For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બસમાં પાર્સલની આડમાં લવાતો બિયરનો જથ્થો જપ્ત

Updated: Jun 29th, 2021

Article Content Image

ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર પોલીસે બસમાં બેસીને અમદાવાદથી પાર્સલ મંગાવનાર શખ્સને પણ ઝડપી લીધો-જથ્થો મોકલનાર સામે પણ ગુનો

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર લકઝરી બસમાં પાર્સલની આડમાં વિદેશી દારૃની હેરાફેરી વધી છે ત્યારે ચિલોડા પોલીસે લકઝરી બસમાંથી ૧૨૦ બિયરના ટીન પાર્સલમાંથી કબજે કર્યા હતા અને આ પાર્સલ મંગાવનાર મોટેરા અમદાવાદના શખ્સને પકડવા પણ પોલીસ લકઝરી બસમાં બેસીને પહોંચી હતી. જયાં આ શખ્સોને પકડી પાડયો હતો અને પાર્સલ મોકલનાર રાજસ્થાનના શખ્સ સામે પણ ગુનો નોંધ્યો હતો.   

રાજયમાં દારૃબંધી હોવાછતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે. ત્યારે બુટલેગરો હવે લકઝરી બસમાં મુસાફરના સ્વાંગમાં અથવા તો પાર્સલની આડમાં દારૃની હેરાફેરી કરવાનું નવું રેકેટ શરૃ કર્યું છે. ત્યારે ચિલોડા પોલીસે હિંમતનગર તરફથી આવતી લકઝરી બસમાં તપાસ શરૃ કરી છે ત્યારે હિંમતનગર તરફથી આવતી નંદની ટ્રાવેલ્સની બસ નં.આરજે-૦૬-પીએ-૫૧૭૭માં તપાસ કરતાં પાંચ પાર્સલ શંકાસ્પદ જણાયા હતા. જે સંદર્ભે પુછતાં બ્યાવર, રાજસ્થાનથી ઈશ્વર ટ્રાવેલ્સની ઓફીસ મારફતે આવ્યા હતા અને અમદાવાદ ખાતે મેમ્કો નંદની ટ્રાવેલ્સની ઓફીસમાં પહોંચાડવાના હતા. જયાંથી પાર્સલ મંગાવનાર વ્યક્તિ તે લઈ જશે તેવી સૂચના આપવામાં આવી હતી. પોલીસે આ શંકાસ્પદ પાર્સલ ખોલીને જોતાં તેમાંથી બિયરના ૧૨૦ ટીન મળી આવ્યા હતા. જેના પગલે પોલીસે આ બસમાં જ બેસીને પાર્સલ મંગાવનાર શખ્સોને પકડવાનું નક્કી કર્યું હતું અને મેમ્કો ટ્રાવેલ્સની ઓફીસમાં પહોંચતાં પાર્સલ મંગાવનાર શખ્સને ફોન કરતાં તે પાર્સલ લેવા આવ્યો હતો. જયાં તેનું નામ દુધસિંહ લક્ષ્મણસિંહ રાવત રહે.મારૃતિનંદન હોટલ, મોટેરા મુળ બગ્ગડ તા.ભીમ, રાજસ્થાન હોવાનું ખુલયું હતું. રાજસ્થાન બ્યાવરના પ્રદીપ નામના શખ્સ પાસેથી આ બિયરનો જથ્થો મંગાવ્યો હોવાનું કબુલતાં પોલીસે તેની સામે પણ ગુનો નોંધી ૧૪૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

Gujarat