ચીનમાં યોજાયેલી આતંરરાષ્ટ્રિય રોબોટિક્સ સ્પર્ધામાં વડોદરાની ટીમને સિલ્વર મેડલ

વડોદરા, તા.16 ઓગષ્ટ 2019, શુક્રવાર
કિશોર વયના વિદ્યાર્થીઓ માટે ચીનમાં 12 થી 16 ઓગષ્ટ દરમિયાન યોજાયેલી આંતરરાષ્ટ્રિય રોબોટિક સ્પર્ધામાં વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓની ટીમે ભારત વતી સિલ્વર મેડલ જીત્યો છે. આ સ્પર્ધાનુ આયોજન વર્લ્ડ રોબોટિક્સ ઓલિમ્પિયાડ એસોસિયેશનના નેજા હેઠળ કરાયુ હતુ.
ત્રણ વિદ્યાર્થીઓની ટીમમાં આદિલ સેનગુપ્તા, હૃદય હરિન પરીખ અને શ્રેયાંસ બોહોરાના સમાવેશ થતો હતો.આ ત્રણે વિદ્યાર્થીઓ નવરચના સ્કૂલમાં ધો.7માં અભ્યાસ કરે છે. આ પહેલા હૃદય અને આદિલ એલિમેન્ટરી કેટેગરીમાં ભારતમાં યોજાયેલી રોબોટિક્સ સ્પર્ધા જીતી ચુક્યા છે. જેના પગલે તેમને હવે ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રિય સ્પર્ધામાં પોતાનુ ટેલેન્ટ દર્શાવવાની તક મળી હતી.
આ સ્પર્ધામાં લગભગ 60 દેશોના વિદ્યાર્થીઓની ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં સમાર્ટ સિટીની થીમ રાખવામાં આવી હતી. દરેક ટીમને સૌથી ઓછા સમયમાં રોબોટ્સ ડિઝાઈન કરીને તેને એસેમ્બલ કરવાનુ અને રોબોટ્સ થકી ચોક્કસ કામગીરી સોંપવામાં આવી હતી. સ્પર્ધાના પાંચે રાઉન્ડમાં વડોદરાના વિદ્યાર્થીઓની ટીમે જોરદાર દેખાવ કર્યો હતો અને બીજો ક્રમ મેળવીને સિલ્વર મેડલ જિત્યો હતો.

