For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રદ્યુમ્નસિંહનું પૂતળાદહન, મંગળ ગામિતને પોલીસ રક્ષણ અપાયું

- પક્ષપલટુ ધારાસભ્યો સામે મતદારોનો આક્રોશ: કાર્યકરો વિફર્યા

- પ્રવિણ મારૂના ઘરમાં બંગડીઓ ફેંકાઇ, જે.વી. કાકડિયાના મત વિસ્તારમાં બેનરો લાગ્યાં, વેેચેલો માલ પાછો લેશો નહીં

Updated: Mar 18th, 2020

Article Content Image

અમદાવાદ,તા.18 માર્ચ 2020 બુધવાર 

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની રાજકીય લોભલાલચમાં આવી કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામુ ધરી દીધુ છે.હવે આ બધાય પક્ષપલટુ ધારાસભ્યોનો મતવિસ્તારમાં વિરોધ થઇ રહ્યો છે.મહિલા કોંગ્રેસે આખાય રાજ્યમાં પક્ષપલટુ ધારાસભ્યોનો વિરોધ કરવા કાર્યક્રમની ઘોષણા કરી છે. કચ્છમાં ધારાસભ્ય પ્રદુમ્નસિંહ જાડેજાનુ પૂતળાદહન કરીને વિરોધ કરવામાં આવ્યો છે જયારે કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરતાં ડાંગના ધારાસભ્ય મંગળ ગામિતને પોલીસ રક્ષણ આપવુ પડયુ છે. 

રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામુ ધરી દીધુ છે જેના કારણે મતવિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો વિફર્યા છે.મતદારોમાં ય રોષ ભભૂક્યો છે.હાર્દિક પટેલે મતદારો સાથે દ્રોહ કરનારાં ધારાસભ્યોને સબક શિખવાડવા મત વ્યક્ત કર્યો છે.ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગુજરાત મહિલા કોંગ્રેસને પક્ષપલટુ ધારાસભ્યોના પૂતળાને જુતા પહેરાવવાનો કાર્યક્રમ કરવા પત્ર લખ્યો છે.આ તરફ,પક્ષપલટુ ધારાસભ્યોને કોંગ્રેસ મહિલા કાર્યકરાએે બંગડીઓ મોકલવાનુ શરૂ કર્યુ છે.ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીએ પણ  જાહેર જનતા જોગ પત્ર લખીને એવી અપીલ કરી છેકે, મતના માધ્યમથી પક્ષપલટુઓના ગાલ પર એવો તમાચો મારો કે બીજા ધારાસભ્યનું ઇમાન ન ડગે.

કચ્છમાં ધારાસભ્ય પ્રદુમ્નસિંહ જાડેજાને બે દિવસ પહેલાં જ બંગડીઓ અપાઇ હતી. આજે કોંગ્રેસ કાર્યકરો પૂતળાદહન કરી વિરોધ નોંધાવ્યો હતો.મહિલા કાર્યકરો આજે ભાવનગરમાં ધારાસભ્ય પ્રવિણ મારૂના નિવાસસ્થાને પહોંચીને કેટલામાં વેચાયાં તેવા સૂત્રોચ્ચાર કર્યા હતાં.એટલું જ નહીં, પ્રવિણ મારૂના ઘરમાંબંગડીઓ ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. પક્ષપલટો કરતાં પ્રવિણ મારુને મહિલા કાર્યકરોનો વિરોધનો સામનો કરવો પડયો હતો. 

ડાંગમાં કોંગ્રેસના કાર્યકરો ખૂબ જ નારાજ થયાં છે.ધારાસભ્ય મગળ ગામિતનો જોરદાર વિરોધ કરાયો હતો જેથી ધારાસભ્ય મંગળ ગામિતના ઘેર પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડયો છે. જયારે ધારી મત વિસ્તારના ગામડાઓમાં તો ધારાસભ્ય જે.વી.કાકડિયાના વિરોધમાં એવા બેનરો લાગ્યાં છે જેમાં લખ્યુ છેકે, વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં.મતના સોદાગરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં,પક્ષના ગદ્દાર હાય હાય... ધારી જિલ્લાના કુબડા,છતડિયા સહિત ગામોમાં જે.વી.કાકડિયાના વિરોધમાં બેનરો લાગ્યાં છે. આ જ પ્રમાણે,સુરેન્દ્રનગરમાં ય ધારાસભ્ય સોમા ગાંડા પટેલે પક્ષપલટો કરતાં કોંગ્રેસના કાર્યકરો રોષે ભરાયાં છે.

Gujarat