For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ત્રણ વર્ષ બનેલી કાંકરીયા રાઈડ દુર્ઘટનાના માલિકને જ વસ્ત્રાપુર એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાકટ આપવા રીક્રીએશન કમિટીમાં દરખાસ્ત રજૂ

૧૪ જુલાઈ-૨૦૧૯ના દિવસે કાંકરીયામાં રાઈડ તુટી પડતા ત્રણ લોકોના મોત થયા હતા એ ભાજપ ભૂલી ગયું

Updated: Sep 15th, 2021


અમદાવાદ,મંગળવાર,14 સપ્ટેમ્બર,2021

ત્રણ વર્ષ અગાઉ શહેરના કાંકરીયા લેકફ્રન્ટમાં રાઈડ તુટી પડતા એ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા.ઉપરાંત પંદર લોકોને ઈજા થઈ હતી.આ દુર્ઘટનાનેભૂલી જઈ સત્તાધીશો આ જ કંપનીના માલિક દ્વારા વસ્ત્રાપુર લેક ખાતે ચાલતા એમ્યુઝમેન્ટ પાર્કમાં તેમને મુદત વધારી આપવાની સાથે ટિકીટના દરોમાં વધારો કરી આપવાની મંજુરી માંગતી રીક્રીએશન કમિટી સમક્ષ મંજુરી માંગતી દરખાસ્ત બુધવારે મળનારી કમિટીની બેઠકમાં મંજુર કરશે એમ મનાઈ રહ્યુ છે.સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પાર્કના માલિક અને સંચાલક ભાજપના જ પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ થતા હોવાના કારણે રાજકીય દબાણ હેઠળ દરખાસ્ત મંજુર કરાશે.

આ અંગે મળતી માહિતી મુજબ, ૧૪ જુલાઈ-૨૦૧૯ની સાંજે કાંકરીયા લેકફ્રન્ટ ખાતે સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડ તુટી પડતા ત્રણ લોકોના મોત થતા અમદાવાદ સહીત રાજયભરમાં ઘટનાને લઈ ભારે હોબાળો મચી ગયો હતો.એના માલિક ઘન્શ્યામ.કાનજીભાઈ.પટેલ.ની ઘટના બાદ પોલીસે ધરપકડ કરી હતી.બાદમાં જામીન ઉપર છૂટકારો થયો હતો.ઘન્શ્યામ પટેલના ભાઈ તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં હારી ગયા છે.એ પૂર્વ કોર્પોરેટર છે.ભાઈ કોર્પોરેટર હોવાથી જ ઘન્શ્યામ પટેલે કાંકરીયા લેઈક ફ્રન્ટની કરોડો રુપિયાની જમીન પાણીના ભાવે મેળવી છે.વર્ષો સુધી ભાડુ પણ ન વસુલવામાં આવ્યુ હોવાનો ઘટસ્ફોટ મ્યુનિ.ના પૂર્વ વિપક્ષનેતાએ એ સમયે કરતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

બુધવારે રીક્રીએશન કમિટીની મળનારી બેઠકમાં જે દરખાસ્ત રજુ કરાઈ છે એમાં વસ્ત્રાપુર લેક ઉપર આવેલો સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પાર્ક પહેલા અને બીજા લોકડાઉન સમયે કુલ મળીને ૩૨૭ દિવસ બંધ રહ્યો હોવાથી તેમની સાથે કરવામાં આવેલ કરારની મુદત વધારવા તેમજ એજન્સીએ કરેલી રજુઆતને ધ્યાનમાં લઈ હાલના ટિકીટના દરોમાં વધારો કરવાની સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી મેળવી આપવા દરખાસ્ત રજુ કરાઈ છે.

Gujarat