For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાઇબ્રન્ટ સમિટ પૂર્વે મૂડીરોકાણ માટે છ શહેરો, વિદેશોમાં રોડ-શો

Updated: Nov 24th, 2021

Article Content Image

કેબિનેટના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓ પ્રવાસમાં વ્યસ્ત

આજે નવી દિલ્હીમાં રોડ-શોથી પ્રવાસનો પ્રારંભ કરશે : સરકારે 917220 ચોરસમીટર સરકારી પડતર જમીન જાહેર હેતુસર ફાળવી છે

ગાંધીનગર : ગુજરાતમાં 10મી વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2022 સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓ દેશ અને વિદેશમાં રોડ-શોમાં ભાગ લેવાના છે. આ રોડ-શોનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25મી નવેમ્બરે સવારે નવ કલાકે નવી દિલ્હીથી કરશે, દિલ્હીની હોટલ લીલા પેલેસમાં આ રોડ-શો થવાનો છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે અને વિદેશ મંત્રી એસ જયશંકર સહભાગી બનશે.

રાજ્યના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે વાયબ્રન્ટ ગ્લોબલ સમિટના પ્રચાર અર્થે દેશ વિદેશમાં રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરકારના વિવિધ વિભાગોના સેક્રેટરીઓ અમેરિકા જર્મની, નેધરલેન્ડ, યુકે, ફ્રાન્સ, જાપાન, દુબઈ, અબુધાબી તથા મિડલ-ઇસ્ટના દેશોમાં જશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 8 અને 9 ડિસેમ્બરના રોજ દુબઇ અને આબુધાબી ખાતે રોડ શોમાં સહભાગી થશે,

જ્યારે દેશમાં છ રાજ્યોના મેટ્રોેપોલિટન શહેરમાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવી દિલ્હીની સાથે મુંબઇ, લખનઉ, હૈદરાબાદ, ચેન્નઈ અને બેંગલોર ખાતે યોજાનારા રોડ શોમાં મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહેશે.તેમણે કહ્યું કે એમએસએમઇ  ઉધોગ ક્ષેત્રે લોકોને માહિતી મળે એ માટે 10મી જાન્યુઆરી થી ત્રિદિવસીય ગ્લોબલ ટ્રેડ શોનું હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ ટ્રેડ ફેર શોની થીમ ''આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત'' રાખવામાં આવી છે.ગુજરાતમાં પડતર જમીનની ફાળવણી અંગેના જે પ્રશ્નો હતા તેનું ઝડપથી નિરાકરણ કરવામાં આવ્યું હોવાનું જણાવી રાજ્યના પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં 917220 ચોરસમીટર સરકારી પડતર જમીનની જાહેર હેતુસર ફાળવણી કરવામાં આવી છે.

કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ સમિટના પ્રવાસ, ખેડૂતોને આપવામાં આવનારી સ્માર્ટફોનની 1500 રૂપિયાની સહાય, કોરોના મૃતકોને સહાય, સ્વચ્છ શહેરોને મળેલા 13 એવોર્ડ, સરકારી પડતર જમીન અને આદિવાસી વિસ્તારમાં સરકારી આવાસ સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. વાયબ્રન્ટ સમિટમાં વધુને વધુ એમઓયુ સાઇન થાય તે માટે સરકારે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી છે.

Gujarat