For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નવા મુખ્યમંત્રીની ટીમમાં યુવાઓને પ્રાધાન્ય : 60 ટકા નવા ચહેરા હશે

Updated: Sep 13th, 2021


શાહના આગમન બાદ મંત્રીમંડળની રચનાની ગતિવિધિ તેજ

કેન્દ્રીય નિરીક્ષકો-પ્રદેશ નેતાઓ વચ્ચે મંત્રણાનો દોર, કાલ સુધી મંત્રીઓની યાદી ફાઇનલ, બુધ-ગુરૂવારે શપથવિધી

તમામ સમાજ-જ્ઞાતિને રાજકીય પ્રતિનિધીત્વ આપી પ્રધાનમંડળ રચવા કવાયત, પ્રદિપસિંહ જાડેજાને પ્રમોશન મળે તેવી શક્યતા  

નાયબ મુખ્યમંત્રી નહી બનાવાય, ભૂપેન્દ્ર ચુડાસમા વિધાનસભા અધ્યક્ષ, પાંચ-છ સિનિયર મંત્રીઓને પડતા  મૂકાઇ શકે છે

અમદાવાદ : ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ નવા પ્રધાનમંડળની રચના માટે રાજકીય કવાયત તેજ બની છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આગમન બાદ ભૂપેન્દ્ર પટેલની ટીમમાં કોનો સમાવેશ થશે અને કોનુ પત્તુ કપાશે તેવી રાજકીય અટકળોએ જોર પકડયુ છે.

મંત્રીમંડળની રચનાને  લઇને હવે કેન્દ્રીય નીરીક્ષકો અને પ્રદેશના નેતાઓએ વચ્ચે મંત્રણાનો દોર પણ શરૂ થઇ ચૂક્યો છે. સૂત્રોના મતે,  નવા મંત્રીમંડળમાં યુવાઓને તક અપાશે. એટલુ જ નહીં, 60 ટકા નવા ચહેરા હશે. બે-ત્રણ દિવસમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓની શપથવિધી યોજાય તેવા નિર્દેશ મળી  રહ્યાં છે. 

નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો અને કોને પડતા મૂકવા તે અંગે કવાયત શરૂ થઇ છે. ભાજપના ટોચના સૂત્રોના મતે,  યુપી ફોર્મ્યુલા ગુજરાતમાં અપનાવવામાં આવશે નહીં. બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં નહી આવે. આ માત્ર રાજકીય અફવા પુરવાર થશે.

વિજય રૂપાણી સરકારમાં નબળી કામગીરી કરનારાં પાંચ- છ સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેમ છે. કેટલાંક મંત્રીઓ અમુક વિવાદોમાં સપડાયાં છે જેના કારણે પક્ષ-સરકારની પ્રતિષ્ઠા ખરડાઇ છે જેના કારણે તેમનુ પત્તુ કપાઇ શકે છે. જયારે સંગઠન સાથે તાલમેલ સાધી અને પ્રજાલક્ષી કામો કરી સારૂ પરર્ફંમન્સ કરનારાં મંત્રીઓને કેબિનેટમાં સૃથાન મળી શકે છે. 

એવી ય ગણતરી છેકે, મુખ્યમંત્રી તરીકેની ખુરશી પર બેસવાની તક ગુમાવનારા નિતિન પટેલને કેબિનેટ મંત્રીની ઓફર કરાય તેમ છે પણ તેઓ સ્વિકારશે કે કેમ તે અંગે ભાજપના નેતાઓને શંકા છે. નીતિન પટેલને સરકાર આૃથવા સંગઠનમાં શું જવાબદારી આપવી તે અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તી રહીછે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિસંહ ચુડાસમાને વિધાનસભાના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી શકે છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નવા મંત્રીમંડળમાં સામેલ થાય તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી છે. કોરોના ઉપરાંત લેન્ડ ગ્રેબિગ એક્ટમાં ભૂમાફિયાઓ સામે કડક પગલા ભરનારા પ્રદિપસિંહ જાડેજાને કેબિનેટ મંત્રી બનાવી હાઇકમાન્ડ રાજકીય પ્રમોશન અપાશે.

ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 20થી વધુ મંત્રીઓને સામેલ કરી નવુ પ્રધાનમંડળ રચાશે તેવુ જાણવા મળ્યુ છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને તમામ જ્ઞાાતિ-સમાજને રાજકીય પ્રતિનિધીત્વ મળે તે આધારે મંત્રીમંડળ રચાશે.ટૂંકમાં નવા મંત્રીમંડળની રચનામાં આનંદીબેન પટેલ જૂથનો હાથ ઉપર રહેશે તેવી ચર્ચાએ જોર પકડયુ છે. 

મંત્રીમંડળમાંથી કોનુ પત્તુ કપાશે

બચુ ખાબડ

વાસણ આહિર

કિશોર કાનાણી

યોગેશ પટેલ

ધર્મેન્દ્રસિંહ જાડેજા

ઇશ્વર પરમાર

વિભાવરી દવે

પુરૂષોતમ સોલંકી

કુંવરજી બાવળિયા

ભાજપના કોને કેબિનેટમાં સ્થાન મળી શકે છે

ગણપત વસાવા

પ્રદિપસિંહ જાડેજા

જયેશ રાદડિયા

દિલિપ ઠાકોર

ઇશ્વર પટેલ

આર.સી.ફળદુ

જયદ્રથસિંહ પરમાર

કયા નવા ચહેરોના તક મળી શકે છે

મનિષા વકીલ

હર્ષ સંઘવી

આત્મારામ પરમાર

કિરીટસિંહ રાણા

ઋષિકેષ પટેલ

શશિકાંત પંડયા

દુષ્યંત પટેલ

જીતુ ચૌધરી

ગોવિંદ પટેલ

અરવિંદ રૈયાણી

આ મંત્રીઓ યથાવત રાખવા કે કેમ તે અંગે વિચારણા ચાલે છે

કૌશિક પટેલ

સૌરભ પટેલ

જવાહર ચાવડા

કેબિનેટના સભ્યો પસંદ કરવા આજે સીએમ બંગલે બેઠક

કેબિનેટના સભ્યોની પસંદગી કરવા માટે આવતીકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે  આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના સભ્યો નક્કી કરાશે. આ યાદી તૈયાર થતા પછી હાઇમાન્ડના માર્ગદર્શન પ્રમાણે મંત્રીમંડળના સભ્યોની શપથવિધિ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સમય માગવામાં આવશે.

Gujarat