For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નોન-વેજની લારીઓ હટાવવાના મામલે મ્યુનિ. કચેરીમાં વિપક્ષ કોર્પોરેટરોના સૂત્રોચાર

સત્તાધારી પક્ષના નિર્ણય સામે ઉગ્ર પ્રત્યાઘાત

મેયરની કચેરી બહાર ઇંડા ફેંકાયા : પહેલા દિવસે ફિયાસ્કો થતા શાસકોએ આવેદન પત્ર સ્વીકાર્યું

Updated: Nov 16th, 2021

Article Content Image

અમદાવાદ,મંગળવાર,16 નવેમ્બર,2021

અમદાવાદ શહેરમાં ૧૬ નવેમ્બરથી  ઈંડા અને નોનવેજની જાહેર રસ્તા અને ધાર્મિક સ્થાનો આસપાસ ઉભી રાખવામાં આવતી લારીઓ હટાવવાના સત્તાધારી પક્ષના નિર્ણયના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા.ઔવેસીના પક્ષના કોર્પોરેટરો દ્વારા મેયર કચેરીની બહાર ઈંડા ફોડી નિર્ણયનો વિરોધ કરાયો હતો.કોંગ્રેસના કોર્પોરેટરોએ ઈંડા વેચવા માટેની પ્રતિકાત્મક લારી મેયરને આપવા  પ્રયાસ કર્યો હતો.જો કે આ પ્રયાસમાં સફળતા ના મળતા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે દેખાવ કરતા મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.વિવાદને ટાળવા મેયર સહિતના સત્તાધારી પક્ષના હોદ્દેદારોએ આવેદનપત્ર સ્વીકારી પુન વિચારણા કરાશે એમ  કહી વિપક્ષને આશ્વાસન આપ્યુ હતું.ઉગ્ર વિરોધની વચ્ચે સત્તાધારી પક્ષ તરફથી કરવામાં આવેલી જાહેરાતનો પહેલા જ દિવસે ફિયાસ્કો થવા પામતા શાસકો બચાવની મુદ્રામાં આવી ગયા હતા.

શહેરના જાહેર રસ્તા ઉપર કે ધાર્મિક સ્થાન ,શૈક્ષણિક સંસ્થા આસપાસ ઈંડા કે નોનવેજની એક પણ લારી ઉભી રહેવા નહીં દેવાય.આ પ્રકારની જાહેરાત બાદ મ્યુનિ.ની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરી ખાતે બપોરથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.ઉપરાંત આવવા-જવાના રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.મેયર,સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સહિત અન્ય કમિટીઓના ચેરમેન-ડેપ્યુટી ચેરમેનોની વિવાદને ટાળવા મેયર ઓફિસ ખાતે તાકીદની બેઠક પણ બોલાવવામાં આવી હતી.

દરમ્યાન ઔવેસીના પક્ષના કોર્પોરેટરો બપોરે ચારના સુમારે મ્યુનિ.કચેરી ખાતે પહોંચ્યા હતા.જયાં મેયરને ઈંડાની ભેટ સાથે આવેદનપત્ર આપવાનો પ્રયાસ કરાયો હતો.પરંતુ આ પ્રયાસમાં સફળતા ના મળતા મેયર કચેરી બહાર જ ઈંડા ફોડવામાં આવ્યા હતા.જમાલપુર વોર્ડના કોર્પોરેટર  રફીક શેખના કહેવા પ્રમાણે,તેમના પક્ષ તરફથી મેયરને આવેદનપત્ર આપી લેવામાં આવેલા નિર્ણય અંગે ફેરવિચારણા કરવા રજુઆત કરાઈ છે.

બાદમાં કોંગ્રેસના કોર્પોરેટરો પણ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરતા મેયર કચેરી ખાતે પહોંચી ગયા હતા.જયાં તેમણે ઈંડા વેચવા માટેની પ્રતિકાત્મક લારી સાથે આવેદનપત્ર આપવાનો પ્રયાસ કરતા પોલીસે રોકતા આ લારી સાથે જ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી મેયરને આવેદન પત્ર આપ્યુ હતું.કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખના કહેવા પ્રમાણે, વેન્ડર્સ પોલીસીનો અમલ કરી વૈક્લ્પિક જગ્યા આપ્યા બાદ જ લારીઓ હટાવવા પક્ષ તરફથી કોર્પોરેટરોએ રજુઆત કરી હતી.ધાર્મિક સ્થળોની આસપાસ ઈંડા,નોનવેજની લારીઓ લોકોની ધાર્મિક લાગણી ના દુભાય એ માટે હોવી ના જોઈએ.જેથી તાકીદે આ તઘલખી નિર્ણય પાછો ખેંચાવો જોઈએ.આ તરફ મેયર,ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સહિતના તમામ હોદ્દેદારો  ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાની જાહેરાતના ગણતરીના કલાકોમાં જ ઉગ્ર વિરોધને પગલે બચાવની મુદ્રામાં આવી જતા નિર્ણયમાં ફેરવિચારણા કરવા બેઠક પણ બોલાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ઉસ્માનપુરા ગાર્ડન ખાતે બેનરો સાથે લારી-ગલ્લાવાળાનું પ્રદર્શન

શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા ઉસ્માનપુરા ગાર્ડન ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈંડા,નોનવેજની લારી સહિત માર્જીનની જગ્યામાં કરાતા દબાણો દુર કરવાની જાહેરાતના ઉગ્ર પ્રત્યાઘાત પડવા પામ્યા હતા.મંગળવારે સવારના સમયે ઉસ્માનપુરા ગાર્ડન ખાતે લારી-ગલ્લા વાળા  તરફથી બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.ઉપરાંત જો મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નિર્ણય પરત લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની અને કાયદાકીય લડત આપવા સુધીની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

સાત વર્ષ બાદ પણ શહેરમાં વેન્ડર્સ પોલીસીનો અમલ નહીં

કેન્દ્ર સરકારે દેશવ્યાપી વેન્ડર્સ પોલીસી વર્ષ-૨૦૦૮-૦૯માં લાગૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.બાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ-૨૦૧૪માં સમગ્ર શહેરમાં વેન્ડર્સ પોલીસીનો અમલ કરવા અંગે ઠરાવ પસાર કર્યો હતો.સાત વર્ષ બાદ પણ આ પોલીસીનો અમલ માત્ર કાગળ ઉપર જોવા મળી રહ્યો છે.

Gujarat