એફવાયબીકોમની ગોકળગાયની ગતિથી ચાલતી પ્રવેશ કાર્યવાહી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં એફવાયબીકોમના પ્રવેશની કાર્યવાહી ગોકળગાયની ગતિએ આગળ વધી રહી છે.બીજી તરફ કોમર્સ ફેકલ્ટી સત્તાધીશોએ આ વખતે પ્રવેશ માટે અરજી કરનારા બહારગામના વિદ્યાર્થીઓમાંથી પાંચ જ ટકાને પ્રવેશ આપવાનુ નક્કી કર્યુ હોવાથી એફવાયબીકોમના વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થશે.
મળતી વિગતો પ્રમાણે અત્યાર સુધીમાં વડોદરા શહેર અને જિલ્લાના ૬૦૦૦ વિદ્યાર્થીઓના એડમિશન ફેકલ્ટી દ્વારા મંજૂર ૂકરી દેવામાં આવ્યા છે.જોકે સત્તાધીશો માટે હેરાન કરનારી વાત એ છે કે, ફી ભરવામાં વિદ્યાર્થીઓ આળસ કરી રહ્યા છે.ફેકલ્ટી ડીન પ્રો.કેતન ઉપાધ્યાયનુ કહેવુ છે કે, અત્યાર સુધીમાં ૧૫૦૦ જેટલા જ વિદ્યાર્થીઓએ ફી ભરી છે.
તેમના કહેવા પ્રમાણે વડોદરા શહેર-જિલ્લા સિવાયના ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી છે પણ આ વર્ષે અમે પાંચ જ ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના છે.આ પાંચ ટકા વિદ્યાર્થીઓની પસંદગી ધો.૧૨ના પરિણામની ટકાવારીના આધારે કરવામાં આવશે.ફેકલ્ટી ડીનનુ કહેવુ હતુ કે, કોમર્સ ફેકલ્ટી પાસે એટલી માળખાકીય સુવિધાઓ નથી કે બહારગામના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય.બે વર્ષ તો કોરોનાના કારણે અને માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓ રખડી ના જાય તે માટે બહારગામના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો પણ આ વર્ષથી આ નીતિ બદલવામાં આવી છે.દરમિયાન એફવાયબીકોમનુ શિક્ષણ ૧૭ કે ૧૮ ઓગસ્ટથી શરુ કરવા માટેની યોજના છે.