For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદનું જનજીવન 67 દિવસ બાદ પુનઃ ધબકતું થયું

- કોરોના વચ્ચે જનજીવન પાટે ચઢવાનું શરૂ

- કોરોના જ નાબૂદ થઇ ગયો હોય એમ અનેક સ્થાને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો

Updated: Jun 1st, 2020


અમદાવાદ, તા.01 જૂન, 2020 સોમવાર

'અનલોક-૧' અંતર્ગત અપાયેલી છૂટછાટને પગલે  ૬૭ દિવસ બાદ આખરે અમદાવાદમાં જનજીવન પુનઃ ધબકતું થઇ ગયું છે. કોરોના વાયરસના કેર વચ્ચે વ્યાવસાયિક પ્રવૃત્તિનો સંપૂર્ણપણે પ્રારંભ થઇ જતાં અમદાવાદનું 'ખોવાયેલું સ્મિત' પરત ફર્યું હતું.  છેલ્લા કેટલાક સમયની સુષુપ્તા ખંખેરી વહેલી સવારથી જ અમદાવાદનું જનજીવન પાટે ચઢવા લાગ્યું હતું. અઢી મહિના બાદ અમદાવાદ માર્ગો પર રીક્ષા, એએમટીએસ, બીઆરટીએસ દોડતી જોવા મળી હતી. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રહે તેની પૂરતી તકેદારી રાખવામાં આવી છે.

જેના ભાગરૂપે  એએમટીએસ, બીઆરટીએસમાં ૫૦ ટકા મુસાફરોને જ બેસાડવામાં આવ્યા હતા. અઢી મહિના બાદ જાણે અમદાવાદના રોડ ટ્રાફિકથી ધમધમી ઉઠયા હતા.  જોકે, અનેક સ્થાને સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. કોરોના જાણે સંપૂર્ણ નાબુદ જ થઇ ગયો હોય તેમ અનેક લોકો માસ્ક વિના જ બહાર નીકળી ગયા હતા. અનેક બાળકો પણ બહાર રમવા માટે નીકળી પડયા હતા. સરકારે છૂટછાટ ભલે આપી હોય પણ સાથે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન થાય તેની પણ તકેદારી રાખવાની જરૂર છે.  સરકારે જારી કરેલા નિયમ પ્રમાણે મોટાભાગની દુકાન સાંજે ૭ કલાક બાદ બંધ થઇ ગઇ હતી. 

આગામી ગુરૂથી-રવિવાર સુધી હળવાથી મધ્યમ વરસાદની વકી

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો: ગાજવીજ સાથે વરસાદ 

- જમાલપુરમાં કરા સાથે વરસાદ: તોફાની પવનથી અનેક વિસ્તારોમાં ઝાડ પડયા 

અમદાવાદમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે મોટાભાગના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડયો હતો. જમાલપુર વિસ્તારમાં કરા પણ પડયા હતા. ચોમાસાના સત્તાવાર આગમનને થોડા દિવસની વારની ત્યારે વરસાદની આ 'સરપ્રાઇઝ એન્ટ્રી'થી અમદાવાદીઓને ગરમીમાંથી રાહત મળી હતી. 

અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ગરમી અને બફારાનું પ્રમાણ રહ્યું હતું. આજે દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન પણ ૪૧.૨ ડિગ્રી નોંધાયું હતું. જોકે, મોડી સાંજે અચાનક જ મોસમે મિજાજ બદલવાનું શરૂ કરી દીધું હતું. સૌપ્રથમ ઠંડો પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ વીજળીના કડાકાભડકા સાથે વરસાદ તૂટી પડયો હતો. અનેક વિસ્તારોમાં તેજ ગતિ સાથે પવન ફૂંકાયો હતો. અમદાવાદના પાલડી-સેટેલાઇટ- નરોડા-ખોખરા-ઇસનપુર-બાપુનગર-ઘોડાસર-સરખેજ-મણિનગર-નારોલ-ઓઢવ-રખિયાલ સહિતના વિસ્તારોમાં પડેલા વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી. 

જમાલપુર વિસ્તારમાં કરા પણ પડયા હતા. તેજ ગતિના પવનને લીધે બહેરામપુરા વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિર પાસે ઝાડ પણ પડયું હતું. આ સિવાય પણ અનેક વિસ્તારોમાં ઝાડ પડયાની ફરિયાદો સામે આવી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે અમદાવાદના વાતાવરણમાં પલટો આવેલો છે. આગામી બે દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ૪-૫ જૂને વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની આગાહી છે. આ ઉપરાંત નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે અમદાવાદમાં ૬-૭ જૂને ભારે વરસાદ પડે તેની સંભાવના છે.

અમદાવાદ શહેરમાં વાવાઝોડા-વરસાદથી 12 ઝાડ પડી ગયા

અમદાવાદ શહેરમાં સોમવારે મોડી સાંજે વાવાઝોડા સાથે વરસાદ પડતા ૧૨ વૃક્ષો ધરાશાયી થયા હતા. ખમાસા, જમાલપુર, ખાનપુર, રાયખડ, દાણીલીમડા, આસ્ટોડિયા, માણેકચોક, દિલ્હી દરવાજા, ઘી કાંટા મેટ્રો કોર્ટ  તેમજ  બહેરામપુરામાં મેલડી માતાના મંદિર પાસે ઝાડ પડવાના બનાવ બન્યા હતા. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ શહેરમાં કુલ ૧૨ ઝાડ પડયાના મેસેજ આવ્યા છે.  તેને રોડ પરથી દુર કરવાની કામગીરી ગાર્ડન ખાતાના અધિકારીઓને સાથે રાખીને હાથ ધરાઇ હતી. માણેકચોકમાં વાવાઝોડાના કારણે લોખંડનું પતરૂ ઉડીને ચેનલોના વાયરોમાં ફસાઇ ગયું હોવાથી તેને ઉતારવાની કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા હાથ ધરાઇ હતી.  જોકે સદનસીબે કોઇને ઇજા થવા પામી ન હોવાનું ફાયરબ્રિગેડના અધિકારીઓનું કહેવું છે.

Gujarat