Get The App

પોલીસ કમિશનર અને આરટીઓની સ્પષ્ટ સૂચના ટેક્સી પાસિંગ અને ઇન્શ્યોરન્સ વગર દોડતી સ્કૂલવાનને ડિટેન કરાશે

સ્કૂલવાન એસોસિએશન ઇચ્છશે તો આરટીઓ ઓફિસમાં ખાસ કાઉન્ટર શરૃ કરાશે, નિયમ વિરૃધ્ધ દોડતી સ્કૂલવાન સામે ઝુંબેશ ચાલુ રહેશે

Updated: Jun 20th, 2019

GS TEAM


Google News
Google News
પોલીસ કમિશનર અને આરટીઓની સ્પષ્ટ સૂચના ટેક્સી પાસિંગ અને ઇન્શ્યોરન્સ વગર દોડતી સ્કૂલવાનને ડિટેન કરાશે 1 - image

વડોદરા,તા.20 જુન 2019, ગુરૃવાર

વડોદરામાં આજે પોલીસ કમિશનર, આરટીઓ અને સ્કૂલવાન એસોસિએશન વચ્ચે બેઠક યોજાઇ હતી જેમાં પોલીસ કમિશનર અને આરટીઓએ વાન સંચાલકોને સ્પષ્ટ સૂચના આપી હતી કે સરકારે સ્કૂલવાન માટે નક્કી કરેલા નિયમો મુજબ જ વાન ચલાવવાની રહેશે નહી તો ડિટેન કરીને દંડ અને સજા કરવામાં આવશે. 

આ અંગે વાત કરતા આરટીઓ ધીરજભાઇ પંડયાએ કહ્યું હતું કે સ્કૂલવાન સંચાલકો તરફથી એવી માગણી હતી કે કોમર્શિયલ પાસિંગ અને ઇનશ્યોરન્સમાંથી મુક્તિ આપવામાં આવે. તેઓની આ માગ અયોગ્ય હતી કેમ કે નિયમોમાં સુધારા કરવા માટે તેઓએ સરકાર પાસે જવુ પડે અમે તેમને સ્પષ્ટ કહી દીધુ હતુ કે સરકારે જે નિયમો બનાવ્યા છે તેનું પાલન કરાવવા માટે અમે બંધાયેલા છીએ.

માટે નિયમો વિરૃધ્ધ દોડતી સ્કૂલવાન સામે ઝુંબેશ ચાલુ રહેશે અને જે વાન કોમર્શિયલ પાસિંગ નહી હોય, ઇન્શ્યોરન્સ નહી હોય, વાનમાં સ્કૂલવાનના નિયમો મુજબ સુવિધા નહી હોય તો તેવી વાનને ડિટેન કરી લેવામાં આવશે અને દંડ વસુલવા ઉપરાંત સજાની પણ જોગવાઇ છે એટલે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલવાન સંચાલકો જો ઇચ્છશે તો તેમની સરળતા માટે આરટીઓ ઓફિસમાં વિશેષ કાઉન્ટર શરૃ કરાશે જેથી તેઓને રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી ના પડે.

નવા પરિપત્ર મુજબ સ્કૂલવાન અને સ્કૂલરિક્ષા માટેના નિયમો

- પ્રાઇવેટ પાસિંગ રદ્ કરીને ટેક્સી પાસિંગ કરાવવુ પડશે

- પીળી રજીસ્ટ્રેશન પ્લેટ સાથે નવો નંબર, નવી આર.સી.બુક આવશે

- રેક્ઝિનની સીટ જ્વલનશીલ હોવાથી તેને બદલીને સાદી સીટ નાખવી પડશે

- જો ગાડીમાં સીએનજી-એલપીજી હોય તો તેના બોટલ પર સીટ રાખી નહી શકાય

- ૧૨ વર્ષથી નીચેના બાળકો હશે તો ડ્રાઇવર ઉપરાંત૧૪નું પાસિંગ મળશે

-૧૨ વર્ષથી મોટી ઉમરના બાળકો હશે તો ડ્રાઇવર ઉપરાંત ૭નું પાસિંગ મળશે

- વાનની બારીઓમાં લોખંડની જાળીઓ લગાડવાની રહેશે

- વાનમાં ફર્સ્ટ એઇડ કીટ અને ફાયર એક્સટિંગ્વિશર ફરજીયાત રાખવાનું રહેશે

- વાનની આગળ પાછળ અને બન્ને બાજુ પર મોટા અક્ષરે સ્કૂલવાન લખવાનું રહેશે

- વાનમાં લોકોને સ્પષ્ટ દેખાય તે રીતે માલિક અને ડ્રાઇવરનું નામ અને તેનો મોબાઇલ નંબર લખવાનો રહેશે

- ઓટો રિક્ષા તો કોમર્શિયલ પાસિંગ જ હોય છે એટલે તેને નવા પાસિંગની જરૃર નહી પડે

- ઓટો રિક્ષામાં ડ્રાઇવર ઉપરાંત ૧૨ વર્ષથી નાના ૬ બાળકોનું  અને મોટા હોય તો ડ્રાઇવર ઉપરાંત ૩નું પાસિંગ મળશે

- આ ઉપરાંત વાનને લગતા તમામ નિયમો ઓટો રિક્ષાને લાગુ પડશે

- વાન અને ઓટો રિક્ષાની સ્પીડ લિમિટ ૨૦ કિ.મી. પ્રતિકલાકથી વધુ રાખી નહી શકાય


Tags :