For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બે મહિનામાં પાંચ વખત અસારવા સિવિલની મુલાકાત લીધી: નીતિન પટેલ

- હાઇકોર્ટ દ્વારા આકરી ટીકા બાદ આરોગ્ય પ્રધાનનું નિવેદન

- હાઇકોર્ટના અવલોકનો અંગે ગુજરાત સરકાર આગામી સપ્તાહમાં જવાબ રજૂ કરાશે

Updated: May 25th, 2020

Article Content Image

અમદાવાદ,24 મે 2020 રવિવાર

ગુજરાત હાઇકોર્ટે કોરોના અંગેની સુઓમોટો સુનાવણીમાં આરોગ્ય પ્રધાન અને આરોગ્ય સચિવ અંગે કરેલા અવલોકનો બાદ નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને કહ્યું હતું કે કોર્ટના અવલોકનો અને સૂચનો અંગે આગામી સપ્તાહમાં રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ગત બે મહિનામાં તેમણે પાંચ વખસ અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે.

નીતિન પટેલે કહ્યું હતું કે ન્યાયતંત્રના નિયમ પ્રમાણે સુઓમોટોની બાબત કોર્ટ સમક્ષ વિચારાધિન છે તેથી તેથી તેઓ કોઇ કંઇ કહેવા માગતા નથી પરંતુ તેમની કામગીરી સામે સવાલો ઉપસ્થિત થયા છે અને ટીકા થઇ છે તેથી તેઓ જણાવવા માગે છે કે તેમણે છેલ્લાં બે મહિનામાં પાંચ વાર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ મુલાકાત દરમિયાન  ગુજરાતના ખાનગી અને સરકારી નિષ્ણાત તબીબો પણ હાજર હતા.

 નીતિન પટેલનું નિવેદન છે કે તેમની ઉંમર 64 વર્ષ છે અને કોરોનાની માર્ગદર્શિકા પ્રમાણે સિનિયર સિટિઝનોએ બહાર નીકળવું જોખમી છે. આમ છતાં તેઓ હોસ્પિટલોની વિઝિટ કરે છે અને તબીબોને મળે છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથેની મુલાકાત બાદ ખેડાવાલનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સાત દિવસ સુધી તેઓ ક્વોરન્ટાઇન રહ્યા હતા અને ત્યારબાદ ફરીથી કામગીરીમાં લાગી ગયા છે. 

રાજ્ય સરકારના નાનામાં નાના કર્મચારીથી લઈને પોલીસ વિભાગ, ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, ઉચ્ચ અધિકારીઓ સહિતના જે વ્યક્તિઓ કોરોના વોરિયર તરીકે કામ કરી રહ્યા છે તેમને પ્રોત્સાહન-અભિનંદન આપવાની જરૂર છે.  જે કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની જાતને જોખમમાં મૂકીને કામ કરી રહ્યા છે તે સૌને શુભેચ્છાની જરૂર છે. 

અમદાવાદમાં આજથી ગરીબ  પરિવારોને  અનાજ વિતરણ

અમદાવાદ શહેરમાં એનએફએસએ કાર્ડધારક 3.32 લાખ પરિવારોને મળવાપાત્ર અનાજનું વિતરણ આગામી 27 મેથી 6 જૂન સુધી કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવાયો છે. અમદાવાદમાં કોરોના સંક્રમણની વ્યાપની વિશિષ્ટ પરિસ્થિતિમાં આ અનાજ વિતરણ અગાઉ મુલતવી રાખવામાં આવ્યું હતું. એનએફએસએ લાભાર્થી પરિવારોને રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર ઘઉં, ચોખા, ખાંડ, મીઠું તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 3.50 કિલો ઘઉં, 1.50 કિલો ચોખા, 1 કિલો દાળનું અમદાવાદ શહેરના એનએફએસએ પાત્રતા ધરાવતા પરિવારોને વિતરણ થશે. 

Gujarat