For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાજપ-કોંગ્રેસ ફોર્મ ભરવામાં વિજય મુહૂર્ત સાચવી શક્યા નહીં

- પહેલે આપ, પહેલે આપમાં મોડુ થયું

- નરહરિ અમીનનું ફોર્મ તૈયાર કરવામાં મોડું થયું, વિજય મુહુર્ત કરતાં બે કલાક મોડું ફોર્મ ભર્યું

Updated: Mar 14th, 2020


અમદાવાદ, તા.13 માર્ચ, 2020, શુક્રવાર

ભાજપ-કોંગ્રેસે ગઇકાલે સત્તાવાર રીતે જાહેર કર્યુ હતું,12.39 કલાકે વિજય મુહુર્ત પર ઉમેદવારો ફોર્મ ભરશે. પણ ભાજપ-કોંગ્રેસ બંને ફોર્મ ભરવામાં વિજય મુહુર્તના સમયને સાચવી શક્યા ન હતાં.બંને પક્ષોએ નિર્ધારિત સમય કરતાં બે કલાક મોડુ ફોર્મ ભર્યુ હતું. 

ભાજપે ત્રણેય ઉમેદવારોના ફોર્મ 12.39 કલાકના વિજય મુહુર્ત પર ભરવાનુ નક્કી કર્યુ હતું.પણ નરહરિ અમીનનુ ફોર્મ તૈયાર કરવામાં મોડુ થયુ હતુ જેના કારણે બધાય ઉમેદવારો-મંત્રી,સમર્થકો મુખ્યમંત્રી કાર્યાલયમાં જ ગોઠવાઇને બેસી રહયા હતાં.

કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ-ભરત સોલંકી પણ રાહ જોઇને બેસી રહ્યા હતાં કેમકે, ભાજપના દંડક પંકજ દેસાઇએ એવી વિનવણી કરી હતીકે, ભાજપના ઉમેદવારો ફોર્મ ભરે પછી ફોર્મ ભરજો.પણ લગભગ સવા વાગ્યા સુધી કોઇ મેળ પડયો ન હતો. આમ,પહેલે આપ,પહેલે આપ જેવો ઘાટ સર્જાયો હતો. આખરે કોંગ્રેસના ઉમેદવારોએ પણ વિજય મુહુર્ત ચૂકીને લગભગ દોઢેક વાગે ફોર્મ ભર્યા હતાં. 

નરહરિના અમીનનું ફોર્મ તૈયાર થતા 12.39 કલાકને બદલે ભાજપના ત્રણેય ઉમેદવારોએ બપોરે પોણા બે વાગે ફોર્મ ભર્યા હતાં. વિજય મુહુર્ત ચુકી જતાં સમર્થકોમાં જ આ મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો હતો. આમ,નરહરિ અમીનને કારણે ફોર્મ ભરવામાં મોડુ થયું હતું.

Gujarat