આજોડ તેમજ બોડેલીમાં લંગર નાંખી તબેલામાં વીજચોરી ઝડપાઇ
ડભોઇરોડના સહજાનંદ બંગલોઝમાં મીટર બાયપાસ કરી મહિલા ગ્રાહક દ્વારા થતી વીજચોરી ઝડપાઇ
વડોદરા, તા.23 ખેતર નજીકના તબેલામાં વીજળીનો ઉપયોગ કરી વીજચોરી કરતા શખ્સો સામે વીજ કંપની દ્વારા કાર્યવાહી કરી કુલ રૃા.૧૧.૭૫ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.
આ અંગેની વિગત એવી છે કે વડોદરા તાલુકાના આજોડ ગામે રહેતા મિતુલ ભાસ્કર પટેલ પોતે બિનગ્રાહક છે તેમ છતાં પોતાના ખેતર પાસેથી પસાર થતી હળવા દબાણની વીજલાઇનમાં વાયર જોડી તબેલામાં વીજળીનો ઉપયોગ કરી રૃા.૧.૩૦ લાખની વીજચોરી કરી હતી. આ ઉપરાંત બોડેલી પાસે વાસી ગામે પ્રકાશ બાબુભાઇ પટેલ પણ પોતાના તબેલામાં રૃા.૩.૩૮ લાખની વીજચોરી કરતાં રંગે હાથ ઝડપાઇ ગયા હતાં.
વીજ કંપની દ્વારા સાવલી તાલુકાના ટુંડાવ ગામે રહેતી મજીદા જશુભાઇ રાઠોડના ઘેર તપાસ કરતાં તે ગ્રાહક નહી હોવા છતાં પોતાના ઘરમાં વીજળીનો ઉપયોગ કરતાં જણાઇ હતી. આ ઘરમાં કુલ રૃા.૨.૦૯ લાખની વીજચોરી ઝડપાઇ હતી. જ્યારે આ જ ગામમાં ઇબ્રાહિમ જશુભાઇ રાઠોડે પણ વીજલાઇન પર લંગર નાંખી રૃા.૯૧ હજારની વીજચોરી કરી હ તી.
સાવલી તાલુકાના વાંકાનેર ગામે રહેતા બચુ ઉદેસિંહ રાણા પોતે વીજગ્રાહક હોવા છતાં વીજમીટરને બાયપાસ કરી રૃા.૧.૧૫ લાખની વીજચોરી કરી હોવાનું બહાર આવ્યું છે આ ઉપરાંત વડોદરાના ડભોઇરોડ પર આવેલા સહજાનંદ બંગલોમાં રહેતા કલાવતીબેન જયસ્વાલ પોતે વીજગ્રાહક હોવા છતાં મીટર બાયપાસ કરી ઘરમાં વીજવપરાશ કરી કુલ રૃા.૨.૯૨ લાખની વીજચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. વીજ કંપની દ્વારા વીજચોરી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.