For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજે 'મા'ના પ્રાગટય દિવસે જ બે માતાથી પુત્રીઓને મળશે 'માતૃત્વ'

-આજે પ્રથમ વખત બે મહિલામાં ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ

-બે પુત્રીઓને માતૃત્વનું સુખ આપવા અમદાવાદની બે માતાઓએ જ પોતાના ગર્ભાશયનું દાન કર્યું

Updated: Sep 26th, 2022

અમદાવાદ, રવિવાર

જગદમ્બાના પર્વ શારદીય નવરાત્રિનો આવતીકાલથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. મા અંબાના પ્રાગટય દિને જ બે મહિલાઓને માતૃત્વ ધારણ કરવાનું સુખ મળવા જઇ રહ્યું છે. આવતીકાલે પ્રથમ નોરતે જ અમદાવાદમાં બે 'માતા' તેમની પુત્રીઓને પોતાના ગર્ભાશયના દાન રૃપી 'આશીર્વાદ' આપશે. જેનાથી બે મહિલાઓના શરીરમાં ગર્ભાશયનું પ્રત્યારોપણ થશે અને તેઓ હવે ખરા અર્થમાં  'માતા' બની શકશે.

ગુજરાતમાં પ્રથમ વખત તેમજ સમગ્ર દેશની સરકારી-અર્ધસરકારી સંસ્થામાં પ્રથમ વખત યુટેરસ (ગર્ભાશય) આવતીકાલે ટ્રાન્સપ્લાન્ટ થવા જઇ રહ્યું છે. એક જ સંસ્થામાં એક દિવસમાં બે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ થઇ રહ્યા હોય તેવી સમગ્ર વિશ્વની આ સૌપ્રથમ ધટના છે. આવતીકાલે જે બે મહિલાઓ પર ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ કરાશે તેના માટે  તેમની માતાઓ જ આગળ આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ૨૮ વર્ષીય હિન્દુ યુવતીને જન્મથી જ બેવડા ગર્ભાશયની સમસ્યા હતી. જેના કારણે તે માતા બનવાના સુખથી વંચિત હતી. માતૃત્વ નહીં ધારણ કરી શકવાની પુત્રીની આ વેદના માતાએ તુરંત જ વાંચી લીધી. તેમણે પોતાની પુત્રી માટે પોતાના ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ કરવાની તૈયારી દર્શાવી.

બીજી તરફ ૨૨ વર્ષીય મુસ્લિમ પરણિત યુવતીને જન્મથી એમ.આર.કે.એચ. ટાઇપ-૧ એટલે જન્મજાત ગર્ભાશયની ગેરહાજરીની સમસ્યા ધરાવતી હતી. પોતાની પુત્રી માટે ગર્ભાશયના પ્રત્યારોપણમાં તેની માતાએ તુરંત જ તૈયારી દર્શાવી. આમ, આવતીકાલે બે મહિલાઓ માટે માતૃત્વ ધારણ કરવાનું સ્વપ્ન સાકાર થશે. ઈનસ્ટિટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે અત્યારસુધી કિડની, લિવર, પિત્તાશયનું ટ્રાન્સપ્લાન્ટ થતું હતું. જેમાં હવે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધાની ઉપલબ્ધિ દ્વારા ગુજરાતના આરોગ્યક્ષેત્રમાં યશકલગીનું પિંછુ ઉમેરાયું છે. આ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ આઇકેડીઆરસીના ડિરેક્ટર-ગાયનેકોલોજી વિભાગના ડિરેક્ટર ડો. વિનીત મિશ્રા અને તેમની સમગ્ર ટીમ તથા પૂણે સ્થિત ખાનગી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમના સંકલનથી થઇ રહ્યું છે.

 

Gujarat