For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ક્વોરન્ટાઈન હોસ્પિટલ માટે મેડિકલ સ્ટાફની 960 જગ્યા સામે 173 જેટલો સ્ટાફ મળ્યો

- સારવાર શરૂ કરી દેવાઈ પરંતુ

- 90માંથી 3 પલ્મોનોલોજિસ્ટ અને 165 મેડિકલ ઓફિસર સામે 20 મળ્યાઃ કેસ વધતા સ્ટાફ વધારવો પડશેઃસ્ટાફ વધારવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાશે

Updated: Apr 8th, 2020

Article Content Image

અમદાવાદ,તા. 08 એપ્રિલ 2020, બુધવાર 

અમદાવાદની ૧૨૦૦ બેડની અલાયદી કોરોન્ટાઈન હોસ્પિટલ ૭મી એપ્રિલથી શરૂ કરી દેવાઈ છે અને નવા નોંધાયેલા દર્દીઓને ત્યાં દાખલ કરવા સાથે સારવાર શરૂ થઈ ગઈ છે પરંતુ હજુ પુરતો સ્ટાફ મળી શક્યો નથી.૩જી એપ્રિલે કોવિડ-૧૯ હોસ્પિટલ માટે રૂબરૂ ઈન્ટરવ્યુ રાખવામા આવ્યા હતા.જેમાં કુલ ૯૬૦ જગ્યા સામે ૧૭૩ જેટલો સ્ટાફ હાલ મળી શક્યો છે.જો કે હાલ તો કેસની સંખ્યા અમદાવાદમાં ૧૦૦ને પાર નથી પહોંચી પરંતુ આગામી દિવસોમાં અમદાવાદમાં કેસો વધશે તો  કોવિડ હોસ્પિટલ માટે મોટી સંખ્યામાં સ્ટાફની જરૂર પડશે.

સરકારે અગાઉ હેલ્થ અને મેડિકલ એજ્યુકેશન પુરતુ ધ્યાન ન આપ્યુ નથી અને અનેક વર્ષોથી મેડિકલ કોલેજોમાં સ્ટાફની ભરતી ન કરી માત્ર ટ્રાન્સફરો કરીને જ કામ ચલાવ્યુ છે ત્યારે હવે કોરોનામાં પરિસ્થિતિ બગડી રહી છે ત્યારે હાલના અન્ય તબીબી સેવામા રોકાયેલા ડોક્ટરો પર પહેેલેથી જ જ્યાં લોડ છે ત્યાં કોરોનાની સારવાર કરવી પડતી અન્ય તબીબી સારવારમા ઓપીડી-ઓપરેશનમાં પણ મુશ્કેલી ઉભી રહી છે. કોરોના સારવાર માટે સરકારે મોટા ઉપાડે ડેડિકેટેડ અલાયદી હોસ્પિટલો બનાવવા જાહેરાત કરી ગુજરાતમાં પ્રથમ  હોવાનો દાવો કરી દીધો છે પરંતુ અમદાવાદમાં જ ૧૨૦૦ બેડની હોસ્પિટલ માટે સ્ટાફ મળતો નથી ત્યારે સુરત,વડોદરા,રાજકોટ અને અન્ય જિલ્લાની હોસ્પિટલો માટે સ્ટાફ ક્યાંથી આવશે ?

સરકારે ૧૧ માસના કરાર આધારીત સ્ટાફ લેવાની જાહેરાત કરીછે ત્યારે હાલ ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરો અને સ્ટાફ કોવિડ હોસ્પિટલ માટે આવે તેમ નથી. સરકારે અમદાવાદામાં કામચલાઉ ધોરણે ઉભી કરેલી ૧૨૦૦ બેડની કોરોના હોસ્પિટલમા ૯૦ પલ્મોનોલોજિસ્ટ, ૧૬૫ એમબીબીએસ ડોક્ટરો અને ૭૦૦ નર્સિગ સ્ટાફ તથા ૫ એનેસ્થેટિસ્ટની ભરતી માટે ગત ૩જીએ સિવિલ કેમ્પસ ખાતે રૂબરૂ  ઈન્ટરવ્યુ રાખ્યા હતા.પરંતુ જેમાં ૩ જ પલ્મોનોલોજિસ્ટ મળ્યા છે અને ૧૬૫ની સામે ૨૦ મેડિકલ ઓફિસર મળ્યા છે તેમજ ૭૦૦ નર્સિંગ સ્ટાફ સામે ૧૫૦નો નર્સિંગ સ્ટાફ મળ્યો છે.ગઈકાલે કોવિડ હોસ્પિટલ સારવાર થતા આ ડોક્ટરો-સ્ટાફ હાજર થઈ ગયો છે. પરંતુ જેમ જેમ કોરોના પોઝિટિવ કેસો વધશે તેમ સ્ટાફ વધારવો પડશે અને આગળ હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન સાથે ઓનલાઈન ઈન્ટરવ્યુ દ્વારા ભરતી કરાશે તેવુ સરકારના અધિકારીનું કહેવુ છે.

Gujarat