For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોકોની સમસ્યા ઉકેલાતી નથી કહી નરોડા વોર્ડ ભાજપના મંત્રી ધરણાં ઉપર ઉતરી જતા વિવાદ

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શાસક પક્ષના નેતા સમજાવવા દોડી ગયા

Updated: Sep 14th, 2021


અમદાવાદ,મંગળવાર,14 સપ્ટેમ્બર,2021

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દોઢ દાયકાથી ભાજપ સત્તાસ્થાને છે.આમ છતાં લોકોની સમસ્યા ઉકેલાતી નથી એમ કહી નરોડા વોર્ડ ભાજપના મંત્રી મંગળવારે સિવિક સેન્ટર બહાર ધરણાં ઉપર ઉતરતા ભારે રાજકીય હલચલ મચી જવા પામી હતી.આ બાબતની જાણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પક્ષનેતાને થતા તાત્કાલિક તેઓ નરોડા દોડી ગયા હતા.જયાં ધરણા ઉપર બેઠેલા વોર્ડ ભાજપ મંત્રીને સમજાવવામાં આવ્યા બાદ મામલો થાળે પડયો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ,નરોડા વોર્ડ ભાજપના મંત્રી મયુરસિંહ વાઘેલાએ સોશિયલ મિડીયા ઉપર એવી પોષ્ટ મુકી હતી કે,હું નરોડા વોર્ડના સિવિક સેન્ટર ખાતે ધરણાં ઉપર બેઠો છું.કોર્પોરેટરો અને અધિકારીઓ લોકોની સમસ્યા અંગે ધ્યાન આપતા નથી.જયાં સુધી લેઉવા પાટીદાર વાડી, મામા કલ્યાણ ચાર રસ્તા,આદિશ્વર,સત્યમ વિદ્યાલય, ધર્મનાથ,સેંટ મેરી સ્કૂલ, શ્રીરામ ચોકડી સુધી મચ્છરજન્ય ધુમાડો,દવાનો છંટકાવ ના થાય,ગટરના પાણીનો નિકાલ ના થાય ત્યાં સુધી હું ધરણા ઉપર બેઠો છું.કાઉન્સીલર અને અધિકારીઓને ફરિયાદ કરી કરીને થાકી ગયો.મારી પાસે કોઈ ઓપ્શન નથી.આ પ્રકારની પોસ્ટ વાઈરલ કરાયા બાદ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને પક્ષનેતા તાત્કાલિક નરોડા પહોંચ્યા હતા.જયાં તેમને સમજાવવામાં આવ્યા હતા.

Gujarat