં ખૂબ મોટો લાગે છે. છતાં ફિલ્મ છે એટલે માની લઈએ કે જેનેલિયા આધેડ વયના વ્યક્તિના પ્રેમમાં પડી હશે. 

ડ્રગ ડિલ પર પહેલા પણ ફિલ્મો બનતી હતી. પણ આ ફિલ્મ સાઉથની જ કડક ચા છે તે પ્રાથમિક દ્રષ્ટિએ જ લાગી જાય. જો કોઈ દર્શકને ન લાગે તો અર્થ માત્ર એટલો જ કે તે સાઉથની ફિલ્મો નથી જોતો. કાખા કાખા ન જોઈ હોય તેને પણ સતત એક કલાક સુધી લોટમાં હાથ મારી મારી તૈયાર કરવામાં આવેલો પીંડો ઘરના ઘરનો તો છે જ નહીં તેવું બારીક ઓબ્ઝર્વેશન કરતાં ખ્યાલ આવી જાય છે. 

જે દ્રશ્ય સાહોમાં હતું કે હિરો ખૂદ વિલન બની પોતાનું કામ કરી લે, તેમ અહીં વિદ્યુત જામવાલ પોતાના પ્રતિસ્પર્ધીઓને ખલ્લાસ કરવા માટે પોલીસનો જ સહારો લે. એ જ ઘસાઈ ગયેલી અને સ્ક્રેચ પડી ગયેલી સીડી. ફિલ્મમાં ઈમોશન્સ લાવવા માટે હિરોઈનને મારી નાખવાની અને હિરોમાં પ્રતિશોધનો સંચાર કરવાનો જેથી કદાવર વિલનને તે મેથી પાક ચખાવી શકે. શું આ કર્યા વિના હિરો વિલનને મારી જ નથી શકતો ? માત્ર અને માત્ર બે બાવડેબાજની બોડી અને તેમનું ભીમ-જરાસંઘ ટાઈપ યુદ્ધ જોવા માટે આટલી લાંબી ફિલ્મ બનાવી નાખી છે. 

બોલિવુડમાં બોડીનો શો ઓફ અને એક્શન કરવા માટે ચાર વખત જીર્ણોદ્ધાર થયો. એક વખત સલમાન ખાને ગીતો માટે બોડી બનાવી. બીજી વખત સંજય દત્તે એક્શન માટે બોડી બનાવી. એકની એક બોડી જોઈ થાકેલા દર્શક વર્ગને આમીર ખાને ગજનીમાં એઈટ પેક એબ્સ બનાવી બતાવ્યા અને છેલ્લે જ્હોન, વિદ્યુત અને ટાઈગર શ્રોફનો જમાનો આવ્યો કે શર્ટ ઉતારી માત્ર ગીતો પર ડાન્સ કરી હિરોઈનને ઈમ્પ્રેસ નથી કરાતી, વિલનની પીટાઈ પણ થાય છે.

ફોર્સમાં ક્લાઈમેક્સને આટલો દમદાર બનાવવા માટે બે કલાક ખર્ચી નાખ્યા. હિરોએ એક્ટિંગ નથી કરી પણ વિલને કરી દેખાડી. આમ તો વિલન અને હિરો બંન્નેના ચહેરા ઈસ્ત્રી કરેલા જ છે. હમણાં એક્સપ્રેસન આપે તેની રાહમાં ફિલ્મ પૂરી થઈ જાય છે. ડાયરેક્ટર નિશિકાંત કામત ખૂદ એક સારા અભિનેતા છે. ભાવેશ જોશીથી લઈને જ્હોન અબ્રાહમની જ ફિલ્મ રોકી હેન્ડસમમાં તેણે વિલન તરીકે 'અસૂર' કક્ષાનો અભિનય કરી દેખાડયો છે. પણ કદાચ આ બે કલાકારોને અભિનય ન કરાવી શક્યા. 

ફિલ્મની સૌથી મઝેદાર વાત વિલનનું બેકગ્રાઊન્ડ મ્યુઝિક છે. જેને અંગ્રેજીના ટૂંકાક્ષરી શબ્દોમાં બીજીએમ કહેવાય. ફ્લૂટ સાથે આફ્રિકન સ્ટાઈલમાં મિક્સ કરી સરસ બનાવ્યું છે. તે ભય પણ પેદા કરે છે. એ સંગીત આવતા હવે કોણ યમરાજ પાસે પહોંચવાનું છે તે જ નક્કી કરવાનું રહે છે. ગીતો સરસ છે. ખ્વાબો ખ્વાબો જાગે સો એ કેકેના સુમધુર અવાજમાં ગવાયેલું છે. દમ હૈ તો આજા ગીત ફિલ્મમાં નહોતું. તેનો માત્ર ઓડિયો લોન્ચ કરાયો હતો. બીજા ત્રણ ગીત, ચાહું ભી, મૈં ચલી અને દિલ કી હૈ તમન્ના ઘોંઘાટીયા સંગીત વચ્ચે સાંભળવા લાયક બન્યા હતા. આજે પણ તેને સાંભળી દિલ ખુશ થઈ જાય એવા. 

-મયૂર ખાવડુ 

Gujarat