For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જમાલપુરમા દીકરીની સગાઇ તુટવાના મામલે યુવકને છરીના ઘા મારીને હત્યા કરી

હત્યા કરનારે તેમની દીકરીનું સગપણ મૃતક સાથે એક વર્ષ પહેલા તોડયું હતુ

આરોપી વ્યક્તિ યુવકના સગા માસાઃ સમાધાન માટે બોલાવી હુમલો કર્યો

Updated: Sep 22nd, 2022

Article Content Imageઅમદાવાદ

જમાલપુર કાચની મસ્જિદ પાસે બુધવારે મોડી રાત્રે એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. યુવકનું સગપણ એક વર્ષ પહેલા તેના માસીની દીકરી સાથે થયું હતું. જે કોઇ કારણસર તુટી ગયું હતું. જે બાબતને લઇને ચાલતી તકરારમાં યુવકના સગા માસાએ જ છરીના ઘા ઝીંકીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બનાવ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોેંધી વધુ તપાસ શરૂ કરી છે. જમાલપુર જુના ડુંગરપુરા ખાતે રહેતા શહેનાઝ થરાદવાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ  તેમના પતિનું એક વર્ષ પહેલા અવસાન થયું હતુ અને હાલ તે તેમના ત્રણ પુત્રો ફિરોઝ, જાવેદ અને શોએબ સાથે રહે છે. શોએબના પ્રથમ લગ્નના આઠ વર્ષ પહેલા છુટાછેટા થયા હતા. ત્યારબાદ શહેનાઝની નાની બહેન હસીનાબાનુંની દીકરી સીમરન સાથે સગપણ નક્કી થયું હતું. પરંતુ, કોઇ કારણસર સીમરનના પિતા સલીમ વોરાએ સગપણ તોડી નાખ્યું હતું. ત્યારબાદ  આ મામલે નાની મોટી તકરાર ચાલતી હતી. શોએબ એસ જી હાઇવે પર આવેલી એક કંપનીમાં નોકરી કરતો હતો.  બુધવારે રાત્રે મોડે સુધી પરત ન આવતા શહેનાઝે તેને ફોન કરતા શોેએબે જણાવ્યું હતું કે મોડેથી ઘરે આવી જશે.  બીજી તરફ રાતના બે વાગે શોએબે ફોન કર્યો હતો ત્યારે તે મદદ માંગતો હતો તેણે તેની માતાને કહ્યું હતું કે તુ જલ્દી કાંચની મસ્જિદ પાસે આવી જા..આ સલીમ મને મારી નાખશે..તેણે મને છરીના ઘા માર્યા છે અને હુ મરી જઇશ.. જેથી શહેનાઝ ત્યાં પહોચી ત્યારે તે અવાક બની ગઇ હતી કારણ કે શોએબ તે લોહીથી લથબથ પડયો હતો અને પેટ છાતીમાં છરીના ઘા લાગ્યા હતા.  આ સમયે સલીમ વોરા પણ ત્યા હાજર હતો.  આ ઉપરાંત, ત્યાં  હાજર અબ્દુલ હુસેન શેખ અને સલમાને જણાવ્યું હતું કે સલીમ વોરા શોએબ સાથે ઝઘડો કરી રહ્યો હતો. ત્યારે બંનેે જણાએ વચ્ચે પડીને છુટા પાડયા હતા. પરંતુસલીમે કહ્યું હતુ કે આ અમારા ઘરનો મામલો છે. તમે ચાલ્યા જાવ..આ દરમિયાન ફરીથી મારામારી કરીને સલીમે તેની પાસે રહેલી છરી કાઢીને શોએબને ઉપરાછાપરી પાંચ જેટલા ઘા ઝીંકી દીધા હતા. બાદમાં તેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં વીએસ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યા તેને મૃત જાહેર કરાયો હતો. આ બનાવ અંગે ગાયકવાડ હવેલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Gujarat